Devbhumi Dwarka: ખંભાળિયાના વિરમદળ ગામ પાસે યુવાનની હત્યા, અજાણ્યા શખ્સોને પકડવા પોલીસ તપાસ શરૂ

ખંભાળિયાના 54 વર્ષીય આસીફ લાખા નામના યુવકની વિરમદળ ગામ નજીકના રોડ પર અજાણ્યા શખ્સો દ્વારા ઘાતકી હત્યા કરી દેવામાં આવી છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Thu, 02 Jul 2026 11:27 AM (IST)Updated: Thu, 02 Jul 2026 11:27 AM (IST)
khambhaliya-asif-lakha-murder-near-viramdal-devbhumi-dwarka-police-probe

Khambhaliya News, Asif Lakha Murder: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં એક કરપીણ હત્યાની ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ખંભાળિયાના હજામપાડા વિસ્તારમાં રહેતા 54 વર્ષીય આસીફ ઓસમાણ લાખા નામના યુવકની અજાણ્યા શખ્સો દ્વારા ઘાતકી હત્યા કરી દેવામાં આવી છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

વિરમદળ ગામ નજીકના રોડ પર બની ઘટના

મળતી માહિતી મુજબ, મૃતક આસીફ લાખા કુરેશ કસાઈ સમાજના હતા અને તેઓ કિંમતી દાગીના પહેરવાના ભારે શોખીન હતા. આ હત્યાનો બનાવ વિરમદળ ગામ નજીકના રોડ પર બન્યો હતો. જોકે, આ હત્યા પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી. પરંતુ આ ઘટનાના કારણે સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ સાથે ભયનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.

જામનગર જી.જી. હોસ્પિટલમાં રખાયો મૃતદેહ

આ બનાવ બાદ, મૃતક યુવકની લાશને મોડી રાત્રે પોસ્ટમોર્ટમ માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતાં જ જામનગર કુરેશ કસાઈ જમાતના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં યુવાનો તાત્કાલિક જી.જી. હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. 

મૃતકના પરિજનો અને સમાજના લોકોએ આ ઘટના અંગે ભારે રોષ વ્યક્ત કરતા આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવા ઉગ્ર માંગ કરી છે. બીજી તરફ, હત્યાના સમાચાર વાયુવેગે ફેલાતા જ સ્થાનિક પોલીસ તંત્ર એલર્ટ થઈ ગયું હતું. આ ઘટનાની જાણ થતાં જ દેવભૂમિ દ્વારકાના પોલીસ વડા જયરાજસિંહ વાળા અને નાયબ પોલીસ અધિક્ષક મીત રૂડરાલ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

પોલીસ ઘટનાસ્થળે: LCB-SOG દ્વારા તપાસ

હાલમાં પોલીસની લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) અને સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ (SOG) ટીમોએ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આરોપીઓને વહેલી તકે પકડવા માટે પોલીસ દ્વારા આસપાસના વિસ્તારના સીસીટીવી (CCTV) ફૂટેજ તપાસવાની તેમજ શંકાસ્પદ ઈસમોની સઘન પૂછપરછ કરવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.