UpdatedIST

Gujarat Final Voter List 2026: આજે ગુજરાતની ફાઈનલ મતદાર યાદી થશે જાહેર, એપ્રિલ-મેમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની શક્યતા, રાજકીય પક્ષોમાં ધમધમાટ શરૂ

કેન્દ્રીય ચૂંટણી પંચની મંજૂરી મળ્યા બાદ આજે (17 ફેબ્રુઆરી) રાજ્યભરમાં ફાઈનલ મતદાર યાદી પ્રસિદ્ધ કરાશે. આ યાદી જાહેર થતાં જ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઇ જશે.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Tue 17 Feb 2026 11:08 AM (IST)Updated: Tue 17 Feb 2026 03:28 PM (IST)
gujarat-local-body-elections-2026-final-voter-list-to-be-published-today-14-lakh-applications-received-693502

Gujarat Local Body Elections 2026: ગુજરાતમાં હાથ ધરવામાં આવેલી SIRની કામગીરી આજે ફાઈનલ મતદાર યાદી જાહેર થયા બાદ પૂર્ણ થશે. રાજકીય પક્ષો દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇને ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. ફાઈનલ મતદાર યાદી બહાર પડ્યા બાદ રાજકીય પક્ષો આગળની રણનીતિ ઘડવા બેઠકોનો દોર શરૂ કરશે. પ્રાથમિક વિગતો અનુસાર આજે યાદી જાહેર થયા બાદ આગામી એપ્રિલ અથવા મે મહિનામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજવામાં આવી શકે છે.

એપ્રિલ અથવા મે મહિનામાં ચૂંટણીની શક્યતા

કેન્દ્રીય ચૂંટણી પંચની મંજૂરી મળ્યા બાદ આજે (17 ફેબ્રુઆરી) રાજ્યભરમાં ફાઈનલ મતદાર યાદી પ્રસિદ્ધ કરાશે. આ યાદી જાહેર થતાં જ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઇ જશે. વહીવટી તંત્ર દ્વારા તેની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. એવી પ્રબળ શક્યતાઓ છેકે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ એપ્રિલના અંતમાં અથવા મે મહિનામાં યોજાઇ શકે છે. મતદાર યાદી જાહેર થયા બાદ તેમાં વાંધા અરજી માટે એક મહિનાનો સમય આપવામાં આવશે. રાજ્યમાં નવમી વખત 'સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન' (SIR) પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, આ પહેલા વર્ષ 2004માં આ પ્રક્રિયા હાથ ધરાઈ હતી.

રાજ્યભરમાં કુલ 14,70,125 ફોર્મ પ્રાપ્ત થયા

1 જાન્યુઆરી, 2026ની લાયકાત તારીખને આધારે હાથ ધરાયેલી આ વિશેષ પુનઃપરીક્ષણ પ્રક્રિયામાં 30 જાન્યુઆરી સુધી દાવો-વાંધાની મુદત હતી, અને 10 ફેબ્રુઆરી સુધી અરજીઓના નિકાલ માટે સમયમર્યાદા નક્કી કરાઈ હતી. ચૂંટણી તંત્ર દ્વારા જણાવાયું છે કે રાજ્યભરમાં કુલ 14,70,125 ફોર્મ પ્રાપ્ત થયા છે. આ પૈકી, નવા મતદાર તરીકે નામ નોંધાવવા માટે ફોર્મ નં. 6 હેઠળ 7,25,920 અરજીઓ, નામ કમી કરવા માટે ફોર્મ નં. 7 હેઠળ 1,83,235 અરજીઓ, અને વિગતોમાં સુધારા માટે ફોર્મ નં. 8 હેઠળ 5,60,970 અરજીઓ મળી છે.

10 માર્ચથી અમદાવાદ કોર્પોરેશનમાં વહીવટદારોનું શાસન

અમદાવાદમાં પણ આગામી ચૂંટણીઓની પ્રક્રિયા વેગવંતી બની છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની 2026માં યોજાનાર ચૂંટણી માટેની મતદાર યાદીઓની પ્રિન્ટ પાછળ અંદાજે રૂ. 60 લાખનો ખર્ચ થશે. અમદાવાદ મનપા વિસ્તારના 48 વોર્ડની મતદાર યાદીની પ્રિન્ટ તૈયાર કરાશે. આ માટે 23 ફેબ્રુઆરી સુધીમાં ટેન્ડર ભરવાનું રહેશે અને 25 ફેબ્રુઆરીના રોજ ટેન્ડર ખોલવામાં આવશે. મહત્વપૂર્ણ છે કે, મ્યુનિસિપલ કોર્પોરેશનના હોદ્દેદારોની ટર્મ 9 માર્ચના રોજ પૂર્ણ થઈ રહી છે, અને 10 માર્ચથી કોર્પોરેશનમાં વહીવટદારોનું શાસન અમલી બનશે. 2026-27ના વર્ષ માટે યોજાનારી ચૂંટણી માટે શહેરના મતદારોના ફોટા, નામ, સરનામું સહિતની તમામ માહિતી ધરાવતી મતદાર યાદી પ્રસિદ્ધ કરાવવા માટે હિલચાલ હાથ ધરવામાં આવી રહી છે.

મતદાર યાદી છાપકામ કરાવીને કાચી યાદી સુપરત કરાશે

રાજ્ય ચૂંટણી પંચ અને રાજ્ય સરકારની સૂચના મુજબ, SIR અંતર્ગત અમદાવાદના તમામ મતદારો માટે સુધારેલી મતદાર યાદી તૈયાર કરાઈ છે. વાંધા-સૂચનો ધ્યાનમાં લીધા પછી આખરી મતદાર યાદીનું ચેકિંગ કરીને અંતિમ યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. AMC દ્વારા નિયત તારીખ કે સમયમર્યાદામાં મતદાર યાદી છાપકામ કરાવીને કાચી યાદી સુપરત કરાશે, જે ફાઈનલ થયા બાદ ચૂંટણી પંચની સૂચના મુજબ પ્રસિદ્ધ થશે. AMC દ્વારા એક મહિનામાં મતદાર યાદીનું ચેકિંગ કરીને ફાઈનલ મતદાર યાદી ચૂંટણી પંચને સુપરત કરવાની રહેશે. ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલા શિડ્યુલ મુજબ AMCના ઇલેક્શન વિભાગે કામગીરી કરવાની રહેશે.

ફોટાવાળી મતદાર યાદીઓ તૈયાર કરવા કામગીરી સોંપાઇ

સૂત્રોના જણાવ્યા અનુસાર, અમદાવાદ મહાનગરપાલિકાના તમામ વોર્ડની વોર્ડવાર, વિભાગવાર ફોટાવાળી મતદાર યાદીઓ તૈયાર કરવા રાજ્ય ચૂંટણી આયોગે નિયત કંપનીને કામગીરી ફાળવી છે. આ કંપની પાસેથી AMCને દરેક વોર્ડની મતદાર યાદીની એક હાર્ડ કોપી, એક સોફ્ટ કોપી (PDF FORMAT), તેમજ નિયત પત્રક નમૂનો ક, નમૂનો ખ, નમૂનો 2 અને વોર્ડવાર ઇન્ડેક્સ તથા હદ વર્ણન પ્રાપ્ત થશે. 2026ની સામાન્ય ચૂંટણી પ્રક્રિયા દરમિયાન દરેક વોર્ડની મતદાર યાદીઓની અંદાજે 50 નકલોની જરૂરિયાત રહેશે.