ગુજરાત સરકારનું ભ્રષ્ટાચાર સામે ડિજિટલ શસ્ત્ર, પંચાયતોમાં ઓડિટ બાદ 'એગ્ઝિટ કૉન્ફરન્સ' ફરજિયાત

રાજ્ય સરકારના આદેશ અનુસાર પંચાયતોમાં નાણાકીય ગેરરીતિ કરનાર અધિકારીઓ સામે તાત્કાલિક કાર્યવાહી થશે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Thu, 06 Aug 2026 10:25 AM (IST)Updated: Thu, 06 Aug 2026 10:25 AM (IST)
gujarat-government-panchayati-raj-audit-exit-conference-for-transparency
CM Bhupendra Patel

Gujarat Panchayat Audit Exit Conference: ગુજરાત સરકારે રાજ્યની પંચાયતી રાજ વ્યવસ્થામાં પારદર્શકતા અને સુશાસનને વધુ મજબૂત કરવા માટે ઐતિહાસિક નિર્ણય લીધો છે. રાજ્ય સરકારના આદેશ અનુસાર હવે દરેક પંચાયતના ઓડિટ બાદ ‘એગ્ઝિટ કૉન્ફરન્સ’ (Exit Conference) યોજવાનું ફરજિયાત છે. હવે પંચાયતોમાં થતી નાણાકીય ગેરરીતિઓ અને ભ્રષ્ટાચાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

ગંભીર ગેરરીતિઓ સામે તાત્કાલિક એક્શન

અત્યાર સુધી પંચાયતોમાં ઓડિટ દરમિયાન સામે આવતી ગંભીર ક્ષતિઓ પર કાર્યવાહી કરવામાં ઘણો વિલંબ થતો હતો. જોકે, રાજ્ય સરકારના નવા પરિપત્ર મુજબ હવે જિલ્લા, તાલુકા અને ગ્રામ પંચાયતનું વાર્ષિક ઓડિટ પૂર્ણ થતા જ નિર્ધારિત દિવસે જિલ્લા વિકાસ અધિકારી (DDO) ની અધ્યક્ષતામાં એગ્ઝિટ કોન્ફરન્સ યોજાશે.

આ બેઠકમાં વરિષ્ઠ ઓડિટ અધિકારીઓ દ્વારા નાણાકીય ઉચાપત અને અનિયમિતતા, નિયમો વિરુદ્ધ કરવામાં આવેલી ખરીદી, ગેરકાયદેસર ભરતીઓ અને વહીવટી ક્ષતિઓ સહિતની બાબતો રજૂ કરવામાં આવશે. DDO આ અહેવાલના આધારે પ્રાથમિકતાના ધોરણે તાત્કાલિક શિસ્તભંગ અથવા કાનૂની કાર્યવાહી શરૂ કરી શકશે.

પ્રજાના નાણાંની સુરક્ષા અને ગ્રામ્ય વિકાસ

આ નિર્ણય દ્વારા રાજ્ય સરકારે ભ્રષ્ટાચાર સામે કડક સંદેશ આપ્યો છે. હવે ઑડિટ રિપોર્ટ માત્ર કાગળ પરની પ્રક્રિયા બનીને ફાઈલોમાં અટવાઈ નહીં રહે, પરંતુ તે જવાબદારી નક્કી કરવાનું એક સચોટ માધ્યમ બનશે. આ વ્યવસ્થાથી ગામડાંમાં વિકાસના કામો માટે ફાળવાયેલા જાહેર નાણાંનો દુરુપયોગ અટકશે અને વિકાસ કાર્યોમાં ગુણવત્તા વધશે.

સામાન્ય નાગરિકોને શું થશે ફાયદો?

આ નવી વ્યવસ્થાનો સીધો લાભ સામાન્ય ગ્રામજનોને મળશે. સાથે જ રાજ્ય સરકારના અધિકારીઓ અને કર્મચારીઓમાં જવાબદારીની ભાવના વધશે અને ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપતી માનસિકતા પર લગામ લાગશે. પરિણામે, ગ્રામ્ય વિકાસને નવી ગતિ મળશે અને સરકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પારદર્શક રીતે પહોંચશે.