Gandhinagar News:દક્ષિણ ગુજરાતના ખેડૂતોની મદદ માટે આગળ આવ્યું કૃષિ વિજ્ઞાન,ભારે વરસાદમાં બાગાયતી વૃક્ષો જમીનદોસ્ત થયા છે તો હવે નિરાશ થવાની જરૂર નથી

જમીનદોસ્ત થયેલા કે નમેલા વૃક્ષોના મૂળ જો હજુ પણ જમીન સાથે જોડાયેલા હોય, તો વિજ્ઞાન અને યોગ્ય માવજત દ્વારા તેમને ફરી પુનર્જીવિત કરી શકાય છે. ખેડૂતોની વર્ષોની મહેનત પાણીમાં ન જાય તે માટે રાજ્ય સરકાર અને કૃષિ વિજ્ઞાન તાત્કાલિક ધોરણે ખેડૂતોની વહારે આવ્યા છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Mon, 03 Aug 2026 10:56 PM (IST)Updated: Mon, 03 Aug 2026 10:56 PM (IST)
south-gujarat-farmers-reviving-raindamaged-horticultural-trees

Gandhinagar News:દક્ષિણ ગુજરાતમાં કુદરતી આફત અને ભારે વરસાદને કારણે લીલીછમ વાડીઓમાં વર્ષોની મહેનતથી ઉછેરેલી બાગાયતી કલમો અને વૃક્ષો જમીનદોસ્ત થતાં ખેડૂતો ચિંતામાં મુકાયા છે. જોકે, આ કટોકટીના સમયે ખેડૂતોએ નિરાશ થવાની જરૂર નથી.

જમીનદોસ્ત થયેલા કે નમેલા વૃક્ષોના મૂળ જો હજુ પણ જમીન સાથે જોડાયેલા હોય, તો વિજ્ઞાન અને યોગ્ય માવજત દ્વારા તેમને ફરી પુનર્જીવિત કરી શકાય છે. ખેડૂતોની વર્ષોની મહેનત પાણીમાં ન જાય તે માટે રાજ્ય સરકાર અને કૃષિ વિજ્ઞાન તાત્કાલિક ધોરણે ખેડૂતોની વહારે આવ્યા છે.

કૃષિ નિષ્ણાતોના મતે, જો જમીનદોસ્ત થયેલી કલમો કે નમેલા વૃક્ષોના મૂળ હજુ પણ જમીન સાથે જોડાયેલા હોય, તો વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા તેમને ફરી જીવંત કરવા શક્ય છે. આ વૈજ્ઞાનિક અભિગમ ધ્યાનમાં રાખીને કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ બાગાયત વિભાગના અધિકારીઓ અને નવસારી કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોને તાત્કાલિક ધોરણે અસરગ્રસ્ત ગામોની રૂબરૂ મુલાકાત લઈ, ખેડૂતોને આ કલમો પુનર્જીવિત કરવાની પ્રત્યક્ષ તાલીમ આપવાના આદેશ આપ્યા છે.

કૃષિ મંત્રીશ્રીના આદેશના પગલે પાણી ઓસરવાની રાહ જોયા વિના, ગત શુક્રવારથી ચાલુ વરસાદ વચ્ચે પણ બાગાયત વિભાગ અને નવસારી કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોની સંયુક્ત ટીમો ખેડૂતોના ખેતર સુધી પહોંચી રહી છે. હાલમાં વલસાડ, નવસારી, સુરત, ડાંગ અને તાપી જિલ્લાના અસરગ્રસ્ત ગામોમાં વૈજ્ઞાનિકો પ્રત્યક્ષ ડેમોન્સ્ટ્રેશન આપીને ખેડૂતોને ધરાશાયી થયેલા વૃક્ષોને ફરી જીવિત કરવાની અને તેની માવજત અંગેની તાલીમ આપી રહ્યા છે.

નવસારીના ઘેજ ગામના પ્રગતિશીલ ખેડૂત મોહનભાઈ પટેલે પોતાનો અનુભવ વર્ણવતા જણાવ્યું હતું કે, તાઉતે વાવાઝોડા વખતે મારી વાડીમાં નાના-મોટા અનેક આંબા ધરાશાયી થયા હતા. તે સમયે બાગાયત વિભાગ અને નવસારી કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોના માર્ગદર્શન હેઠળ મેં આ ઝાડોને પુનર્જીવિત કરવાનો પ્રયાસ કર્યો, જેના પરિણામે ૭૦ થી ૮૦ ટકા જેટલા જમીનદોસ્ત થયેલા આંબા ફરી બેઠા થઈ ગયા હતા અને આજે તો એ ઓળખવા પણ મુશ્કેલ છે કે કયા ઝાડ પડી ગયા હતા.

પૂર કે વાવાઝોડાથી હારી ગયા વગર જો ખેડૂતો આ વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવે, તો વર્ષોની મહેનતથી ઉછેરેલા બાગાયતી પાકને ચોક્કસપણે બચાવી શકાય છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.