Rupal Palli Melo 2026 Live Updates: ગાંધીનગર જિલ્લાના ઐતિહાસિક રૂપાલ ગામ ખાતે આજે આસો સુદ નોમના પવિત્ર દિવસે જગતજનની શ્રી વરદાયિની માતાજીનો વિશ્વ પ્રસિદ્ધ પલ્લી મહોત્સવ ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવાઈ રહી છે. આ વર્ષે પણ પરંપરાગત રીત રિવાજ મુજબ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દેશ અને વિદેશમાંથી 10 લાખથી વધુ શ્રદ્ધાળુઓ માતાજીના દિવ્ય આશીર્વાદ મેળવવા માટે પહોંચે તેવી શક્યતા છે.
મધ્યરાત્રિએ 12 વાગ્યે પલ્લીનું પ્રસ્થાન: 27 ચોકમાં ફરશે રથ
આ પરંપરાગત ઉત્સવમાં મધ્યરાત્રિએ 12 વાગ્યે માતાજીની પરવાનગી મેળવ્યા બાદ પાંચ દિવ્ય જ્યોતથી સુસજ્જ પલ્લીનું પ્રસ્થાન કરાયું છે. આ ધાર્મિક યાત્રા રૂપાલ ગામના નિર્ધારિત 27 ચોક અને મહોલ્લાઓમાંથી પસાર થઈને શ્રદ્ધાળુઓને દર્શન આપશે.
રૂપાલની શેરીઓમાં વહેશે 'ઘીની નદીઓ'
પલ્લી યાત્રા દરમિયાન લાખો શ્રદ્ધાળુઓ પોતાની મનોકામના પૂર્ણ થતાં માતાજીની પલ્લી પર કરોડો રૂપિયાના શુદ્ધ ઘીનો અભિષેક કરશે. પલ્લી માર્ગ પર ચારેય તરફ ઘીનો અવિરત પ્રવાહ વહેતો જોવા મળે છે જેનાથી આખું રૂપાલ ગામ ભક્તિમય વાતાવરણ અને શ્રદ્ધાના ઘોડાપૂરમાં લીન થઈ જશે.
મુખ્યમંત્રીએ શ્રી વરદાયિની માતાજીના શ્રદ્ધાપૂર્વક કર્યા પૂજન-અર્ચન
ગાંધીનગર નજીક આવેલા ઐતિહાસિક યાત્રાધામ રૂપાલ ખાતે નવરાત્રિના નવમાં દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુલાકાત લઈને શ્રી વરદાયિની માતાજીનું શ્રદ્ધાપૂર્વક પૂજન-અર્ચન કર્યું હતું. મંદિરના દર્શન બાદ તેમણે જણાવ્યું હતું કે નવ નોરતા પૂર્ણ થવાના આ અવસરે માં વરદાયિની સૌના સુખ, સમૃદ્ધિ અને શાંતિમાં વધારો કરે તેવી પ્રાર્થના છે. સાથે જ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વિકસિત ભારત’ના સંકલ્પને સિદ્ધ કરવા માટે ‘વિકસિત ગુજરાત’ અગ્રેસર રહીને કાર્ય કરે તેવી પણ માતાજીના ચરણોમાં કામના કરી હતી અને ગુજરાતના નાગરિકોને નવરાત્રિ પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી.
ભાજપ પ્રદેશ અધ્યક્ષે માતાજીના દર્શન કર્યા
ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા આજે રુપાલ પહોંચ્યા હતા. જ્યાં તેમણે મા વરદાયિની મંદિરની મુલાકાત લીધી હતી. માતાજીની આરતી અને પૂજા-અર્ચન કર્યા હતા.
રૂપાલમાં ભક્તોનું આગમન, ટ્રેક્ટરોમાં ઘી ભરવામાં આવ્યું
માતાજીની પલ્લીમાં ભાગ લેવા માટે મોટી સંખ્યામાં ભક્તો રૂપાલ ગામ પહોંચ્યા છે. રૂપાલના ભક્તિમય માહોલમાં ટ્રેકટરોમાં ઘી ભરવામાં આવી રહ્યું છે. આજે રાત્રે 12 વાગ્યે માતાજીની પલ્લી નીકળશે. જેમાં ભક્તો દ્વારા ઘીનો અભિષેક કરવામાં આવશે.
રૂપાલની ઐતિહાસિક પલ્લીનું ધાર્મિક મહત્વ અને માન્યતાઓ
રૂપાલ પલ્લી એ દર વર્ષે શારદીય નવરાત્રીની નોમની મધ્યરાત્રિએ નીકળતી મા વરદાયિનીની એક ભવ્ય અને પ્રાચીન પરંપરા છે. આ યાત્રામાં લાખો ભક્તો જોડાય છે અને માતાજીની પલ્લી (રથ) પર લાખો મણ શુદ્ધ ઘીનો અભિષેક કરીને ધન્યતા અનુભવે છે. એવી માન્યતા છે કે મા વરદાયિનીના આશીર્વાદથી કૃતાર્થ થયેલા ભાવિકો દર વર્ષે આ પલ્લી યાત્રામાં ઘીનો અભિષેક કરે છે. આ પલ્લી યુગો પર્યંત, મહાભારત કાળથી, દર વર્ષે અચૂક નીકળે છે.
