Gandhinagar Accident: ગાંધીનગરના મોટા ચિલોડા-દહેગામ રોડ પર ગત રાત્રે ત્રિપલ અકસ્માતનો બનાવ બન્યો હતો. પૂરપાટ ઝડપે આવી રહેલી ઇનોવાએ રિક્ષાને ટક્કર મારી હતી. રિક્ષાને ટક્કર માર્યા બાદ ઇનોવા કાર ટ્રક સાથે અથડાઈ હતી. અકસ્માતના આ બનાવમાં એક મહિલાનું મોત નીપજ્યું હતું. જ્યારે સાત લોકોને ઇજા પહોંચી હતી. બનાવ બાદ કાર ચાલક ફરાર થઇ ગયો હતો. બનાવની જાણ થતાં પોલીસ પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
રિક્ષાને ટક્કર મારી ઇનોવા ટ્રક સાથે અથડાઈ
બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, મોટા ચિલોડા-દહેગામ રોડ પર કેશવ હોટલ આવેલી છે. આ હોટલ નજીક ગઇકાલે રાત્રીના સમયે પૂરપાટ ઝડપે એક ઇનોવા કાર આવી હતી. ઇનોવાએ મજૂરોને લઇ જઇ રહેલી રિક્ષાને ટક્કર મારી હતી. રિક્ષાને ટક્કર માર્યા બાદ ઇનોવા કાર બાજુમા પાર્ક કરેલી ટ્રકની ડીઝલની ટાંકી સાથે અથડાઈ હતી. અકસ્માત સર્જ્યા બાદ ચાલક કાર સ્થળ પર છોડીને ફરાર થઇ ગયો હતો. અકસ્માત થયો હોવાની જાણ થતાં આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા અને ઇજાગ્રસ્તોને બહરા કાઢ્યા હતા. બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી.
મજૂરી અર્થે રિક્ષામાં જઇ રહ્યા હતા
આ અંગે ઇજાગ્રસ્ત રિક્ષા ડ્રાઈવર પંકજજી પ્રહલાદજી ઠાકોરે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. તેમણે જણાવ્યું કે તેઓ લેકાવાડા ખાતે કમલેશભાઈ પટેલના ખેતરમાં બટાકાનું બિયારણ કાપવા માટે ગામના શૈલેષ વિક્રમજી ઠાકોર, લીલાબેન કાંતીજી ઠાકોર, અર્જુન કાંતીજી ઠાકોર, મહેન્દ્રભાઈ નરસિંહભાઈ વાઘેલા, જ્યોત્સનાબેન મહેન્દ્રભાઈ વાઘેલા, મુન્નિબેન કાંતીજી ઠાકોર અને પૂનમબેન બળદેવજી ઠાકોર સહિતના મજૂરોને પોતાની રિક્ષામાં લઈ જઈ રહ્યા હતા.
મહિલાનું મોત, અન્ય ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા
આ અકસ્માતમાં પૂનમબેન બળદેવજી ઠાકોરને ગંભીર ઈજાઓ થતા તેમનું મોત નિપજ્યું હતું. જ્યારે રિક્ષામાં સવાર અન્ય મજૂરોને નાની-મોટી ઈજાઓ થતા તેમને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. પોલીસને ઇનોવા કારની તપાસ કરતા તેમાંથી દારૂની બોટલ મળી આવી હતી, જે દર્શાવે છે કે કારચાલક નશાની હાલતમાં હોવાની પ્રબળ સંભાવના છે. પોલીસે ફરાર કારચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
