UpdatedIST

Gandhinagar: વિધાનસભા બજેટ સત્રના પ્રારંભે રાજ્યપાલ દેવવ્રતનું સંબોધન, 21 મિનિટમાં રાજ્યની વિકાસયાત્રા વર્ણવી

વિધાનસભા ગૃહના નેતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિધાનસભાના દિવંગત પૂર્વ સભ્યોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

By: Purvalak DabhiEdited By: Purvalak Dabhi Publish Date: Mon 16 Feb 2026 04:46 PM (IST)Updated: Mon 16 Feb 2026 04:46 PM (IST)
gandhinagar-gujarat-assembly-budget-session-governor-devvrat-21-minute-address-693206
HIGHLIGHTS
  • 15 મી ગુજરાત વિધાનસભાના આઠમા સત્રનો પ્રારંભ 
  • વિધાનસભાના દિવંગત પૂર્વ સભ્યોને શ્રદ્ધાંજલિ પાઠવી
  • રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનું ગૃહને 21 મિનિટ સંબોધન

Gujarat Assembly Budget session: આજથી 15મી ગુજરાત વિધાનસભાના આઠમા સત્રનો પ્રારંભ થયો છે. ગુજરાત વિધાનસભાનું આ બજેટ સત્ર હશે. આ અવસરે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વિધાનસભા ગૃહને સંબોધતા રાજ્યની વિકાસયાત્રા, સુશાસન અને સર્વસમાવેશી નીતિ અંગે વિસ્તૃત માહિતી આપી હતી.

ગુજરાત વિધાનસભાના સત્રનો પ્રારંભ

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું કે, મહાત્મા ગાંધીજી અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ધરતી ગુજરાત હંમેશાં રાષ્ટ્ર નિર્માણમાં અગ્રેસર રહી છે. “સર્વજન હિતાય, સર્વજન સુખાય”ના મંત્ર સાથે રાજ્ય સરકાર યુવાશક્તિ, નારીશક્તિ, ખેડૂત અને ગરીબોના કલ્યાણ માટે દૃઢ સંકલ્પ સાથે કાર્યરત છે.

“સોમનાથ સ્વાભિમાન પર્વ”

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું કે, સોમનાથ મંદિર પર થયેલા આક્રમણને એક હજાર વર્ષ પૂર્ણ થતાં “સોમનાથ સ્વાભિમાન પર્વ”નું આયોજન કર્યું છે, જે સંસ્કૃતિના ગૌરવ અને રાષ્ટ્રીય અસ્મિતાનું પ્રતિક છે. જાન્યુઆરી 9 થી 15 દરમિયાન યોજાયેલ આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રેરક સાન્નિધ્યમાં સંસ્કૃતિની આરાધના કરવામાં આવી હતી.

“યુનિટી માર્ચ-સરદાર @150”

સરદાર વલ્લભભાઈ પટેલ તથા ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે કરમસદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી “યુનિટી માર્ચ-સરદાર @150”નું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યપાલ દેવવ્રતે કહ્યું કે, આ પદયાત્રા એકતા અને રાષ્ટ્ર ગૌરવનું પ્રતીક બની હતી. વર્ષ 2025 ને જનજાતીય ગૌરવ વર્ષ તરીકે ઉજવી જનજાતિ સમાજના યોગદાનને સન્માન આપવામાં આવ્યું છે.

પારદર્શક અને જવાબદાર શાસન વ્યવસ્થા

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ઉમેર્યું કે, રાજ્યમાં પારદર્શક અને જવાબદાર શાસન વ્યવસ્થા સુનિશ્ચિત કરવા ટેકનોલોજી આધારિત પહેલો અમલમાં મૂકવામાં આવી છે. CM ડેશબોર્ડ દ્વારા ગવર્નન્સ પર્ફોર્મન્સ ઇન્ડેક્સ (GPI) અમલમાં મૂક્યો છે. I-ORA પોર્ટલ તથા GARVI-2.0 દ્વારા જમીન સંબંધિત સેવાઓ એન્ડ-ટુ-એન્ડ ઓનલાઇન ઉપલબ્ધ થઈ છે. વહીવટી વિકેન્દ્રીકરણને પ્રાથમિકતા આપી નવા જિલ્લાઓ અને તાલુકાઓની રચના કરવામાં આવી છે.

