Gandhinagar: ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન આજે ભાજપા પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ‘, કોબા ગાંધીનગર ખાતે પધાર્યા હતાં જ્યાં તેઓના આગમન પર ભાજપા કાર્યકર્તાઓએ ઉત્સાહપૂર્વક ભવ્ય સ્વાગત કર્યું હતું, વંદે માતરમ્ , ભારતમાતા કી જય, જય શ્રી રામ ના નાદ તેમજ પરંપરાગત નૃત્યો અને ઢોલના તાલથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.
નીતિન નવીનએ પ્રદેશ કાર્યાલયના પ્રાંગણમાં સ્થિત ભારતમાતા, ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી તેમજ પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. કાર્યાલય ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનની છબીની એક સુંદર રંગોળી પણ તૈયાર કરવામાં આવી હતી.
ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનની અધ્યક્ષતામાં પ્રદેશ કાર્યાલય ખાતે પ્રદેશ ભાજપાના પદાધિકારીઓ, સિનિયર આગેવાનઓ, પ્રદેશ કારોબારી સભ્યો અને જિલ્લા- મહાનગરના પ્રમુખ તથા મહામંત્રીઓની સંગઠનાત્મક બેઠક યોજાઇ હતી. આ બેઠક ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ.સંતોષ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીની સહ ઉપસ્થિતિમાં યોજાઈ હતી.
આ સંગઠનાત્મક બેઠકમાં ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનએ તેમના અધ્યક્ષીય સંબોધનમાં ગુજરાતની પવિત્ર ભૂમિને વંદન કરતાં જણાવ્યું હતું કે, ગુજરાતે હંમેશા રચનાત્મક અને સંગઠનાત્મક દૃષ્ટિએ દેશને દિશાદર્શન પૂરું પાડ્યું છે. વરિષ્ઠ કાર્યકર્તાઓના સંઘર્ષ, પુરુષાર્થ અને ત્યાગના કારણે જ ભાજપા આજે વિશાળ વટવૃક્ષ બની શકી છે. ગુજરાત ભાજપાની કાર્યપ્રણાલી, અનુશાસન અને ટાઈમ મેનેજમેન્ટ દેશભરમાં ઉદાહરણરૂપ છે. “મિનિમમ ઈનપુટ અને મેક્સિમમ આઉટપુટ”વર્ષોથી ગુજરાત સંગઠનની ઓળખ રહ્યું છે. કાર્યકર્તા ભાજપાનો પ્રાણ છે, આત્મા છે.
ગુજરાતની દરેક ચૂંટણીનું પરિણામ દેશને સંદેશ આપે છે, તેથી રાજ્યએ વધુ મજબૂતાઈ અને મક્કમતાથી ઉભું રહેવું જરૂરી છે. કેરળ અને બંગાળમાં ભાજપા કાર્યકર્તાઓ કઠિન પરિસ્થિતિમાં પણ લોકકલ્યાણ, રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રનિર્માણની વાત લઈને ભાજપાને મજબૂત કરવા અવિરત કાર્ય કરી રહ્યા હોવાનું જણાવતા તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું નેતૃત્વ તેમને સતત પ્રેરણા આપી રહ્યું છે. કાર્યકર્તાએ ક્યારેય સંતુષ્ટ ન થવું જોઈએ, હંમેશા કોઈ નવતર લક્ષ્ય સાથે કાર્યરત રહેવું જોઈએ. સંગઠન પદાધિકારીઓને તેમણે કહ્યું કે, ભાજપા માત્ર પાર્ટી નહીં, પરંતુ પરિવાર છે. સમાજમાં પાર્ટીનું પ્રતિબિંબ વાણી, વર્તન અને વ્યવહારમાંથી જ દેખાય છે. અને તેના કારણે જ જનતાનું સમર્થન ભાજપા સાથે છે.
