દક્ષિણ ગુજરાતના ખેડૂતોની મદદ માટે આગળ આવ્યું કૃષિ વિજ્ઞાન, ધરાશાયી થયેલા બાગાયતી વૃક્ષોમાં ફરી પુરશે જીવ!

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી જમીનદોસ્ત થયેલા બાગાયતી પાકને પુનર્જીવિત કરવા નવસારી કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો ખેતરોમાં જઈને તાલીમ આપી રહ્યા છે. જાણો બાગાયત બચાવવાના 4 તબક્કા.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Tue, 04 Aug 2026 06:00 AM (IST)Updated: Tue, 04 Aug 2026 06:00 AM (IST)
agricultural-science-steps-in-to-help-south-gujarat-farmers-will-breathe-new-life-into-uprooted-horticultural-trees

South Gujarat Agriculture: દક્ષિણ ગુજરાતમાં કુદરતી આફત અને ભારે વરસાદના કારણે લીલીછમ વાડીઓમાં વર્ષોની મહેનતથી ઉછેરેલી બાગાયતી કલમો અને વૃક્ષો જમીનદોસ્ત થતાં ખેડૂતો ભારે ચિંતામાં મુકાયા છે. જોકે, આ કટોકટીના સમયે ખેડૂતોએ નિરાશ થવાની બિલકુલ જરૂર નથી. જો જમીનદોસ્ત થયેલા કે નમેલા વૃક્ષોના મૂળ હજુ પણ જમીન સાથે જોડાયેલા હોય, તો વિજ્ઞાન અને યોગ્ય માવજત દ્વારા તેમને ફરી પુનર્જીવિત કરી શકાય છે.

ખેડૂતોની વર્ષોની મહેનત પાણીમાં ન જાય તે માટે રાજ્ય સરકાર અને કૃષિ વિજ્ઞાન તાત્કાલિક ધોરણે ખેડૂતોની વહારે આવ્યા છે. કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીના આદેશથી નવસારી કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો અને બાગાયત વિભાગની સંયુક્ત ટીમો ચાલુ વરસાદે પણ વલસાડ, નવસારી, સુરત, ડાંગ અને તાપી જિલ્લાના અસરગ્રસ્ત ગામોની રૂબરૂ મુલાકાત લઈ ખેડૂતોને પ્રત્યક્ષ ડેમોન્સ્ટ્રેશન આપી રહી છે.

naidunia_image

તાઉતે વાવાઝોડામાં કલમો બચાવનાર ખેડૂતનો અનુભવ

નવસારીના ઘેજ ગામના પ્રગતિશીલ ખેડૂત મોહનભાઈ પટેલે પોતાનો સફળ અનુભવ શેર કરતાં જણાવ્યું કે- તાઉતે વાવાઝોડા વખતે મારી વાડીમાં અનેક આંબા ધરાશાયી થયા હતા. તે સમયે બાગાયત વિભાગ અને નવસારી કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોના માર્ગદર્શનથી મેં ઝાડ પુનર્જીવિત કરવાનો પ્રયાસ કર્યો હતો. જેના પરિણામે 70 થી 80 ટકા જેટલા આંબા ફરી બેઠા થઈ ગયા હતા અને આજે તો એ ઓળખવા પણ મુશ્કેલ છે કે કયા ઝાડ પડી ગયા હતા.

ધરાશાયી કલમો બચાવવાની 4 તબક્કાની સરળ વૈજ્ઞાનિક પદ્ધતિ

નવસારી કૃષિ યુનિવર્સિટીના સહસંશોધન વૈજ્ઞાનિક ડૉ. અંકુર પટેલે ખેડૂતો માટે ચાર તબક્કાની સરળ માર્ગદર્શિકા દર્શાવી છે-

ઝાડ ઊભું કરતી વખતે સાવચેતી: જમીનદોસ્ત થયેલી કલમોને અચાનક કે જોરથી ઊભી કરવાનો પ્રયાસ ન કરવો, નહિતર મૂળ તૂટી જશે. કલમને અત્યંત ધીમે-ધીમે ઊભી કરવી અને વચ્ચે 10 સેકન્ડનો વિરામ લેવો.

ડાળીઓની છાંટણી (Pruning): પૂરના કારણે વૃક્ષને ઈજા થઈ હોવાથી તેનો ખોરાકનો વપરાશ ઘટાડવો જરૂરી છે. આ માટે લાંબી અને નમી ગયેલી ડાળીઓ કાપી નાખવી અને મર્યાદિત પાંદડાં રહેવા દેવાં. કાપેલી ડાળીઓ પર ટૂંક સમયમાં નવી ફૂટ નીકળશે.

ફૂગનાશક પેસ્ટનો ઉપયોગ: ડાળીઓના કાપેલા ભાગ પર કોપર ઓક્સિક્લોરાઇડ (COC)ની પેસ્ટ લગાવવી. આ પેસ્ટમાં રહેલું 'ઓક્ઝિન' તત્ત્વ ડાળીને સડતી અટકાવશે અને નવી ફૂટ લાવવામાં મદદ કરશે.

naidunia_image

જમીન અને મૂળની સારવાર

ચોમાસામાં છાણિયા ખાતરનો ઉપયોગ ટાળવો. 1 કિલો વર્મી કમ્પોસ્ટમાં 50 ગ્રામ કાર્બેન્ડાઝીમ પાવડર મિક્સ કરી 4-5 દિવસ પલટાવીને થડની આસપાસ માટી ખોતરીને દાટી દેવું.

મૂળનો કોહવાટ અટકાવવા 200 લિટર પાણીમાં 1 કિલો ટ્રાયકોડર્મા વિરિડી અને 2 કિલો યુરિયા ભેળવી ડ્રેન્ચિંગ કરવું. પ્રતિ કલમ 1 લિટર મિશ્રણ મહિનામાં 2 થી 3 વાર આપવું.

વૈજ્ઞાનિકોના મતે, ચોમાસા પહેલાં નદી કે નાળાના પાણીના પ્રવાહની દિશા ધ્યાનમાં રાખીને કલમોની આસપાસ ઓછામાં ઓછા બે ફૂટ ઊંચા પાળા બનાવવામાં આવે તો પાણીના વહેણમાં કલમ મજબૂત રહે છે અને ધરાશાયી થતી બચી જાય છે.