પ્રાકૃતિક ખેતી અને મોડેલ ફાર્મને સમર્થન

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું કે, પ્રાકૃતિક ખેતી જમીન અને માનવ આરોગ્ય માટે આશીર્વાદરૂપ છે. રાજ્યમાં ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ તથા વિશ્વની પ્રથમ પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે. રાજ્યના 19 લાખથી વધુ ખેડૂતોને તાલીમ અપાઈ છે. 8 લાખથી વધુ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી છે. રાજ્યમાં 7100 મોડેલ ફાર્મની સ્થાપના કરવામાં આવી છે. ડાંગ જિલ્લાને સંપૂર્ણ રસાયણ મુક્ત જાહેર કરવામાં આવ્યો છે.

"તાલીમ, માર્ગદર્શન અને પ્રોત્સાહન દ્વારા ખેડૂતોને રસાયણમુક્ત ખેતી તરફ પ્રેરણા આપવામાં આવી રહી છે. બાગાયત ક્ષેત્રે પણ રાજ્યએ આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે. ગીરની કેસર, વલસાડી હાફુસ, કચ્છી ખારેક અને અમલસાડી ચીકુ જેવા ઉત્પાદનોને વૈશ્વિક ઓળખ મળી છે." -- રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

ખેડૂતોના વિકાસ માટે કટિબદ્ધ ગુજરાત સરકાર

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના સહિત વિવિધ સહાય યોજના દ્વારા ખેડૂતોને સીધી આર્થિક સહાય આપવામાં આવી રહી છે. જે અન્વયે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ રૂ. 22 હજાર કરોડથી વધુ સહાય 69 લાખથી વધુ ખેડૂત પરિવારોને સીધી જમા કરવામાં આવી છે. કમોસમી વરસાદ સામે ખેડૂતોને સહાય માટે ચાલુ વર્ષે માતબર રકમના કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી, જે અંતર્ગત 33 લાખથી વધુ ખેડૂતોને રૂ. 9,610 કરોડની સહાય ચૂકવવામાં આવી છે.

યુવાનોને રોજગારની તકો ઉપલબ્ધ કરાવતી સરકાર 

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું કે, રાજ્ય સરકાર યુવાનોને રોજગારની તકો ઉપલબ્ધ કરાવવા માટે પ્રતિબદ્ધ છે. છેલ્લા વર્ષમાં 30,000થી વધુ યુવાનોને નિમણૂક પત્ર આપવામાં આવ્યા છે. 10 વર્ષીય ભરતી કેલેન્ડર દ્વારા 2 લાખથી વધુ જગ્યાઓ ભરવાની યોજના છે. ‘ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના’ હેઠળ સરકારી કર્મચારીઓને રૂ.10 લાખ સુધીની કેશલેસ સારવારની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

રમત ગમત ક્ષેત્રે ગુજરાત રાજ્યની પ્રગતિ

ગુજરાત રમતગમત ક્ષેત્રે પણ સતત પ્રગતિ કરી રહ્યું છે. કોમનવેલ્થ ગેમ્સના નેતૃત્વનો અવસર ગુજરાતને મળ્યો છે. અમદાવાદ ખાતે આયોજિત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2026 માં વડાપ્રધાન તેમજ જર્મનીના ચાન્સેલરની પ્રેરક ઉપસ્થિતિએ રાજ્યના ઉત્સવને વૈશ્વિક ફલક પર મૂકી એક નવી ઓળખ આપી છે. વડનગરના ઐતિહાસિક શર્મિષ્ઠા તળાવ પરિસર ખાતે 11 મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે 2121 યોગ સાધકોના એક સાથે ભુજંગાસન દ્વારા નવો કીર્તિમાન પ્રસ્થાપિત કરીને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે.

દિવંગત પૂર્વ સભ્યોને શ્રદ્ધાંજલિ, બે મિનિટનું મૌન પાળ્યું

આજે સોમવારના રોજ 15મી ગુજરાત વિધાનસભાના આઠમાં સત્રનો પ્રથમ દિવસ હતા. આ તકે વિધાન ગૃહના નેતા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શોક દર્શક ઉલ્લેખોમાં વિધાનસભાના દિવંગત પૂર્વ સદસ્યોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. સૌ દિવંગત સભ્યોના સન્માનમાં સભાગૃહે બે મિનિટનું મૌન પાળ્યું હતું.

વિધાનસભાના પૂર્વ દિવંગત સદસ્યો પૂર્વ મંત્રી સ્વ. મનસુખભાઈ જોષી, પૂર્વ રાજ્યકક્ષાના મંત્રી સ્વ. મોહંમદભાઈ સુરતી તથા પૂર્વ સભ્ય સ્વ. ધીરજલાલ રીબડીયા, સ્વ. અમરસિંહ વસાવા, સ્વ. વજુભાઈ ડોડીયા અને સ્વ. બાવનજીભાઈ મેતલિયાના અવસાન અંગેના શોકદર્શક ઉલ્લેખો ગૃહમાં રજૂ થયા હતા.