Devbhumi Dwarka: ગુજરાતમાં મગફળીની ખરીદી અને ટેકાના ભાવની નીતિને લઈને કિસાન સંઘ દ્વારા કેન્દ્ર સરકાર સમક્ષ એક અસામાન્ય અને મોટી માંગ કરવામાં આવી છે.
કિસાન સંઘના પ્રમુખ પાલભાઈ આંબલિયાએ (Palbhai Ambaliya) આવેદન પત્ર આપી માંગણી કરી છે કે, સરકારે ટેકાના ભાવે ખરીદી બંધ કરીને રજિસ્ટ્રેશન કરાવનાર દરેક ખેડૂતના ખાતામાં સીધા રૂ 1,35,000 જમા કરાવવા જોઈએ અથવા દરેક ખેડૂત પાસેથી 300 મણ મગફળીની ખરીદી કરવી જોઈએ.
પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત ઇન્ડિયન કાઉન્સિલ ફોર રિસર્ચ ઇન્ટરનેશનલ ઇકોનોમિક રિલેશન કમિટી'ના અહેવાલને ટાંકીને આ માંગ કરવામાં આવી છે. આ કમિટીએ ભલામણ કરી છે કે, ટેકાના ભાવે ખરીદી બંધ કરીને ખેડૂતોને હેકટર દીઠ સીધી સહાય આપવી જોઈએ.
કમિટીના અહેવાલ મુજબ, ગુજરાતમાં ટેકાના ભાવે મગફળી ખરીદવા પાછળ સરકારને પ્રતિ કિલોગ્રામ રૂ 32નું, એટલે કે પ્રતિ મણ રૂ 640નું નુકસાન થાય છે. આ નુકસાનની રકમને ટાંકીને માંગ કરવામાં આવી છે સરકારે 200 મણની ખરીદી દીઠ થતા નુકસાન બરાબર રૂ 1,28,000 ખેડૂતોના ખાતામાં સીધા જમા કરાવવા જોઈએ.
આ મામલે કિસાન કોંગ્રેસના પાલ આંબલિયાએ જણાવ્યું કે, વર્ષ 2013-14માં જે સોનાનો ભાવ 27 થી 30 હજાર રૂપિયાની આસપાસ હતો, તે આજે વધીને 1.25 લાખ પર પહોંચી ચૂક્યો છે. જ્યારે 2013-14માં મગફળીનો ભાવ 1200 થી 1300 રૂપિયાની આસપાસ હતો. જો કે સરકારની ખેડૂત વિરોધી નીતિઓના પરિણામે મગફળીનો ભાવ આજે ઘટીને 750 થી 1000 રૂપિયાની આસપાસ રહ્યો છે.
આથી અમારી સરકારને વિનંતી છે કે, તમારી અંદર રહેલ ખેડૂતો પ્રત્યોના આત્માને જગાડો અને વહેલામાં વહેલી તકે ટેકાના ભાવે 300 મણ મગફળી ખરીદો. જો મગફળી ના ખરીદી શકો, તો ખેડૂતોના ખાતામાં ભાવફેરના 1.35 લાખ રૂપિયા જમા કરાવો.
