Gandhinagar: ગુજરાતના 5334 ગામોમાં 10,712 પશુ સારવાર કેમ્પ યોજાયા, 5.40 લાખથી વધુ પશુઓને સારવાર અપાઈ

ગુજરાતના દૂધાળા પશુઓમાં વ્યંધત્વ ઘટાડીને દૂધ ઉત્પાદન વધારવા અમલમાં મૂકાયેલા 'ફર્ટિલિટી ઇમ્પ્રુવમેન્ટ પ્રોગ્રામ'ના બે તબક્કા પૂર્ણ

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Tue 09 Dec 2025 09:38 PM (IST)Updated: Tue 09 Dec 2025 09:38 PM (IST)
gandhinagar-news-10712-animal-treatment-camps-organized-in-5334-villages-across-the-gujarat-652520
HIGHLIGHTS
  • ગાભણ ન થતા હોય તેવા 3.89 લાખથી વધુ પશુઓને વિશેષ જાતિય સારવાર અપાઈ
  • FIP અભિયાનથી રાજ્યના પશુઓના ગર્ભધારણ દરમાં 20 થી 30 ટકાનો સુધારો આવશે

Gandhinagar: ગ્રામ્ય અર્થતંત્રને વધુ મજબૂત અને સમૃદ્ધ બનાવવા માટે પશુપાલન વ્યવસાય એક મહત્વનું પરિબળ પૂરવાર થઇ રહ્યો છે. આ વ્યવસાયને ટકાઉ અને વધુ નફાકારક બનાવવા પશુઓની પ્રજનન ક્ષમતા જાળવી રાખવી અત્યંત આવશ્યક છે. કારણ કે, પશુઓના ગર્ભધારણમાં ખામી કે વિલંબ થતા તેની સીધી અસર દૂધ ઉત્પાદન પર થાય છે.

રાજ્યના પશુપાલકોને આ આર્થિક નુકશાનથી બચાવવા અને પશુઓના સ્વાસ્થ્યમાં વૃદ્ધિ કરવાના શુભ આશય સાથે અમલમાં મૂકાયેલા 'ફર્ટિલિટી ઇમ્પ્રુવમેન્ટ પ્રોગ્રામ (FIP)'ના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ અને પશુપાલન મંત્રી જીતુ વાઘાણીના નેતૃત્વ હેઠળ બે તબક્કા સફળતાપૂર્વક પૂર્ણ થયા છે.

નોંધનીય છે કે, ફર્ટિલિટી ઇમ્પ્રુવમેન્ટ પ્રોગ્રામ (FIP)ના અમલીકરણ માટે રાજ્યના કુલ 6,254 ગામોની પસંદગી કરવામાં આવી છે. પસંદગી કરાયેલા આ ગામની ગાય અને ભેંસોમાં વ્યંધત્વ દૂર કરી સમયસર ગર્ભધારણ થાય તે સુનિશ્ચિત કરવા માટે એક મુખ્ય કેમ્પ અને ત્યારબાદ બે ફોલોઅપ કેમ્પ યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં ગામના વ્યંધત્વથી પિડાતા પશુઓની ઓળખ કરી તેમને સારવાર આપવામાં આવી રહી છે. જે બાદ ફોલોઅપ કેમ્પ થકી આ પશુઓને ગાભણ થાય ત્યાં સુધી યોગ્ય સારવાર અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત દરેક ગામ દીઠ સરેરાશ 50 આવા પશુઓની તપાસ અને સારવાર કરવામાં આવી રહી છે.

ત્રણ તબક્કામાં યોજાઈ રહેલા આ અભિયાનનો બે તબક્કા સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ હાલમાં તૃતીય તબક્કા હેઠળ કેમ્પ યોજાવાની કામગીરી ચાલી રહી છે. ફર્ટિલિટી ઇમ્પ્રુવમેન્ટ પ્રોગ્રામ હેઠળ પસંદગી કરાયેલા ગામો પૈકી બે તબક્કામાં 5,334 ગામોમાં 10,712 પશુ સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 3.34 લાખથી વધુ પશુપાલકોના 5.40 લાખથી વધુ પશુઓને વિવિધ સારવાર આપવામાં આવી છે. જે પૈકી ગાભણ ન થતા હોય તેવા 3.89 લાખથી વધુ પશુઓને વિશેષ જાતિય સારવાર પૂરી પાડવામાં આવી છે.

