Devbhumi Dwarka News: દેવભૂમિ દ્વારકા જિલ્લાની દરિયાઈ સુરક્ષાને વધારે મજબૂત બનાવવા માટે તંત્ર દ્વારા એક મોટો અને અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાષ્ટ્રીય સુરક્ષા અને દેશવિરોધી પ્રવૃત્તિઓને ડામવાના હેતુથી દ્વારકા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા દરિયાઈ હદમાં આવેલા 21 નિર્જન ટાપુઓ પર સામાન્ય લોકોની અવરજવર પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકી દેવાયો છે.
21 સપ્ટેમ્બર 2026 સુધી પ્રતિબંધ
દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર આદેશ પ્રમાણે, 21 નિર્જન ટાપુઓ પર સક્ષમ અધિકારી કે સુરક્ષા એજન્સીઓની પૂર્વ મંજૂરી વિના આ ટાપુઓ પર પ્રવેશ ગેરકાયદેસર ગણાશે. દ્વારકા જિલ્લાની દરિયાઈ સીમામાં કુલ 24 ટાપુઓ આવેલા છે. આ 24 ટાપુઓમાંથી માત્ર 2 ટાપુઓ પર માનવ વસાહત છે. 1 ટાપુ અન્ય ચોક્કસ હેતુ માટે સક્રિય છે, જ્યારે બાકીના 21 ટાપુઓ સંપૂર્ણ નિર્જન છે. આ પ્રતિબંધ 21 સપ્ટેમ્બર 2026 સુધી અમલમાં રહેશે.
જિલ્લા કલેક્ટરે લીધો કડક નિર્ણય?
નિર્જન ટાપુઓ પર કોઈ વસાહત ન હોવાને કારણે અસામાજિક અને દેશવિરોધી તત્ત્વો તેનો ગેરલાભ ઉઠાવી શકે છે. ઘૂસણખોરી, ગેરકાયદેસર શસ્ત્રો અને માદક પદાર્થ (ડ્રગ્સ)ની હેરાફેરી જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ રોકવા અને દેશની આંતરિક સુરક્ષા જાળવી રાખવા માટે આ નિર્ણય લેવો અત્યંત જરુરી બન્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં પણ આ દરિયાઈ ટાપુઓ પર તંત્ર દ્વારા મોટા પાયે મેગા ડિમોલિશન ડ્રાઈવ ચલાવીને ગેરકાયદેસર ધાર્મિક અને અનાધિકૃત દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ ટાપુઓ પર ગેરકાયદેસર બાંધકામો ન થાય તે માટે સુરક્ષા એજન્સીઓ સતત એલર્ટ મોડ પર છે .
નિયમનો ભંગ કરનારા સામે કડક કાર્યવાહી
સરકાર અને સ્થાનિક પોલીસ દ્વારા કડક ચેતવણી આપવામાં આવી છે કે, આ સત્તાવાર જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ સામે ભારતીય ન્યાય સંહિતા અને સંબંધિત કાયદાઓ હેઠળ ગુનો નોંધીને કડક કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. દરિયાઈ સીમાની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને કોસ્ટ ગાર્ડ, મરીન પોલીસ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા આ તમામ ટાપુઓ આસપાસ પેટ્રોલિંગ સઘન બનાવી દેવામાં આવ્યું છે.
