ડાંગ જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ: વઘઈમાં 14 ઇંચથી વધુ વરસાદ સાથે જળબંબાકાર, 47 માર્ગો વાહન વ્યવહાર માટે બંધ કરાયા

ડાંગ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. વઘઈમાં 14.53 ઇંચ, આહવામાં 6.22 ઇંચ અને સુબીરમાં 2.64 ઇંચ વરસાદ નોંધાયો.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Thu, 23 Jul 2026 11:00 AM (IST)Updated: Thu, 23 Jul 2026 11:00 AM (IST)
dang-heavy-rain-vaghai-14-inch-rainfall-47-roads-closed

Dang Rain: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં વરસેલા વરસાદને લીધે સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. દક્ષિણ ગુજરાતમાં પણ મેઘરાજાનું રૌદ્ર સ્વરુપ જોવા મળ્યું છે. ત્યારે પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતા ડાંગમાં પણ સાર્વત્રિક વરસાદ નોધાયો છે. જેના લીધે સ્થાનિક નદીઓ અને ઝરણાંઓ ફરીથી જીવંત બન્યા છે. તો ભારે વરસાદને પગલે માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) હસ્તકના 47 માર્ગો પ્રભાવિત થયા છે.

વઘઈ તાલુકામાં વરસાદી માહોલ

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના 22 થી 23 જુલાઈના અહેવાલ મુજબ, ડાંગ જિલ્લામાં સૌથી વધુ વરસાદ વઘઈ તાલુકામાં ખાબક્યો છે. વઘઈમાં છેલ્લા 24 કલાકમાં કુલ 14.53 ઇંચ જેટલો વરસાદ વરસતા સર્વત્ર પાણી પાણી ફરી ગયાની સ્થિતિ સર્જાઈ હતી. અહીં ખાસ કરીને રાત્રિના 10 વાગ્યા પછી વરસાદનું જોર વધારે જોવા મળ્યું હતું. જેંમાં મોડી રાત્રે અને સવારે ભારે વરસાદ નોંધાયો હતો.

naidunia_image

જિલ્લાના બાકીના તાલુકાઓની વાત કરીએ તો, આહવા તાલુકામાં કુલ 6.22 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે સુબીર તાલુકામાં મેઘરાજાની મહેરબાની જોવા મળી હતી. જેમાં કુલ 2.64 ઇંચ વરસાદ પડ્યો છે. આમ, ડાંગ જિલ્લાના ત્રણેય તાલુકાઓમાં વરસેલા સારા વરસાદને કારણે પ્રકૃતિ ખીલી ઉઠી છે.

ડાંગ જિલ્લાના 47 માર્ગો બંધ થયા

ડાંગ જિલ્લામાં થઈ રહેલા ભારે વરસાદને પગલે માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) હસ્તકના 47 જેટલા માર્ગો પ્રભાવિત થવા પામ્યા છે. ચોમાસાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યમાં વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવેલા રસ્તાઓની તાજી સ્થિતિ અંગેની આ માહિતી જાહેર કરવામાં આવી છે. જે મુજબ તારીખ 23 જુલાઈ સવારના 8 વાગ્યાથી ડાંગમાં પંચાયત હસ્તકના કુલ 47 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરાયા છે. જિલ્લા વહિવટી તંત્ર દ્વારા નાગરિકોની સલામતી માટે જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે અને રસ્તાઓ વહેલી તકે પુનઃ શરૂ કરવા માટે કામગીરી ચાલુ છે.

naidunia_image

ડાંગ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલ વરસાદના આંકડા

  • વઘઈ : 14.53 ઈંચ
  • આહવા: 6.22 ઈંચ
  • સુબીર: 2.64 ઈંચ

સવારે 06:00 થી 08:00 વાગ્યા દરમિયાન ડાંગ જિલ્લામાં નોંધાયેલ વરસાદના આંકડા 

  • આહવા : 2.24 ઈંચ
  • વઘઈ : 2.20 ઈંચ
  • સુબિર: 1.57 ઈંચ