Gandhinagar News: CM ભૂપેન્દ્ર પટેલની સૂચનાને ગંભીરતાથી ધ્યાનમાં લઇ હવા પ્રદૂષણ ઘટાડવા શહેરી વિકાસ વિભાગ એક્શન મોડમાં

બેઠક બાદ મહાનગરપાલિકાઓએ તાત્કાલિક ધોરણે સાઈટ ઈન્સ્પેક્શનની કામગીરી શરુ કરી હતી.

By: Nilesh ZinzuwadiaEdited By: Nilesh Zinzuwadia Publish Date: Sat 06 Dec 2025 11:36 PM (IST)Updated: Sat 06 Dec 2025 11:36 PM (IST)
taking-chief-minister-bhupendra-patels-instructions-seriously-the-urban-development-department-is-in-action-mode-to-reduce-air-pollution-650909

Gandhinagar News: શિયાળાની શરૂઆત સાથે જ રાજ્યના મહાનગરોમાં વધી રહેલી હવા પ્રદૂષણની માત્રાને ગંભીરતાપૂર્વક ધ્યાને લઇ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં હવા પ્રદૂષણને નિયંત્રણમાં લાવવા ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. આ ચર્ચા-વિચારણા દરમિયાન મુખ્યમંત્રીએ હવા પ્રદૂષણથી ભવિષ્યમાં થનારી ગંભીર અસરોને ધ્યાને લઈને અત્યારથી જ એલર્ટ થવા તેમજ પ્રદૂષણને અટકાવવા માટે રાજ્ય સરકારના દરેક વિભાગને સાથે રાખીને વિસ્તૃત એક્શન પ્લાન તૈયાર કરવા માટે ઉચ્ચ અધિકારીઓને સૂચનાઓ આપી હતી.

મુખ્યમંત્રીની સૂચનાનુસાર શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવએ રાજ્યની તમામ 17 મહાનગરપાલિકાઓના મ્યુનીસીપલ કમિશનરઓ અને 6 પ્રાદેશિક નગરપાલિકાઓના કમિશનરઓ સાથે વર્ચ્યુઅલ બેઠક યોજીને હવા પ્રદૂષણને અટકાવવા અંગેની ચર્ચા કરી હતી. આ બેઠકમાં તેમણે શહેરી વિસ્તારોમાં ચાલતા બાંધકામની વિવિધ સાઈટનું ઈન્સ્પેક્શન કરીને પ્રદુષણને નિયંત્રણમાં લેવાના પગલા ભરવા સૂચના આપી હતી.

બેઠક બાદ મહાનગરપાલિકાઓએ તાત્કાલિક ધોરણે સાઈટ ઈન્સ્પેક્શનની કામગીરી શરુ કરી હતી. આ દરમિયાન મહાનગરોમાં બાંધકામ ચાલુ હોય તેવી કુલ 2961 સાઈટ પૈકી માત્ર ત્રણ જ દિવસમાં 2600થી વધુ સાઈટનું ઈન્સ્પેક્શન પૂર્ણ કરવામાં આવ્યું છે. જેમાં જૂની 8 મહાનગરપાલિકાની કુલ 1563 સાઈટ પૈકી 1303 સાઈટ તેમજ નવી 9 મહાનગરપાલિકાની કુલ 1398 સાઈટ પૈકી 1300 સાઈટનું ઈન્સ્પેકશન પૂર્ણ થયું છે. વધુમાં, પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓની કચેરી હેઠળની નગરપાલિકાઓમાં પણ કુલ ૭૭૧ સાઈટ પૈકી તમામ સાઈટનું ઈન્સ્પેકશન પૂર્ણ કરવામાં આવ્યું છે.

આ ઈન્સ્પેકશન દરમિયાન જૂની 8 મહાનગરપાલિકાની 506 સાઈટને દંડ કરીને રૂ. 122.82 લાખ પેનલ્ટી તેમજ નવી 9 મહાનગરપાલિકાની 35 સાઈટને દંડ કરીને રૂ. 1.058લાખ પેનલ્ટીની વસૂલાત કરવામાં આવી છે.