Jamnagar: જામનગર શહેરના પ્રથમ સિક્સ લેન રોડનું ખાત મુહૂર્ત રિવાબા જાડેજાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતુ. આ સમયે રાજ્યમંત્રી અને સ્થાનિક ધારાસભ્ય રિવાબાએ કોન્ટ્રાક્ટરને સમયસર કામ પુરુ કરવા બાબતે ટકોર કરી હતી.
જામનગર શહેરના ખોડિયાર કોલોનીના અત્યંત ગીચ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવાના ભાગરૂપે રૂ. 15.02 કરોડના ખર્ચે ઓશવાલ સેન્ટરથી દિગ્જામ સર્કલ સુધી સિક્સ લેન રોડ બનાવવામાં આવી રહ્યો છે. જેના ખાત મુહૂર્ત પ્રસંગે રિવાબા જાડેજાએ સ્થળ પર ઉપસ્થિત કોન્ટ્રાક્ટર તેમજ ફરજ પરના અધિકારીઓને ગુણવત્તામાં કોઈ પણ પ્રકારની બાંધછોડ ના કરવાની સૂચના આપી હતી.
ડિપ્લોમેટિક જવાબ નહીં, મને અવધી આપો: રિવાબા જાડેજા
ખાતમુહૂર્ત પ્રસંગે રિવાબા જાડેજાએ કોન્ટ્રાક્ટરને પૂછ્યું કે, હવે કામ ક્યારથી શરૂ કરશો? જેનો જવાબ આપતા કોન્ટ્રાક્ટરે કહ્યું કે, ટૂંક સમયમાં કામ શરૂ કરી દેવામાં આવશે. જેથી રિવાબાએ હસતા-હસતા સંભળાવી દીધું કે, આ તમારે ડિપ્લોમેટિક જવાબ છે. તમે મને ચોક્કસ અવધી આપો. આખરે કોન્ટ્રાક્ટરે જણાવ્યું કે, એક સપ્તાહની અંદર સિક્સ લેનની કામગીરી શરૂ કરીને એક વર્ષમાં પુરું કરવામાં આવશે.
જેથી રિવાબાએ જણાવ્યું કે, શહેરી વિકાસ માટે મોટું બજેટ ફાળવવામાં આવ્યું છે, તો કામ ઝડપથી અને ઉચ્ચ ગુણવત્તા સાથે થવું જોઈએ. ગુણવત્તામાં કોઈ પણ બાંધછોડ કર્યાં વિના નિર્ધારિત અવધીમાં આ રોડને લોકો માટે ખુલ્લો મૂકવામાં આવશે.
