Jamnagar BLO Collapse: જામનગર સહિત સમગ્ર ગુજરાતભરમાં ચૂંટણી પંચના આદેશ અનુસાર મતદાર યાદી સઘન સુધારણાની (SIR)ની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. SIRની કામગીરી માટે રોકવામાં આવેલા સરકારી શાળાના શિક્ષકોને BLO તરીકેની ફરજ સોંપવામાં આવતા તેમના પર કામનું દબાણ સતત વધી રહ્યું છે.છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં BLOના આપઘાત, હાર્ટ એટેક અને તબિયત લથડવાના બનાવો સામે આવ્યા છે, ત્યારે જામનગરમાં પણ પણ એક BLOની અચાનક તબિયત લથડતા તેમને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, મસીતિયા વાડી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હિરલ ત્રિવેદીને જામનગર વિધાનસભા વિસ્તાર હેઠળ આવતી સત્યમ કોલોની પાસે SIRની કામગીરી સોંપવામાં આવી છે. આજે હિરલ ત્રિવેદી બૂથ લેવલ ઑફિસર (BLO) તરીકે પોતાની ફરજ બજાવી રહ્યા હતા, ત્યારે સવારે સાડા 11ની આસપાસ અચાનક તેમની તબિયત લથડી હતી.
હિરલ ત્રિવેદી ખુરશીમાં બેભાન થઈને ઢળી પડતા અન્ય સ્ટાફ તેમજ કર્મચારીઓમાં દોડધામ મચી જવા પામી હતી. આખરે 108ની મદદથી હિરલ ત્રિવેદની સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ હિરલ ત્રિવેદી હાસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેમની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.
આ અંગે હિરલ ત્રિવેદીના પતિ અલ્પેશભાઈએ જણાવ્યું કે, મારી પત્ની આહીર સમાજની વાડીમાં SIRની કામગીરી કરી રહ્યા હતા. આ સમયે અચાનક બેભાન થઈ ગયા હતા. જે બાદ તેમને 108ની મદદથી જી.જી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ICUમાં સઘન સારવાર શરૂ કરવામાં આવી હતી. તબીબોના જણાવ્યા પ્રમાણે, હાઈપર ટેન્શનના કારણે મારી પત્નીની તબિયત લથડી હતી.
જણાવી દઈએ કે, તાજેતરમાં જ ગીર સોમનાથ જિલ્લામાં SIRની કામગીરીથી કંટાળી એક શિક્ષકે આપઘાત કર્યાં બાદ BLOની કામગીરી કરી રહેલા શિક્ષકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જિલ્લા કલેક્ટરો પર BLO તરીકે કામગીરી કરી રહેલા શિક્ષકો પર માનસિક દબાણ કરવામાં આવતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. જો આગામી દિવસોમાં આ સ્થિતિમાં સુધારો નહીં થાય તો આંદોલનની ચિમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
