Jamnagar: ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) અને જામનગર સ્પેશિયલ ઑપરેશન ગ્રુપ (SOG)ની ટીમને સંયુક્ત ઑપરેશનમાં મોટી સફળતા મળી છે. જે અંતર્ગત પંજાબમાં હત્યાના ગુનામાં વોન્ટેડ આરોપીને જામનગરથી ઝઢપી પાડવામાં આવ્યો છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, થોડા દિવસ અગાઉ પંજાબના અમૃતસરના એ-ડિવિઝન પોલીસ મથકમાં મખનસિંઘ નામના વ્યક્તિની હત્યાનો ગુનો નોંધાયો હતો. આ મામલે પોલીસે ધરમવિરસિંઘ, કરમવિરસિંઘ, બિક્રમજીતસિંઘ અને જોનની અટકાયત કરી પૂછપરછ કરી હતી.
આ આરોપીઓએ ગુનામાં સામેલ અન્ય વોન્ટેડ આરોપી લવપ્રિતસિંઘ હરજીતસિંઘનું નામ આપ્યું હતું, જે કોટલા ખૂર્દ, અમૃતસરનો રહેવાસી છે. આથી પંજાબ પોલીસે વોન્ટેડ આરોપી લવપ્રિતસિંઘની માહિતી ગુજરાત એ.ટી.એસ.ના વરિષ્ઠ અધિકારીઓ સાથે શેર કરી હતી.
એવામાં ગુજરાત ATSની ટીમને બાતમી મળી હતી કે, હત્યારો લવપ્રિતસિંઘ જામનગરના મેઘપર સ્થિત કંપનીમાં હેલ્પર તરીકે છૂટક મજૂરી કરવા માટે એક દિવસ પહેલાજ આવ્યો છે. આ બાતમીના આધારે ગુજરાત ATS અને જામનગર SOGની ટીમે જામનગરની ચાલીમાં રહેતા લવપ્રિતસિંઘની અટકાયત કરી તેને અમદાવાદ લાવવામાં આવ્યો હતો.
જ્યાં આરોપીની પૂછપરછમાં તેણે અમૃતસર બસ સ્ટેન્ડ નજીક પોતાના સાગરિતો સાથે મળીને મખનસિંઘની હત્યા કરી હતી. હાલ તો ATSની ટીમે હત્યારાને અમૃતસર પોલીસને સોંપવા તજવીજ હાથ ધરી છે.
