Gujarat Budget 2026-27: આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ નાણા મંત્રી કનુભાઈએ આજે રૂ. 4,08,053 કરોડનું વિક્રમી બજેટ રજૂ કર્યું છે. જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'વિકસિત ભારત@2047'ના સંકલ્પને વધુ દ્રઢતા સાથે આગળ ધપાવશે.
આ બજેટને આવકારતા કૃષિ અને પ્રવક્તા મંત્રીએ જણાવ્યું કે, “જ્યાં માનવી, ત્યાં સુવિધા”ના સંકલ્પ સાથે રજૂ કરાયેલા ગુજરાતના અંદાજપત્રમાં કૃષિ, આરોગ્ય, શિક્ષણ, માળખાકીય સુવિધાઓ, રોડ-રસ્તા સહિતના દરેક ક્ષેત્રને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે, જેના પરિણામે રાજ્યોનો 360 ડીગ્રી વિકાસ થશે.
ખેડૂતો, પશુપાલકો અને માછીમારો માટે બજેટમાં થયેલી વિશેષ જોગવાઈઓ અંગે જણાવ્યું કે, રાજ્ય સરકારે 'અન્નદાતા'ને બજેટના 'GYAN' મોડેલનો મહત્વનો ભાગ ગણીને કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ માટે રેકોર્ડ બ્રેક રૂ. 24,022 કરોડની જોગવાઈ કરી છે, જે ખેતી અને ગ્રામીણ અર્થતંત્ર ઉપરાંત અન્નદાતાના સશક્તિકરણને વેગ આપશે. ગુજરાતના ખેડૂતો અને જનતાના હિતમાં રજૂ કરાયેલા ઐતિહાસિક બજેટ માટે તેમણે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને નાણા મંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.
વધુમાં તેમણે જણાવ્યું કે, ટેકનોલોજીના સહારે ખેડૂતોનો શ્રમ અને ખર્ચ ઘટાડવા માટે રાજ્ય સરકાર દ્વારા કૃષિ યાંત્રિકીકારણને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આજે રજૂ થયેલા અંદાજપત્રમાં ખેડૂતોને આધુનિક ખેતીના સાધનોની ખરીદીમાં સહાય આપવા માટે ગત વર્ષ કરતા રૂ. 173 કરોડના વધારા સાથે કુલ રૂ. 764 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
આ ઉપરાંત ખેડૂતોને ટ્રેક્ટરની ખરીદીમાં સહાય આપવા માટે પણ રૂ. 800 કરોડની જોગવાઈ કરવામાં અવી છે. આમ, કુલ મળી બજેટમાં કૃષિ યાંત્રિકીકરણ માટે રૂ. 1,500 કરોડથી વધુની જોગવાઈ કરવામાં આવી છે, જેનો સીધો લાભ ખેડૂતોને મળશે.
પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજનામાં બમણો વધારો કરીને કુલ રૂ. 120 કરોડની જોગવાઈ કરાઈ
રાજ્યના ખેડૂતોને પોતાના ખેતરમાં 300 ચો. ફૂટનું પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવા માટે સરકાર દ્વારા પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના હેઠળ રૂ. 1 લાખની સહાય આપવામાં આવે છે. આ સ્ટ્રક્ચરના માપને હવે વધારીને 600 ચો. ફૂટ કરવામાં આવ્યું છે, જેથી સ્ટ્રક્ચર ઉભું કરવા માટે ખેડૂતોને સહાય પણ બમણી એટલે કે, રૂ. 2 લાખની સહાય આપવામાં આવશે. ખેડૂતોને આ સહાય પૂરી પાડવા માટે બજેટમાં પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજનામાં બમણો વધારો કરીને કુલ રૂ. 120 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
મંત્રીએ ડ્રોન ટેક્નોલોજી અંગે કહ્યું કે, રાજ્યમાં સ્માર્ટ ફાર્મિંગને પ્રોત્સાહન આપવા ડ્રોન ટેકનોલોજીનો કૃષિ ક્ષેત્રે ઉપયોગને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. ખેતી કામોમાં ડ્રોનનો ઉપયોગ વધે તે માટે ડ્રોનની ખરીદીમાં સહાય આપવા માટે બજેટમાં રૂ. 15 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
