Jamnagar Diksha Mahotsav: ધર્મને સમર્પિત એક અનોખી ઘટનામાં, જામનગરના મૂળ શિહોરવાળા એક જૈન પરિવારના ત્રણ સભ્યો આગામી તારીખ પાંચમી ડિસેમ્બરના રોજ સંયમનો માર્ગ સ્વીકારીને દીક્ષા ગ્રહણ કરશે. આ પરિવારના સભ્ય નંદીશભાઈ ચંદ્રકાંતભાઈ શાહ (ઉ.વ. 50), તેમના પત્ની ધારીનીબેન શાહ (ઉ.વ. 45) અને તેમનો 10 વર્ષનો પુત્ર તિર્થ શાહ પણ દીક્ષા અંગીકાર કરશે. આ ત્રણેય કુટુંબીજનો દિ. પ્લોટ, વિમલનાથ એપાર્ટમેન્ટમાં રહે છે અને આચાર્ય દેવ પૂર્ણચંદ્રસાગરની નિશ્રામાં દીક્ષા ગ્રહણ કરશે.
ભવ્ય સમારોહ અને વરસીદાનનો વરઘોડો
દીક્ષા સમારોહ પૂર્વે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
- તા. બીજી ડિસેમ્બર: સવારે 9 વાગ્યે મોટા શાંતિનાથ દેરાસરમાં શાંતિ સ્નાત્ર યોજાશે. રાત્રે 8 વાગ્યે જામનગરના રત્નકુપશી માતા-પિતાનું સન્માન યોજાશે.
- તા. ત્રીજી ડિસેમ્બર: બપોરે 2:30 વાગ્યે રંગોત્સવ, કેશર છાંટણા અને રાત્રે 8 વાગ્યે સ્વર અને સંગીત સંવેદના સાથે મુમુક્ષોઓનો વિદાય કાર્યક્રમ યોજાશે.
- તા. ચોથી ડિસેમ્બર (વરસીદાન): સવારે 8:30 કલાકે દીક્ષાર્થીઓનો ભવ્ય વરસીદાનનો વરઘોડો ચાંદીબજારથી શરૂ થશે અને શહેરના મુખ્ય માર્ગો પર ફરીને શેઠ પોપટલાલ ધારશીભાઈ જૈન બોર્ડિંગ ખાતે પૂર્ણ થશે.
- તા. પાંચમી ડિસેમ્બર: દીક્ષા અંગીકાર, નામકરણ સહિતના મુખ્ય કાર્યક્રમો યોજાશે અને ત્યારબાદ નૂતન મુનિરાજ સાથે ગુરુવરના ગૃહાંગણે પગલાં થશે. આ સમગ્ર સમારંભમાં મોટી સંખ્યામાં જૈન-જૈનેતરો જોડાશે.
શાહ પરિવારનો ત્યાગનો વારસો
ખાસ ઉલ્લેખનીય છે કે, આ શાહ પરિવારનો ત્યાગનો વારસો અત્યંત સમૃદ્ધ છે. આ ત્રણ સભ્યો દીક્ષા ગ્રહણ કરશે તે પહેલાં જ, આ જ પરિવારના અન્ય દસ સભ્યો (ભત્રીજાઓ, દીકરાઓ, વડીલ બંધુ, બહેન, માતૃ શ્રી, ભાભી સહિત) અગાઉ દીક્ષા અંગીકાર કરી ચૂક્યા છે. આમ, એક જ પરિવારના કુલ 13 સભ્યો સંયમ માર્ગે જશે.
