ગાંધીનગર SOGના કોન્સ્ટેબલનો ગળાફાંસો ખાઈ આપઘાત, 3 સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી

મૃતક કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ ઈશ્વરસિંહ ચાવડા (ઉં.વ. 39) અગાઉ ડીઆઈજી કચેરી ખાતે રીડર શાખામાં ફરજ બજાવતા હતા અને છેલ્લા એક અઠવાડિયાથી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)માં ફરજ બજાવતા હતા.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Mon 10 Nov 2025 03:30 PM (IST)Updated: Mon 10 Nov 2025 03:30 PM (IST)
gandhinagar-sog-constable-commits-suicide-by-hanging-3-children-lose-their-father-635518

Gandhinagar SOG Constable Suicide: ગાંધીનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)માં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે માણસા તાલુકાના હરણા હોડા ગામમાં આવેલા પોતાના નિવાસસ્થાને ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવતા ખળભળાટ મચી ગયો છે. આજે વહેલી સવારે આ કરુણ ઘટના પ્રકાશમાં આવી હતી, જ્યારે મૃતકના પિતાએ પોતાના દીકરાને પંખા સાથે લટકતી હાલતમાં જોતા તેમને આઘાત લાગ્યો હતો. આત્મહત્યા પાછળનું ચોક્કસ કારણ જાણવા પોલીસે સઘન તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

સાસરીમાં પત્ની અને બાળકોને મુકી ફરજ પર ગયા હતા

પ્રાથમિક માહિતી મુજબ, મૃતક કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ ઈશ્વરસિંહ ચાવડા (ઉં.વ. 39) અગાઉ ડીઆઈજી કચેરી ખાતે રીડર શાખામાં ફરજ બજાવતા હતા અને છેલ્લા એક અઠવાડિયાથી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)માં ફરજ બજાવતા હતા. તેઓ માણસાના હરણા હોડા ગામમાં પોતાના પિતા ઈશ્વરસિંહ સાથે રહેતા હતા. તેમના પરિવારમાં પત્ની, બે દીકરીઓ અને દોઢ વર્ષનો એક નાનો દીકરો છે. ગઇકાલે 9 નવેમ્બર 2025ના રોજ રવિવારે પત્ની અને બાળકોને કોલવડા સાસરીમાં મુકીને નરેન્દ્રસિંહ ગાંધીનગર ખાતે ફરજ પર હાજર થયા હતા.

પુત્રને પંખે લટકતો જોઇ પિતા આઘાતમાં સરી પડ્યા

ફરજ પરથી પરત ફર્યા બાદ નરેન્દ્રસિંહે રાત્રે ઘરે પિતા ઈશ્વરસિંહ સાથે ભોજન લીધું હતું અને ત્યાર બાદ તેઓ પોતાના રૂમમાં સૂવા ગયા હતા. આજે વહેલી સવારે પિતા ઈશ્વરસિંહ પાણીના કામ અર્થે પુત્રને ઉઠાડવા તેના રૂમમાં ગયા. રૂમમાં પ્રવેશતા જ તેમણે જે દૃશ્ય જોયું તે અત્યંત હૃદયદ્રાવક હતું. નરેન્દ્રસિંહ પંખા સાથે લટકતી હાલતમાં મળી આવ્યા હતા, આ કરુણ દ્રશ્ય જોઈને પિતા આઘાતથી ભાંગી પડ્યા અને સ્તબ્ધ થઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો સ્થળ પર એકઠા થઈ ગયા હતા અને તાત્કાલિક માણસા પોલીસને જાણ કરવામાં આવી હતી.

માણસા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને મૃતદેહનું પંચનામું તેમજ અન્ય કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી. આ મામલે માણસા પીઆઈ પી. જે. ચુડાસમાએ જણાવ્યું હતું કે, હાલમાં આપઘાતનું કોઈ ચોક્કસ કારણ સ્પષ્ટ થયું નથી.ગઈકાલે નરેન્દ્રસિંહ પોતાની ફરજ પરથી પરત ફર્યા હતા અને તેમની પત્ની તથા બાળકો પિયર ગયા હતા. એ અરસામાં કોઈ અગમ્ય કારણોસર તેમણે પંખે દોરી વડે ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે.

ગાંધીનગર પોલીસ બેડા અને હરણા હોડા ગામમાં ગમગીની

આ ઘટના અંગે એસઓજી પીઆઈ વી. ડી. વાળાએ વધુ માહિતી આપતા જણાવ્યું કે, મૃતક નરેન્દ્રસિંહની મૂળ નિમણૂક પોલીસ હેડ ક્વાર્ટર ખાતે હતી. જોકે, તેઓ એટેચમેન્ટ પર ડીઆઈજી કચેરી ખાતે ફરજ બજાવતા હતા અને છેલ્લા એક અઠવાડિયાથી જ તેમને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપમાં ફરજ સોંપવામાં આવી હતી. એક યુવાન પોલીસ કોન્સ્ટેબલે અગમ્ય કારણોસર પોતાનું જીવન ટૂંકાવતા સમગ્ર ગાંધીનગર પોલીસ બેડામાં અને હરણા હોડા ગામમાં ગમગીની અને શોકની લાગણી છવાઈ ગઈ છે. પોલીસે અકસ્માત મૃત્યુનો ગુનો નોંધી, આત્મહત્યા પાછળના સાચા અને પ્રેરક કારણોને ઉજાગર કરવા માટે વધુ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.