અંતમાં તેમણે જણાવ્યું કે પદનો ભાર બાજુએ રાખીને સહયોગી તરીકે કાર્ય કરવાથી જ નિર્ધારિત લક્ષ્યો સિદ્ધ થાય છે. સાથે જ “રાષ્ટ્ર પ્રથમ, દલ પછી અને વ્યક્તિ અંતિમ”ના ભાવ સાથે સતત કાર્યરત કરવાની હાકલ કરી વિવિધ મુદ્દે સંગઠનાત્મક માર્ગદર્શન આપ્યું હતું. સોશિયલ મીડિયામાં વિપક્ષના અપપ્રચાર અને ભ્રામકતા ફેલાવવા સામે સચોટ માહિતી અને સરકારની જનહિતની યોજનાઓ અસરકારક રીતે પહોંચાડવા માટે તમામ કાર્યકર્તાઓને અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ તેઓના સંબોધનમાં નીતિન નવીનએ યુવાવસ્થા થી જ ભાજપા કાર્યકર્તા તરીકે શરૂ કરેલી તેઓની રાજકીય સફર દરમિયાન બિહાર પ્રદેશ યુવા મોરચા અધ્યક્ષ, રાષ્ટ્રીય યુવા મોરચા મહામંત્રી, છત્તીસગઢ અને સિક્કિમના પ્રભારી, ધારાસભ્ય અને બિહાર સરકારમાં મંત્રી તરીકે નિભાવેલી જવાબદારીઓ અંગે જણાવી ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેની જવાબદારી માટે અભિનંદન પાઠવ્યા હતાં. તેઓએ ભાજપાના સંગઠન પર્વ અંતર્ગત જિલ્લા, મહાનગર, મંડલ, શક્તિકેન્દ્ર અને બુથ સ્તરે અત્યાર સુધી સંપન્ન થયેલી સંગઠનાત્મક નિયુક્તિઓ અંગે શ્રી નીતિન નવીનને જાણકારી આપી હતી.
તેઓએ કહ્યું કે, ભારતીય જનતા પાર્ટીએ લોકસભામાં માત્ર 2 સીટ થી આજ સુધીની સફર જોઈ છે. તડકો કે છાયડો જોયા વગર માં ભારતીને પરમ વૈભવના શિખરે બિરાજમાન કરવાના ધ્યેય સાથે ભાજપાના કાર્યકર્તાઓના સંઘર્ષ, બલિદાન અને ત્યાગના ફળસ્વરૂપ ભાજપા આજની સ્થિતિમાં પહોંચ્યું છે.
સામાન્ય પૃષ્ઠભૂમિ માથી આવતો કાર્યકર્તા પણ ભાજપમાં સર્વોચ્ય સ્થાને પહોંચી શકે છે. ચા વેચતા સામાન્ય ગરીબ પરિવારમાં જન્મેલા શ્રી નરેન્દ્રભાઇ મોદી આજે દેશના પ્રધાનમંત્રી છે તે તેનું મોટું ઉદાહરણ છે. આપણે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી, પંડિત દીનદયાળ ઉપાધ્યાયજી, અટલજી, અડવાણી, નરેન્દ્ર મોદી અને અમિત શાહ ના નેતૃત્વ થકી આપણને જે વારસો મળ્યો છે તેને જાળવી રાખવો એ આપણું કર્તવ્ય છે.
ભાજપાના સંઘર્ષપૂર્ણ ઇતિહાસ થી આજ સુધીની સક્સેસ સ્ટોરી એ મેનેજમેંટના વિદ્યાર્થીઓ માટે કેસ સ્ટડી છે. જે પાર્ટીનું પહેલા માત્ર ક્યાંક બૂથમાં જ વજૂદ હતું, માત્ર ૨ સીટ હતી તે આજે વિશ્વની સૌથી મોટી પાર્ટી બની છે. બુથનો પાયાનો કર્મઠ કાર્યકર્તા આપણી ઓળખ છે.
ભારતીય જનતા પાર્ટી હંમેશાથી સર્વ સમાજને સાથે રાખીને ચાલે છે. ગરીબ, વંચિત, પછાત વર્ગોની ચિંતા કરવી એ ભાજપના કાર્યકર્તાનો ગુણધર્મ છે. તેઓએ જનસંપર્કને થકી કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ અને કાર્યોને જનતા સુધી પહોંચાડવા હાકલ કરી હતી.
રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે બેઠકમાં સંબોધન કરતા જણાવ્યું હતું કે, કાર્યકર્તા જ ભાજપાનો પ્રાણવાયુ છે. લાખો કાર્યકર્તાઓની પરિશ્રમની પરાકાષ્ઠાના પરિણામે જ ભાજપા મજબૂત છે અને આ વિશાળ વટવૃક્ષ બન્યું છે. ભાજપાનો કાર્યકર્તા પરિશ્રમવાદનો પર્યાય છે. ભાજપામાં પદ કરતા પક્ષ અને વ્યક્તિ કરતા વિચાર મોટો છે. ભાજપા કાર્યકર્તાઓમાં દેશની સંસ્કૃતિ સાથે સંસ્કાર વણાયેલા છે. ભારતીય જનતા પાર્ટી યુવાઓની પાર્ટી છે જેમાં યુવાઓને પ્રોત્સાહન આપવામાં આવે છે. તેઓએ સંકલન અને તાલમેલ સાથે જનતા વચ્ચે કાર્યરત રહેવા કાર્યકર્તાઓને આહ્વાન કર્યું હતું.
