Gopal Italia News: જામનગરમાં ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકાયું, કાર્યકર્તાઓએ યુવકને પકડીને ઢોર માર માર્યો

રેલી પૂર્ણ થયા બાદ ટાઉન હોલ ખાતે યોજાયેલી સભા દરમિયાન છત્રપાલસિંહ જાડેજા નામના કોંગ્રેસના એક કાર્યકર્તાએ અચાનક ગોપાલ ઇટાલિયા તરફ જૂતું ફેંક્યું હતું.

By: Nilesh ZinzuwadiaEdited By: Nilesh Zinzuwadia Publish Date: Fri 05 Dec 2025 08:53 PM (IST)Updated: Sat 06 Dec 2025 10:50 AM (IST)
a-congress-worker-threw-a-shoe-at-gopal-italiaa-brawl-broke-out-at-an-aap-meeting-in-jamnagar-650324

Gopal Italia News:જામનગરમાં આજે યોજાયેલી આમ આદમી પાર્ટી(AAP)ની જનસભા રાજકીય રણસંગ્રામમાં ફેરવાઈ ગઈ હતી. વિસાવદરના ધારાસભ્ય અને આપ નેતા ગોપાલ ઇટાલિયા(Gopal Italia) પર એક કોંગ્રેસના કાર્યકરે જૂતાનો ઘા કરતા ભારે હોબાળો મચી ગયો હતો.

આ ઘટના બાદ રોષે ભરાયેલા ‘આપ’ના કાર્યકરોએ હુમલાખોર પર તૂટી પડી ઢોર માર મારતા મામલો બિચક્યો હતો.આમ આદમી પાર્ટી દ્વારા આજે જામનગરમાં બાઇક રેલી અને જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગોપાલ ઇટાલીયાને નિશાન બનાવનાર યુવક કોંગ્રેસનો કાર્યકર હોવાનું સામે આવ્યું છે. તેની ઓળખ છત્રપાલસિંહ જાડેજા તરીકે થઈ છે. ઘટના બન્યા બાદ તુરંત જ સભામાં હાજર રહેલા લોકોએ છત્રપાલસિંહ જાડેજાને ઘેરી વળ્યા હતા અને તેને માર માર્યો હતો.

રેલી પૂર્ણ થયા બાદ ટાઉન હોલ ખાતે યોજાયેલી સભા દરમિયાન છત્રપાલસિંહ જાડેજા નામના કોંગ્રેસના એક કાર્યકર્તાએ અચાનક ગોપાલ ઇટાલિયા તરફ જૂતું ફેંક્યું હતું. નેતા પર થયેલા આ હુમલાથી કાર્યક્રમમાં ઉપસ્થિત ‘આપ’ના કાર્યકરો ઉશ્કેરાઈ ગયા હતા અને છત્રપાલસિંહને ઘેરી વળ્યા હતા.

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, આપના કાર્યકરોએ કોંગી કાર્યકરને ઢોર માર માર્યો હતો. આ ધમાલ લગભગ 15થી 20 મિનિટ સુધી ચાલી હતી. અંતે પોલીસે વચ્ચે પડીને માંડ માંડ કોંગી કાર્યકરને ટોળામાંથી છોડાવ્યો હતો અને પોલીસ જીપમાં બેસાડીને સારવાર માટે તાત્કાલિક જી.જી. હોસ્પિટલ ખસેડ્યો હતો.

બાઇક રેલી અને નેતાઓની હાજરી આ અગાઉ, ‘આપ’ દ્વારા મહાપ્રભુજીની બેઠકથી એક વિશાળ બાઇક રેલી કાઢવામાં આવી હતી. આ રેલી કાલાવડ નાકા, દરબારગઢ, ચાંદી બજાર અને બેડી ગેટ જેવા શહેરના મુખ્ય માર્ગો પર ફરીને ટાઉન હોલ પહોંચી હતી. આ કાર્યક્રમમાં ગુજરાત AAP પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી અને જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવા સહિતના શીર્ષ નેતાઓ હાજર રહ્યા હતા.