આ સાથે જ રસાયણમુક્ત પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા રૂ. 392 કરોડ ફાળવવામાં આવ્યા છે. આ ઉપરાંત રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓમાં સંશોધન અને માળખાકીય સુવિધાઓ માટે પણ રૂ. 1,063 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
કૃષિ આધારિત ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા બજેટમાં નવી નીતિની જાહેરાત કરવામાં આવી છે. જેની વિગતો આપતા કૃષિ મંત્રીએ જણાવ્યું કે, આજે બજેટમાં “ગુજરાત કૃષિ વ્યવસાય અને નિકાસ પ્રોત્સાહન નીતિ”ની જાહેરાત કરવામાં આવી છે. આ નીતિ હેઠળ 5,000થી વધુ એગ્રી બીઝનેસને સહાય આપવામાં આવશે, જેમાં એગ્રી ટેક એન્ટરપ્રાઈઝ અને MSME એકમોનો સમાવેશ થશે. આ નીતિ હેઠળ મૂડી સહાય, વ્યાજ સહાય, વેતન સહાય, ટેક્નોલોજી, તાલીમ, સર્ટીફીકેટ અને નિકાસમાં એકમોને સહાય આપવામાં આવશે. માઈક્રો એગ્રી એન્ટરપ્રાઈઝ, એગ્રીટેક એન્ટરપ્રાઈઝ, એફપીઓ, SHG અને સ્ટાર્ટઅપને પણ આ નીતિ હેઠળ સહાય આપવામાં આવશે.
પાકિસ્તાનમાં પકડાયેલા માછીમારોના કુટુંબોને સહાય માટે રૂ. 107 કરોડ ફાળવાયા
ગુજરાતની બ્લૂ ઇકોનોમીને પ્રોત્સાહન આપવા બજેટમાં કરાયેલી જાહેરાત અંગે મંત્રી વાઘાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતનો 1600 કિમી લાંબો દરિયા કિનારો બ્લુ ઇકોનોમીનું એન્જિન બને તે માટે મત્સ્યોદ્યોગ માટે કુલ રૂ. 1,396 કરોડની માતબર ફાળવણી કરવામાં આવી છે. જેમાં રાજ્યના નોટીફાઈડ 104 મત્સ્ય ઉતરાણ કેન્દ્રો ખાતે માળખાકીય સુવિધાઓ વિકસાવવા માટે રૂ. 361 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
આ ઉપરાંત માછીમારોને આર્થિક રીતે સહાયરૂપ થવા ડીઝલની ખરીદી પર વેટ (VAT) રાહત આપવા રૂ. 300 કરોડ, દરિયાઈ માત્સ્યોધ્યોગ ક્ષેત્રે વિવિધ સાધન ખરીદી પર સહાય અને પાકિસ્તાનમાં પકડાયેલા માછીમારોના કુટુંબોને સહાય આપવા માટે રૂ. 107 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. વધુમાં, મધર વેસલ પર સહાય માટે રૂ. 25 કરોડ, ડીપ સી વેસલ પર સહાય માટે રૂ. 15 કરોડ અને નવી એન્ફોર્સમેન્ટ વિંગની સ્થાપના માટે પણ રૂ. 4 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
ગૌશાળાઓ-પાંજરાપોળોને પશુ નિભાવ સહાય આપવા રૂ. 500 કરોડની જોગવાઈ
ગુજરાત ડેરી ક્ષેત્રે વિશ્વમાં અગ્રેસર છે, તેને વધુ મજબૂત કરવા માટે પશુપાલન ક્ષેત્રને પણ બજેટમાં વિશેષ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. 'મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના' હેઠળ ગૌશાળાઓ અને પાંજરાપોળોને પશુ નિભાવ સહાય આપવા રૂ. 500 કરોડની ફાળવણી કરાઈ છે.
આ સાથે જ, પશુ આરોગ્યને પ્રાધાન્ય આપી ફરતા પશુ દવાખાના અને પશુઓમાં રસીકરણના કાર્યક્રમો માટે પણ વિશેષ ભંડોળ ફાળવવામાં આવ્યું છે. આ ઉપરાંત પશુપાલકોની આવક વધારવા માટે રાજ્યના ચાર ઝોનમાં બાયો-સીએનજી પ્લાન્ટ સ્થાપવાની નવી જાહેરાત કરવામાં આવી છે, જેનાથી ખેડૂતોની આવકમાં વધારો થશે, તેવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
