Gandhinagar Cyber Scam Case: ગાંધીનગર સ્થિત સાયબર સેન્ટર ઓફ એક્સીલન્સ દ્વારા રૂ. 719 કરોડથી વધુની મહાકાય સાયબર ઠગાઈ આચરનાર એક આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય ગેંગનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. બેંકોમાં 'મ્યુલ એકાઉન્ટ' ખોલાવી, છેતરપિંડીના નાણાં રોકડ અથવા ક્રિપ્ટો કરન્સીમાં રૂપાંતરિત કરીને દુબઈ અને ચીનમાં બેઠેલી સાયબર ફ્રોડ ગેંગને મોકલવામાં આવતા હતા. આ પ્રકરણમાં બેંક કર્મચારીઓ સહિત કુલ 10 આરોપીઓની ભાવનગરથી ધરપકડ કરવામાં આવી છે.
26 રાજ્યોમાં 1594 સાયબર ક્રાઇમને અંજામ આપ્યો હતો
આંતરરાષ્ટ્રીય અને આંતરરાજ્ય સ્તરે કાર્યરત આ ગેંગે દેશના 26 રાજ્યો અને 6 કેન્દ્રશાસિત પ્રદેશોમાં કુલ 1594 સાયબર ગુનાઓને અંજામ આપ્યો હતો. જેમાં મહારાષ્ટ્ર (300), તમિલનાડુ (203), કર્ણાટક (194), તેલંગાણા (128), ગુજરાત (97) અને કેરળ (91) મુખ્ય રાજ્યો છે.
તપાસમાં જાણવા મળ્યું છે કે ઠગાઈ કરાયેલા નાણાં ઇન્ડસઇન્ડ બેંકની ભાવનગર શાખામાં ખોલવામાં આવેલા 110 મ્યુલ બેંક ખાતાઓમાં જમા કરવામાં આવતા હતા. આ ખાતાઓમાંથી નાણાં રોકડમાં અથવા ક્રિપ્ટોકરન્સી (USDT) માં રૂપાંતરિત કરીને 'આંગડિયા' કે ક્રિપ્ટો ટ્રાન્ઝેક્શન મારફતે દુબઈ અને ચીનમાં બેઠેલી સાયબર ફ્રોડ ગેંગના સભ્યો સુધી પહોંચાડવામાં આવતા હતા. કુલ 147 સાયબર ફ્રોડ ફરિયાદોના ગુનાઓ ઉકેલી દેવાયા છે જે ભાવનગરના મ્યુલ ખાતા સાથે સંકળાયેલા છે.
આ પણ વાંચો
ભાવનગરથી 10 આરોપીઓની ધરપકડ
હ્યુમન સોર્સ અને ટેકનિકલ એનાલિસિસની મદદથી આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલતા આ ગુનાહિત કાવતરાનો પર્દાફાશ કરી ભાવનગર ખાતેથી કુલ 10 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ ગેંગમાં અબુબકરબિન અલીભાઇ શેખ અને પાર્થ પ્રફુલભાઈ ઉપાધ્યાય નામના બે બેંક કર્મચારીઓ, અલ્પેશ મકવાણા, મહેન્દ્ર મકવાણા અને પ્રતિક વાઘાણી જેવા નાણાં ઉપાડનારા અને મની મુલ એકાઉન્ટ પૂરા પાડનારા તેમજ વિપુલ ડાંગર જેવા મની ફોરવર્ડર્સનો સમાવેશ થાય છે.
મુખ્ય સૂત્રધાર દુબઈ/ચીનની ગેંગ સાથે સીધો સંપર્ક ધરાવતો
આ ઉપરાંત જયરાજસિંહ રાયજાદા નાણાંને ક્રિપ્ટોકરન્સી (USDT) માં રૂપાંતરિત કરવામાં મદદ કરતો હતો, જ્યારે ગુરુપુરબસિંગ ટાંક અને તેજશ પંડ્યા આ USDT દુબઈમાં બેઠેલી ચાઈનીઝ ગેંગના સભ્યોને મોકલવામાં સક્રિય હતા. આ સમગ્ર ષડયંત્રનો મુખ્ય સૂત્રધાર દિવ્યરાજસિંહ ઝાલાની ધરપકડ કરવામાં આવી છે.
મુખ્ય સુત્રધાર દુબઈ/ચીનની ગેંગ સાથે સીધો સંપર્ક ધરાવતો હતો અને ક્રિપ્ટો વોલેટ એડ્રેસ પણ પૂરા પાડતો હતો. આ ગેંગ દ્વારા મુખ્યત્વે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ, ડિજિટલ અરેસ્ટ ફ્રોડ, UPI-સંબંધિત ફ્રોડ, ડિપોઝિટ ફ્રોડ, લોન ફ્રોડ, પાર્ટ-ટાઈમ જોબ ફ્રોડ, ટાસ્ક ફ્રોડ અને વિશિંગ કોલ ફ્રોડ જેવી વિવિધ મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરવામાં આવતો હતો.
નાગરિકોને અપીલ અને શું રાખવી સાવચેતી
સાયબર ગુનાઓથી બચવા માટે જનતાને વિનંતી છે કે, પોતાના બેંક ખાતા કે સિમકાર્ડ કોઈ પણ વ્યક્તિને, કોઈ પણ બહાને કે લાલચમાં આવીને વાપરવા ન આપવા. તેનો ગેરકાયદેસર ઉપયોગ તમને કાયદેસર રીતે જવાબદાર ઠેરવી શકે છે. સોશિયલ મીડિયા પર ટૂંકા ગાળામાં વધુ નફો કમાવી આપતી રોકાણ યોજનાઓની જાહેરાતો પર વિશ્વાસ ન કરવો.
ડિજિટલ અરેસ્ટ જેવી કોઈ કાયદાકીય જોગવાઈ ન હોવાથી, પોલીસ, TRAI, ED, CBI, RBI જેવી સરકારી એજન્સીના નામે આવતા કોલ્સથી સાવધાન રહો અને નાણાકીય કે ખાનગી માહિતી ન આપો. કોઈ પણ સાયબર ગુનો બને ત્યારે 'ગોલ્ડન અવર' એટલે કે પ્રથમ એક કલાકમાં સાયબર હેલ્પલાઇન નંબર 1930નો સંપર્ક કરવાથી તમારા ગુમાવેલા નાણાં મહત્તમ બચાવી શકાય છે.
