Devbhoomi Dwarka News: સૌરાષ્ટ્રના ખંભાળિયા શહેરમાંથી માનવતા મહેકી ઉઠી છે. જાણીતા અને સેવાભાવી તબીબ ડૉ. પી.વી. કંડોરીયાએ તાજેતરના કમોસમી વરસાદ અને માવઠાને કારણે આર્થિક સંકળામણમાં મુકાયેલા ખેડૂતોની દીકરીઓ માટે એક પ્રશંસનીય અને રાહતભર્યો નિર્ણય લીધો છે. ખેડૂતોને થયેલા વ્યાપક નુકસાનના પગલે ઊભી થયેલી કપરી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ડૉ. કંડોરીયાએ 15 દીકરીઓ માટે આશાનું કિરણ પ્રગટાવ્યું છે. પ્રથમ વર્ષની સંપૂર્ણ ફી માફ કરવાનો નિર્ણય ડૉ. કંડોરીયાએ જાહેર કર્યો છે.
ડિવાઇન નર્સિંગ કૉલેજમાં 15 દીકરીઓની ફી માફ
ડૉ. કંડોરીયાએ ખંભાળિયા સ્થિત પોતાની ડિવાઇન ઇન્સ્ટિટ્યૂટ ઑફ નર્સિંગ કૉલેજમાં ANM (Auxiliary Nurse Midwifery) અભ્યાસક્રમમાં પ્રવેશ લેનારી કુલ 15 જરૂરિયાતમંદ દીકરીઓની પ્રથમ વર્ષની સંપૂર્ણ ફી માફ કરવાની જાહેરાત કરી છે. આ નિર્ણયથી આર્થિક બોજ હેઠળ દબાયેલા પરિવારોને મોટી રાહત મળશે અને દીકરીઓનું ભવિષ્ય ઉજ્જવળ બનશે.

પ્રથમ વર્ષની કુલ ફી સીધી નર્સિંગ કૉલેજને ચૂકવશે
આ રાહત કાર્ય અંતર્ગત, ડૉ. કંડોરીયા પોતાના 'ભગવતી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ' દ્વારા આ 15 દીકરીઓની પ્રથમ વર્ષની કુલ ફી સીધી નર્સિંગ કૉલેજને ચૂકવશે. આર્થિક સંકડામણના આ સમયમાં પણ આ દીકરીઓ કોઈપણ અવરોધ વિના તેમનો નર્સિંગ અભ્યાસ ચાલુ રાખી શકશે, જે તેમને ઉજ્જવળ અને સુરક્ષિત ભવિષ્યની તકો પૂરી પાડશે. ખેડૂતોના સંતાનોને શિક્ષણ માટે મદદ કરવાનો આ નિર્ણય ડૉ. કંડોરીયાની સમાજ સેવા અને શિક્ષણ પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતાને ઉજાગર કરે છે.
મને અનુભવ થયો કે દીકરીઓ માટે હું શું મદદ કરી શકું
આ પહેલ અંગે વાત કરતા ડૉ. પી.વી. કંડોરીયાએ જણાવ્યું કે, તાજેતરમાં થયેલા કમોસમી વરસાદ અને માવઠાને કારણે ખેડૂતોની પરિસ્થિતિ અત્યંત દયનીય બની છે. જામ ખંભાળિયામાં અમારી હોસ્પિટલ મારફતે ગ્રાઉન્ડ લેવલે કામ કરતા મને અનુભવ થયો કે આ ગરીબ ખેડૂતો અને તેમની દીકરીઓ માટે હું શું મદદ કરી શકું. અમારી ડિવાઇન ઇન્સ્ટિટ્યૂટ નર્સિંગ કૉલેજમાં ચાલતા બે વર્ષના ANM કોર્સની સામાન્ય ફી રૂ. 65,000 હોય છે.
15 ગરીબ દીકરીઓની ફી 50,000 સુધીની માફ થઈ શકે
તેમણે જણાવ્યું હતું કે, મેં વિચાર્યું કે મારા 'ભગવતી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ' માંથી ડિવાઇન નર્સિંગ કૉલેજને રૂ. 50,000 જેટલી રકમ આપી શકાય, જેથી આ 15 ગરીબ દીકરીઓની ફી 50,000 સુધીની માફ થઈ શકે. જો આ દીકરીઓ ANM કોર્સ પૂર્ણ કરશે, તો તેમને સરકારી હોસ્પિટલો કે PHC સેન્ટર્સમાં નોકરીની તકો મળશે. તેઓ આર્થિક રીતે સશક્ત બની પોતાનું અને પોતાના પરિવારનું ભવિષ્ય સુધારી શકશે, આ જ ઉદ્દેશ્યથી મેં આ પહેલ કરવાનું વિચાર્યું છે.
