Gandhinagar News: ગાંધીનગરના એક વેપારીને શેરબજારમાં રોકાણ કરીને વધુ નફો કમાવવાની લાલચ આપીને સાઇબર ગઠિયાઓએ માત્ર 60 દિવસના ટૂંકા ગાળામાં જ રૂપિયા 26.66 કરોડની વિશાળ રકમ પડાવી લીધી હતી. આ કૌભાંડના પૈસામાંથી રૂપિયા 25 લાખ રાજકોટની ઇન્ડસઇન્ડ બૅન્કના ચાર ખાતાઓમાં ટ્રાન્સફર થયા હોવાની વિગતો સામે આવતા પોલીસે તપાસ હાથ ધરી હતી અને રાજકોટના 7 આરોપીઓની ધરપકડ કરી છે.
વેપારી સાથે 26 કરોડની છેતરપીંડી
વેપારીએ સોશિયલ મીડિયા પર શેરબજારમાં રોકાણની એક જાહેરાત જોઈને શરૂઆતમાં 500 ડૉલરનું રોકાણ કર્યું હતું. જ્યારે તેમના વોલેટમાં 101 ડૉલરનો નફો દર્શાવાયો અને તેમાંથી રૂપિયા 43,500 સફળતાપૂર્વક ઉપાડ્યા, ત્યારે તેમને વિશ્વાસ બેઠો હતો. આ વિશ્વાસને કારણે તેમણે 2 મહિનામાં કુલ રૂપિયા 26.66 કરોડનું રોકાણ કરી દીધું, પરંતુ ત્યાર બાદ એક પણ રૂપિયો પાછો મળ્યો નહોતો. આથી વેપારીએ ફરિયાદ નોંધાવી હતી.
આ પણ વાંચો
પોલીસે તપાસ શરુ કરી
પોલીસે તપાસ શરૂ કરતાં માલૂમ પડ્યું કે આ છેતરપિંડીના પૈસામાંથી રૂપિયા 25 લાખ રાજકોટમાં ઇન્ડસઇન્ડ બૅન્કનાં 4 ખાતાઓમાં ટ્રાન્સફર કરીને ઉપાડી લેવાયા હતા. પોલીસે ખાતાધારકોની તપાસ કરીને રેકેટ ચલાવનાર સુધી પહોંચી હતી. પોલીસે આ કેસમાં કૅશિયર આસિફ અમીનભાઈ થયમ અને રેકેટના મુખ્ય આરોપી અમન ચોટલીયા સહિત કુલ સાત લોકોની ધરપકડ કરી છે. પોલીસે હવે આંતરરાજ્ય સાયબર ફ્રોડના આ રેકેટના અન્ય સભ્યો અને સમગ્ર નેટવર્કની તપાસ શરૂ કરી છે.