કથા અનુસાર, મહાભારતના યુદ્ધમાં વિજય મેળવ્યા બાદ પાંડવો અને દ્રૌપદીએ માતા વરદાયિનીના દર્શન કર્યા હતા. તેમણે પાંચ જ્યોતવાળી સોનાની પલ્લી બનાવીને માતાની આરાધના કરી હતી અને પંચ બલી યજ્ઞ પણ કર્યો હતો. ત્યારથી આ પરંપરા યુગોથી અવિરત ચાલી આવે છે અને વિશ્વભરના ભક્તો માટે તે અતૂટ આસ્થાનું કેન્દ્ર બન્યું છે.
એવી પણ માન્યતા છે કે ત્રેતાયુગમાં ભગવાન રામ વનમાં ગયા હતા ત્યારે શૃંગ ઋષિના આદેશથી વરદાયિની માતાએ પ્રસન્ન થઈને રામને એક અમોઘ દિવ્ય બાણ આપ્યું હતું. આ બાણનો ઉપયોગ કરીને રામાયણના અંતિમ યુદ્ધમાં રામે રાવણનો વધ કર્યો હતો, કારણ કે બ્રહ્માજીના વરદાનને કારણે રાવણની નાભિમાં રહેલા અમૃતથી તેનું મસ્તક છેદાયા પછી પણ તેનો વધ શક્ય નહોતો. આ ઉપરાંત, બ્રહ્માજી જગત રચના કરતા સ્મૃતિભ્રંશથી મોહ પામ્યા હતા ત્યારે મા વરદાયિનીએ તેમની વિસ્મૃતિ દૂર કરીને તેમને સ્મૃતિ પ્રદાન કરી હતી.
વળી, પાંડવો જ્યારે અજ્ઞાતવાસમાં જવાની તૈયારીમાં હતા, ત્યારે તેઓ રૌપ્યપુરીમાં મા વરદાયિનીના દર્શને આવ્યા હતા. માતાજીની આજ્ઞાથી તેમણે પોતાના અસ્ત્ર-શસ્ત્ર અને વસ્ત્રો વરખડા (ખીજડા)ના વૃક્ષમાં ગુપ્ત રીતે છુપાવ્યા હતા. માતાજીએ અર્જુનને મહાભારતના યુદ્ધમાં અંતિમ વિજય માટે એક દિવ્ય તીર પણ આપ્યું હતું. વિજય બાદ પાંડવોએ અહીં સોનાની પલ્લી કાઢીને માતાનો આભાર માન્યો હતો.
વરદાયિની માતા મંદિરનો ભવ્ય ઇતિહાસ
ગાંધીનગર જિલ્લાની આગવી ઓળખ સમાન આ ઐતિહાસિક અને ધાર્મિક રીતે મહત્વ ધરાવતું વરદાયિની માતાનું પૌરાણિક મંદિર ગાંધીનગર તાલુકાના રૂપાલ ગામે આવેલું છે. શ્રી વરદાયિની માતા દેવસ્થાન સંસ્થાનનું આ પાંડવકાલીન પ્રાચીન મંદિર સિદ્ધરાજ જયસિંહ દ્વારા જીર્ણોદ્ધાર કરીને બનાવવામાં આવ્યું છે. મંદિરનું બાંધકામ સુંદર બંસી પહાડપુરી પથ્થરથી અને સોમપુરા વાસ્તુકલા શૈલીમાં કરવામાં આવ્યું છે, જેમાં આકર્ષક કલાકૌશલ્ય જોવા મળે છે. મંદિર પર સોનાના કળશ અને સોનાના ધ્વજ દંડ પર માતાજીની ધજા અતિ સોહામણી લાગે છે.
સભા મંડપમાં નવદુર્ગાની મૂર્તિઓ અને શિવ પરિવારના દર્શન પણ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર છે. માતાજીના ગર્ભગૃહમાં શુદ્ધ સુવર્ણથી મઢેલા વિશાળ દરવાજા અને તેની કમાન, તેમજ માતાજીના ગોખમાં રામાયણ અને મહાભારતનો ઇતિહાસ સોનાથી આલેખવામાં આવ્યો છે. અહીં માતા શ્રી વરદાયિનીની શ્વેત આરસની મૂર્તિનો શણગાર, આભૂષણો અને વસ્ત્રોથી સુશોભિત મુખમંડળ અત્યંત મનોહર અને દૈદીપ્યમાન દર્શન આપે છે, જે ભક્તોને ધ્યાનમગ્ન અને આકર્ષિત કરે છે. મંદિરનો સુંદર, આકર્ષક અને વિશાળ સભામંડપ હજારો લોકોને સરળતાથી દર્શન કરી શકે તેવી વ્યવસ્થા સાથે બનાવવામાં આવ્યો છે. ઐતિહાસિક વરદાયિની માતાના મંદિર માટે કહેવાય છે કે તેઓ અહીં નવદુર્ગાના નવ સ્વરૂપો પૈકી દ્વિતીય સ્વરૂપે બ્રહ્મચારિણી હંસવાહીની સ્વરૂપે બિરાજમાન છે.
