Farmer Protest: જામનગરમાં હજારો ખેડૂતો રસ્તા પર ઉતર્યા, ખેતરોમાં વીજપોલ મુદ્દે પ્રચંડ રોષ; આંદોલનની ચીમકી ઉચ્ચારી

જામનગર જિલ્લા ખેડૂત સમિતિના નેતૃત્વમાં એક હજારથી વધુ ખેડૂતોએ વિશાળ રેલી કાઢી જિલ્લા કલેક્ટર કચેરીએ વિરોધ નોંધાવ્યો.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sat, 01 Aug 2026 11:10 AM (IST)Updated: Sat, 01 Aug 2026 11:10 AM (IST)
jamnagar-farmers-protest-rally-high-voltage-power-lines-and-electric-poles
Jamnagar Farmer Protest

Jamnagar Farmer Protest: જામનગર જિલ્લામાં ખાનગી કંપનીઓ દ્વારા ખેડૂતોની મંજૂરી વિના ખેતરમાં વીજપોલ ઉભા કરવા અને હાઈ-વોલ્ટેજ લાઈનો નાખવાના વિવાદે હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. આ મુદ્દે ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે, જેના પરિણામે આજે હજારોની સંખ્યામાં ખેડૂતો રસ્તા પર ઉતરી આવ્યા હતા.

વિશાળ રેલી અને જિલ્લા કલેક્ટરને આવેદન

જામનગર જિલ્લા ખેડૂત સમિતિના નેતૃત્વ હેઠળ યોજાયેલ આ રેલીમાં એક હજારથી વધુ ખેડૂતો અને મોટી સંખ્યામાં ગ્રામીણ મહિલાઓ જોડાઈ હતી. શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈને આ વિશાળ રેલી જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચી, જ્યાં ખેડૂતોએ સરકારની નીતિઓ સામે પ્રચંડ વિરોધ પ્રદર્શિત કર્યો હતો.

ખેડૂતોની મુખ્ય માંગણી અને રજૂઆત

ખેડૂતોએ આ મામલે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરીને પોતાની માંગણીઓ રજૂ કરી હતી. આંદોલનકારી ખેડૂતોએ સરકાર સામે મુખ્ય ત્રણ માંગણી મૂકી છે:

  • વીજલાઈન અંગેનો સરકારનો વર્તમાન પરિપત્ર તાત્કાલિક રદ કરવામાં આવે.
  • જમીન સંપાદન સામે ખેડૂતોને યોગ્ય અને ન્યાયિક વળતર આપવામાં આવે.
  • ખેતરમાં કોઈપણ પ્રકારની કામગીરી શરૂ કરતા પહેલા સંબંધિત ખેડૂતની લેખિત સંમતિ લેવી ફરજિયાત બનાવવામાં આવે.

ખેડૂતોએ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી

ખેડૂત આગેવાનોએ સ્પષ્ટ શબ્દોમાં ચીમકી ઉચ્ચારી છે કે જો સરકાર દ્વારા આ મુદ્દે ખેડૂતોના હિતમાં સકારાત્મક નિર્ણય લેવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં આ આંદોલનને વધુ તેજ અને ઉગ્ર બનાવવામાં આવશે. ખાનગી કંપનીઓની જોહુકમી સામે ખેડૂતોની આ એકતાએ સમગ્ર જિલ્લામાં ભારે ચર્ચા જગાવી છે.