Gujarat Police: 16 વર્ષ બાદ ગુજરાત પોલીસની ઐતિહાસિક સફળતા, રાષ્ટ્રીય સ્પર્ધામાં શ્વાન ‘ચેક’ અવ્વલ; ગોલ્ડ મેડલ જીત્યો

69મી ઓલ ઇન્ડિયા પોલીસ ડ્યુટી મીટ મહારાષ્ટ્રના નાગપુર ખાતે યોજાઈ હતી.  

By: Purvalak DabhiEdited By: Purvalak Dabhi Publish Date: Sat 11 Apr 2026 12:02 PM (IST)Updated: Sat 11 Apr 2026 12:02 PM (IST)
gujarat-police-dog-check-wins-gold-medal-in-all-india-police-duty-meet-2026-726063
HIGHLIGHTS
  • ગુજરાત પોલીસને મોટી સફળતા
  • રાષ્ટ્રીય સ્પર્ધામાં છવાયો શ્વાન ‘ચેક’
  • વિવિધ સ્પર્ધામાં જીત્યો ગોલ્ડ મેડલ

Gujarat Police Dog Check Wins Gold: ગુજરાત પોલીસના કે-9 (K9) સ્કવોર્ડના એક બહાદુર શ્વાને રાષ્ટ્રીય સ્તરે રાજ્યનું નામ રોશન કર્યું છે. ગુજરાત પોલીસના નર ડોગ ‘ચેક’એ 69 મી ઓલ ઇન્ડિયા પોલીસ ડ્યુટી મીટ (AIPDM) ચેમ્પિયનશિપ 2025-26માં ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ જીતીને રાજ્યનું ગૌરવ વધાર્યું છે. આ પ્રતિષ્ઠિત સ્પર્ધા માર્ચ-એપ્રિલ 2026 માં મહારાષ્ટ્રના નાગપુર ખાતે યોજાઈ હતી.

16 વર્ષનો દુષ્કાળ પૂર્ણ, ગુજરાતને મળ્યો ગોલ્ડ મેડલ

ગુજરાત પોલીસ માટે આ જીત અત્યંત વિશેષ છે કારણ કે 16 વર્ષના લાંબા અંતરાલ બાદ ગુજરાત પોલીસે રાષ્ટ્રીય સ્તરે ગોલ્ડ મેડલ મેળવવામાં સફળતા પ્રાપ્ત કરી છે. શ્વાન ‘ચેક’એ પોતાના ઉત્કૃષ્ટ પ્રદર્શન થકી બે અલગ-અલગ કેટેગરીમાં ભાગ લઈને ગોલ્ડ અને બ્રોન્ઝ એમ બંને મેડલ પોતાના નામે કર્યા છે.

સ્પર્ધામાં કઈ કઈ ક્ષમતાઓની કસોટી થઈ?

AIPDM સ્પર્ધામાં દેશભરના K9 સ્ક્વોડ અને ફોરેન્સિક નિષ્ણાતોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં શ્વાનની વિવિધ કઠિન કસોટી કરવામાં આવી હતી. જેમાં મુખ્યત્વે વિસ્ફોટક અને નાર્કોટિક્સ (માદક દ્રવ્યો) શોધવાની ક્ષમતા, ટ્રેકિંગ, ચપળતા (Agility) અને આજ્ઞાપાલન (Obedience) જેવી બાબતોની ઝીણવટભરી પરખ કરવામાં આવી હતી.

નોંધનીય છે કે, આ ટ્રેકિંગ કેટેગરીમાં વિવિધ રાજ્ય પોલીસ દળો અને પેરામિલિટરી યુનિટ્સના કુલ 45 ડોગ્સે ભાગ લીધો હતો, જેમાં 'ચેક' એ બાજી મારી હતી. સમગ્ર ઈવેન્ટમાં 200થી વધુ ડોગ્સે વિવિધ કેટેગરીમાં ભાગ લીધો હતો.

DGP દ્વારા શ્વાન અને ટ્રેનર્સનું સન્માન

આ ઐતિહાસિક જીત બાદ, ગાંધીનગર સ્થિત પોલીસ ભવન ખાતે DGP ડૉ. કે.એલ.એન. રાવ દ્વારા ડોગ ‘ચેક’, તેના હેન્ડલર રમેશ ખાંટ અને ડોગ ટ્રેનીંગ કન્સલ્ટન્ટ કર્નલ ચંદનસિંહ રાઠોડનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.

ગુજરાત પોલીસ ડોગ સ્કવોર્ડની વિશેષતા

આ વર્ષની રાષ્ટ્રીય સ્પર્ધામાં ગુજરાત પોલીસના કુલ 6 શ્વાનોએ ટ્રેકિંગ, વિસ્ફોટક શોધ અને નાર્કોટિક્સ શોધ એમ ત્રણ વિવિધ કેટેગરીમાં ભાગ લીધો હતો. હાલમાં ગુજરાત પોલીસના કાફલામાં આશરે 160 જેટલા તાલીમબદ્ધ પોલીસ શ્વાન છે. આ શ્વાનોને વિસ્ફોટક સામગ્રી શોધવા, નાર્કોટિક્સ પકડવા, ગુનાની તપાસ માટે ટ્રેકિંગ કરવા અને દારૂની શોધખોળ કરવા જેવી અત્યંત મહત્વપૂર્ણ અને જોખમી કામગીરીઓ માટે રાજ્યભરમાં તૈનાત કરવામાં આવેલ છે.