Gandhinagar: NFSUની હેટ્રિક, ડિજિટલ ફોરેન્સિક્સમાં ઉત્કૃષ્ટતા માટે સતત ત્રીજા વર્ષે DSCI શ્રેષ્ઠતા પુરસ્કાર એનાયત

NFSU સ્થિત CoEDF એ ભારતની કેટલીક ગણતરીની સંસ્થાઓમાંની એક છે, જે પ્રતિષ્ઠિત 79-Aની માન્યતા ધરાવે છે

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Tue 09 Dec 2025 06:27 PM (IST)Updated: Tue 09 Dec 2025 06:27 PM (IST)
gandhinagar-news-nfsu-gets-dsci-excellence-award-for-excellence-in-digital-forensics-652389
HIGHLIGHTS
  • સાયબર પડકારો સામે ભારતને વિશ્વ કક્ષાની ક્ષમતાઓથી સજ્જ કરવા NFSU સમર્પિતઃ ડૉ. જે.એમ. વ્યાસ

Gandhinagar: ગાંધીનગર સ્થિત નેશનલ ફૉરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (NFSU)ના સેન્ટર ઓફ એક્સેલન્સ ઇન ડિજિટલ ફોરેન્સિક્સ (CoEDFને DSCI વાર્ષિક માહિતી સુરક્ષા સમિટ (AISS) 2025માં પ્રતિષ્ઠિત સરકારી સંસ્થાઓ દ્વારા અગ્રણી ડિજિટલ ફોરેન્સિક્સ ક્ષમતાઓ માટેનો પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. સતત ત્રીજા વર્ષે NFSUને DSCI શ્રેષ્ઠતા પુરસ્કારોમાં આ ટોચનું સન્માન મળ્યું છે, જેને સાયબર સુરક્ષા અને ડિજિટલ ફોરેન્સિક્સમાં ભારતની સર્વોચ્ચ માન્યતા માનવામાં આવે છે.

આ પુરસ્કાર સરકારી ફોરેન્સિક સંસ્થાઓને માન્યતા આપે છે, જે ભારતીય કાનૂની વ્યવસ્થાપનો અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ, 2000ની કલમ 79-Aનું કડક પાલન કરતી વખતે કાયદેસર રીતે સ્વીકાર્ય ડિજિટલ પુરાવા પહોંચાડવામાં બેન્ચમાર્ક સ્થાપિત કરે છે. NFSU સ્થિત CoEDF એ ભારતની કેટલીક ગણતરીની સંસ્થાઓમાંની એક છે, જે પ્રતિષ્ઠિત 79-Aની માન્યતા ધરાવે છે.

વરિષ્ઠ IPS અધિકારીઓ, સુપ્રીમ કોર્ટના વકીલો અને સાયબર સુરક્ષા નિષ્ણાંતોની બનેલી એક પ્રખ્યાત જ્યુરી દ્વારા સખત મૂલ્યાંકન પછી NFSU સ્થિત CoEDFને ફાઇનલિસ્ટ સેન્ટ્રલ FSL-પુણે અને SFSL-હિમાચલ પ્રદેશ કરતાં વધુ મૂલ્યાંકન બાદ આ પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

NFSU કુલપતિ 'પદ્મશ્રી'થી સન્માનિત, ડૉ. જે.એમ. વ્યાસે જણાવ્યું કે, NFSUને આ સતત ત્રીજી વખત 'DSCI શ્રેષ્ઠતા પુરસ્કાર' ની પ્રાપ્તિ થવી એ ડિજિટલ ફોરેન્સિક્સમાં ઉત્કૃષ્ટતા માટે NFSUની અતૂટ કટિબદ્ધતાનો પુરાવો છે. સાયબર પડકારોનો સામનો કરવા માટે ભારતને વિશ્વ કક્ષાની ક્ષમતાઓથી સજ્જ કરવા માટે પણ NFSU સમર્પિત છે.”

ડેટા સિક્યુરિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (DSCI) દ્વારા આયોજિત AISS 2025, જે ડેટા સુરક્ષા અને સાયબર સુરક્ષા પર દેશની અગ્રણી ઉદ્યોગ સંસ્થા છે. આ સંસ્થા ભારતના સાયબર સુરક્ષા ક્ષેત્રે ભાવિ પડકારોનો સામનો કરવા માટે સરકાર, ઉદ્યોગ, કાયદા અમલીકરણ અને શિક્ષણવિદોને એક મંચ પૂરું પાડે છે.