Devbhoomi Dwarka News: દેવભૂમિ દ્વારકાના નાના માંઢા અને મોટા માંઢા ગામે આવેલ એસ્સાર કંપનીના એસ્સાર બલ્ક ટર્મીનલ સલાયા લિમિટેડ (EBTSL) વિભાગમાં ભીષણ આગનો બનાવ બન્યો છે.કોલસો પરિવહન કરતા કન્વેયર બેલ્ટમાં આગ લાગતા જ્વાળાઓ ફાટી નીકળી હતી અને ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. આગ પર કાબુ મેળવવા માટે ફાયરની ત્રણથી ચાર ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે અને હાલ કોઈ જાનહાનિના સમાચાર નથી.
બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, દેવભૂમિ દ્વારકાના નાના માંઢા અને મોટા માંઢા ગામે આવેલ એસ્સાર કંપનીમાં ભીષણ આગ લાગી હતી. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. એસ્સાર કંપનીના બલ્ક ટર્મીનલ સલાયા લિમિટેડ (EBTSL) વિભાગમાં કોલસાનું મુખ્ય કામકાજ થાય છે, જ્યાં કન્વેયર બેલ્ટ દ્વારા નાયરા એનર્જી વિભાગમાં કોલસો પહોંચાડવામાં આવે છે. આ કન્વેયર બેલ્ટમાં જ આગ લાગી હતી.
આગના પગલે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. કંપનીમાં લાગેલી આગ અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. આગના બનાવની જાણ થતા જ ફાયર બ્રિગેડની ત્રણથી ચાર ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવા માટે સઘન પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.
ફાયર વિભાગના જવાનોએ યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દીધી હતી. આગના આ બનાવમાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. કંપનીના સુરક્ષાકર્મીઓ અને સ્થાનિક તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. આગ પર કાબૂ મેળવવામાં આવ્યા બાદ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવશે.
