UpdatedIST

Gujarat Assembly Budget Session: આજથી ગુજરાત વિધાનસભા બજેટ સત્ર શરૂ, વિપક્ષને જવાબ આપવા ભાજપની અને સરકારને ઘેરવા કોંગ્રેસની મહત્વની બેઠક

વિધાનસભાના ચોથા માળે આવેલા શાસક પક્ષના ખંડમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા (પંચાલ)ની હાજરીમાં એક મહત્વપૂર્ણ બેઠક યોજાનારી છે.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Mon 16 Feb 2026 10:59 AM (IST)Updated: Mon 16 Feb 2026 10:59 AM (IST)
gujarat-assembly-budget-session-begins-deputy-speaker-election-today-live-updates-692983

Gujarat Assembly Budget Session Today: આજથી ગુજરાત વિધાનસભા બજેટ સત્રનો પ્રારંભ થઇ રહ્યો છે. આજે સત્ર દરમિયાન ઉપાધ્યક્ષ પદ માટે ચૂંટણી યોજવામાં આવશે. જેમાં ભાજપ તરફથી પૂર્ણેશ મોદી અને કોંગ્રેસ તરફથી શૈલેષ પરમારે ઉમેદવારી નોંધાવી છે. સત્ર પૂર્વે કોંગ્રેસ અને ભાજપે રણનીતિ શરૂ કરી છે. ભાજપના ધારાસભ્યો અને મંત્રીઓની આજે એક મહત્વપૂર્ણ બેઠક સેશન પૂર્વે યોજાઇ રહી છે. તો બીજી તરફ કોંગ્રેસ દ્વારા પ્રજાના પ્રશ્નોને વાચા આપવા માટે આજે જન આક્રોશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

વિપક્ષના આક્ષેપોને જવાબ આપવા ભાજપના મંત્રીઓ, ધારાસભ્યોની બેઠક

વિધાનસભાના ચોથા માળે આવેલા શાસક પક્ષના ખંડમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા (પંચાલ)ની હાજરીમાં એક મહત્વપૂર્ણ બેઠક યોજાનારી છે. આ બેઠકમાં વિપક્ષ દ્વારા ઉઠાવવામાં આવનારા આક્ષેપોનો જડબાતોડ જવાબ આપવા માટે 'માસ્ટર પ્લાન' તૈયાર કરવા પર મંથન કરવામાં આવશે. સરકારની જનકલ્યાણકારી યોજનાઓ અને રાજ્યમાં થયેલા વિકાસકામોને ગૃહમાં મજબૂતીથી રજૂ કરવા માટે ધારાસભ્યોને વિગતવાર માર્ગદર્શન આપવામાં આવશે.

લોકહિતના મુદ્દે સરકારને ઘેરવાની કોંગ્રેસની તૈયારી

કોંગ્રેસ પક્ષના કાર્યાલય ખાતે સવારે 11 વાગ્યે ધારાસભ્યોની બેઠક યોજવામાં આવી રહી છે. વિધાનસભામાં સંખ્યાબળ ઓછું હોવા છતાં કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા આ બેઠકમાં લોકહિતના મુદ્દાઓને લઇને સરકારને ઘેરવા માટે વ્યૂહરચના ઘડવમાં આવશે. ભ્રષ્ટાચાર, વિવિધ ગેરરીતિઓ અને રાજ્યમાં તૂટતા બ્રિજ જેવા ગંભીર મુદ્દે સરકારને ભીંસમાં લેવાની કોંગ્રેસે તૈયારી કરી રહી છે. લોકહિતના પ્રશ્નો ઉઠાવી સરકાર પાસેથી જવાબ માંગવા માટે ધારાસભ્યો દ્વારા વ્યુહરચના ઘડવામાં આવશે.

બજેટ સત્રમાં આજે ઉપાધ્યક્ષની ચૂંટણી હાથ ધરાશે

સંસદીય કાર્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, આજથી ગુજરાતની 15મી વિધાનસભાના બજેટ સત્રનો વિધિવત પ્રારંભ થઈ રહ્યો છે. રાજ્યપાલના આભાર પ્રસ્તાવ બાદ આજે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદ માટે ચૂંટણી યોજાશે. આ પદ માટે ભાજપ તરફથી પૂર્ણેશ મોદીએ ઉમેદવારી નોંધાવી છે, જ્યારે કોંગ્રેસ તરફથી શૈલેષ પરમારે દાવેદારી નોંધાવી છે. ચૂંટણીના પરિણામની જાહેરાત બાદ નવા વરાયેલા ઉપાધ્યક્ષને સન્માનપૂર્વક તેમના આસન સુધી દોરી જવામાં આવશે.

18 ફેબ્રુઆરીએ રાજ્યનું બજેટ રજૂ કરવામાં આવશે

ઋષિકેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, આગામી 18 ફેબ્રુઆરીએ રાજ્યનું બજેટ રજૂ કરવામાં આવશે. આ બજેટ ગુજરાતના સર્વાંગી વિકાસને વેગ આપનારું હશે. છેવાડાના માનવીથી લઈને ઉદ્યોગ જગત સુધી, તમામ વર્ગોને સ્પર્શતું અને સંતોષતું બજેટ હશે. ગુજરાતનો વિકાસ અને જનતાની સુખાકારી એ જ આ બજેટનું મુખ્ય લક્ષ્ય છે.

સત્રમાં વિકાસલક્ષી ચર્ચા પર ભાર અપાશેઃ હર્ષ સંઘવી

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આજે ગુજરાત વિધાનસભાના બજેટ સત્રની શરૂઆત થઈ રહી છે. આ સત્ર રાજ્યના નાગરિકોના હિતમાં લેવાયેલા નિર્ણયો તેમજ વધુ વિકાસ અને નવી યોજનાઓ પર ચર્ચાઓનું કેન્દ્ર બનશે. તેમણે તમામ પક્ષોને વિનંતી કરી કે, રાજકીય ટીકાઓથી બહાર આવીને વિકાસલક્ષી ચર્ચાઓ કરે. તેમણે ઉમેર્યું કે, સૌ ધારાસભ્ય પોતાના મતવિસ્તારના પ્રશ્નો અંગે સૂચનો આપે તે આવકાર્ય છે.

અમદાવાદ-વડોદરામાં બોમ્બ ધમકી અંગે હર્ષ સંઘવીનું નિવેદન

વડોદરા અને અમદાવાદની વિવિધ સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અંગે પણ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે, રાજ્યમાં બોમ્બની ધમકીઓ અંગે ડીજીપીને સૂચનાઓ આપવામાં આવી છે. અમદાવાદ અને વડોદરા શહેરમાં બોમ્બની ધમકી અંગે તપાસ ચાલી રહી છે અને બન્ને શહેરોના પોલીસ કમિશનર આ અંગે ઝીણવટભરી તપાસ કરી રહ્યા છે.