Harsh Sanghvi Statement: ગુજરાત વિધાનસભાના ગૃહમાં આજે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ નિયમ 44 હેઠળ એક અત્યંત મહત્વપૂર્ણ અને સંવેદનશીલ બાબત પર નિવેદન આપ્યું હતું. રાજ્યમાં દીકરીઓની સુરક્ષા અને સામાજિક માળખાને જાળવી રાખવા માટે સરકાર ‘ગુજરાત મેરેજ રજિસ્ટ્રેશન એક્ટ 2006’ના નિયમોમાં રહેલી લગ્ન નોંધણી પ્રક્રિયામાં ધરખમ સુધારા કરવા જઈ રહી છે. આ સુધારા અંતર્ગત હવે લગ્ન નોંધણી પ્રક્રિયામાં માતા-પિતાને સામેલ કરવામાં આવ્યા છે. 'છેતરપિંડી' અને 'બળજબરી' સામે કડક પગલા ભરાશે, સલીમ સુરેશ બનીને દીકરીને ફસાવશે તો આંખ ઉઠાવીને જોવાની હિંમત ન કરે તેવો હાલ સરકાર કરશે.
કેટલીક છટકબારીને કારણે ગેરઉપયોગ થઈ રહ્યો છે
લગ્ન નોંધણીમાં ‘છળકપટ’ રોકવા લાવવામાં આવેલા આ સુધારાઓ અંગે નાયબ મુખ્યમંત્રીએ ગૃહમાં વેદના સાથે જણાવ્યું હતું કે, રાજ્યમાં લગ્ન નોંધણી પ્રક્રિયામાં કેટલીક છટકબારીને કારણે ગેરઉપયોગ થઈ રહ્યો છે. અસામાજિક તત્વો પોતાની સાચી ઓળખ છુપાવી, લાલચ આપી કે છળકપટથી રાજ્યની દીકરીઓને પ્રેમની જાળમાં ફસાવે છે. પંચમહાલ જિલ્લામાં અનેક બોગસ લગ્નો નોંધાયા હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી હતી. પંચમહાલના કંકોડાકોઈ અને નાથકુવા જેવા ગામોમાં, જ્યાં એક પણ મુસ્લિમ પરિવાર નથી, ત્યાં તલાટી-કમ-મંત્રી દ્વારા સેંકડો ‘નિકાહ’ સર્ટિફિકેટ ઇશ્યૂ કરવામાં આવ્યા છે, જે ઊંડાણપૂર્વક તપાસ કરીને કડક કાર્યવાહી કરવામાં આવી છે.
લગ્નની નોંધણી વખતે હવે માતા-પિતાને જાણ કરવામાં આવશે
નવા સૂચિત નિયમોની મુખ્ય વિશેષતાઓ અંગે નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગુજરાત સરકાર દીકરીઓના સુરક્ષા કવચ સમાન જે ફેરફારો લાવી રહી છે તેમાં મુખ્યત્વે માતા-પિતાની સામેલગીરી છે. લગ્નની નોંધણી વખતે હવે માતા-પિતાને જાણ કરવામાં આવશે અને તે માટે એક અલગથી પોર્ટલ પણ બનાવવામાં આવશે. આ નવા નિયમો અંગે રાજ્યના નાગરિકો પાસેથી 30 દિવસ સુધી વાંધા અને સૂચનો મંગાવવામાં આવ્યા છે. એક કમિટીની રચના કરવામાં આવશે જે બંધારણીય મર્યાદામાં રહીને યોગ્ય સૂચનો ધ્યાને લઈ તેનો અમલ કરવામાં આવશે.
હર્ષ સંઘવીએ 'લવ જેહાદ' અંગે ચિંતા વ્યક્ત કરી
હર્ષ સંઘવીએ જણાવ્યું કે, દીકરી જ્યારે જન્મે છે ત્યારે પિતાના આંગણામાં તુલસીનો ક્યારો બનીને ઉછરે છે. લવ-મેરેજનો વિરોધ નથી, પણ 'છેતરપિંડી' અને 'બળજબરી' સામે આ સરકાર ચોક્કસપણે સખત પગલા લેશે. આ સરકાર દરેક દીકરીના સન્માનની અને આપણી સનાતન પરંપરાની રક્ષક છે. હર્ષ સંઘવીએ 'લવ જેહાદ' અંગે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, ઓળખ છુપાવીને થતા લગ્નો એ આપણી સંસ્કૃતિ પરનું આક્રમણ છે. સનાતન પરંપરા અને ભારતની લગ્ન વ્યવસ્થાને બચાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકાર કટિબદ્ધ છે.
તેમણે કડક શબ્દોમાં ચેતવણી આપતા કહ્યું કે, "કોઈ સલીમ સુરેશ બનીને રાજ્યની દીકરીને ફસાવશે તો આ સરકાર એવા હાલ કરશે કે તે ભવિષ્યમાં કોઈ દીકરી સામે આંખ ઉઠાવીને જોવાની હિંમત પણ નહીં કરે." રાજ્યની અનેક સામાજિક સંસ્થાઓ સાથે છેલ્લા ત્રણ મહિનામાં કાયદા અને ન્યાય વિભાગના રાજ્ય મંત્રી કૌશિક વેકરિયાએ પણ 30 જેટલી બેઠકો યોજીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