પશુઓને આપવામાં આવતી સારવાર
રાજ્ય સરકાર, દૂધ ઉત્પાદક સંઘો અને અન્ય સંસ્થાઓના માધ્યમથી ગામ દીઠ યોજાઈ રહેલા આ FIP કેમ્પમાં મુખ્યત્વે પશુઓમાં જોવા મળતી ઋતુહિનતા (ગરમીમાં ન આવવું), અવાર-નવાર ઉથલા મારવા (Repeat Breeding), ગર્ભાશયનો સોજો, ગર્ભાશયમાં પરુ, ગર્ભપાત તથા ચેપજન્ય રોગો જેવી પ્રજનનલક્ષી સમસ્યાઓની તપાસ કરવામાં આવે છે. આવી સમસ્યા ધરાવતા પશુઓને સારવાર આપીને નિદાન પછી તેમને હોર્મોનલ થેરાપી, પોષણ સુધારણા, દવાઓ તથા પશુપાલકોને વ્યવસ્થાપન સંબંધી માર્ગદર્શન આપવામાં આવે છે.

FIP: શા માટે અનિવાર્ય?
પશુપાલન એ ગુજરાતના લાખો પરિવારો માટે જીવનરેખા છે. માત્ર સારી ઓલાદનાં પશુઓને રાખવા એ જ પૂરતું નથી, પરંતુ માદા પશુ સમયસર ગાભણ થાય અને પ્રતિ વર્ષે ઓછામાં ઓછું એક વિયાણ થાય તે પશુપાલનને નફાકારક બનાવવા માટેની ચાવી છે. સામાન્ય રીતે ગાભણ ગાય વર્ગમાં નવ માસ અને ભેંસ વર્ગમાં દસ માસને અંતે કોઇપણ પ્રકારની મુશ્કેલીઓ વગર તંદુરસ્ત બચ્ચાંનો જન્મ આપે તેને આદર્શ સ્થિતિ માનવામાં આવે છે. ગર્ભધારણમાં વિલંબ કે ખામીથી પશુપાલકને સીધું આર્થિક નુકસાન થાય છે. FIP થકી ગાય અને ભેંસોમાં વ્યંધ્યત્વ દૂર કરીને સમયસર ગર્ભધારણ થાય તે સુનિશ્ચિત કરવામાં આવે છે, જેનાથી પશુનું આરોગ્ય અને દૂધ ઉત્પાદન બંને સુધરે છે.

પશુપાલકોને થતા લાભ:
ગુજરાત પહેલેથી જ દેશના અગ્રણી દૂધ ઉત્પાદક રાજ્યો પૈકીનું એક છે. રાજ્ય સરકારના મહત્વકાંક્ષી FIP અભિયાનથી રાજ્યના પશુઓના ગર્ભધારણ દરમાં 20 થી 30 ટકાનો સુધારો થવાનું અનુમાન છે. આ અભિયાન હેઠળ પશુઓને યોગ્ય સારવાર મળતા વ્યંધ્યત્વની સમસ્યામાં ઘટાડો આવશે, બે વિયાણ વચ્ચેનો સમયગાળો ટૂંકો થશે, દૂધ ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થશે, પશુપાલકોને આર્થિક બચત થશે અને બ્રુસેલોસીસ જેવા ચેપી રોગોના ફેલાવા પર પણ નિયંત્રણ આવશે.

ગુજરાતના ગામડાઓમાં યોજાઈ રહેલા ફર્ટિલિટી ઇમ્પ્રુવમેન્ટ કેમ્પમાં પોતાના ગાય-ભેંસને લાવીને તેની તપાસ કરાવવા પશુપાલન વિભાગ દ્વારા રાજ્યના પશુપાલકોને અનુરોધ કરવામાં આવ્યો છે.