Gir Kesar Mango Prices: જૂનાગઢની કેસર કેરીનો વિદેશમાં દબદબો: અમેરિકામાં 3 કિલો બોક્સના 25 થી 30 ડોલર ભાવ, નિકાસ માટે ખેડૂતોમાં ભારે ઉત્સાહ

ભારતીય બજારમાં હાલ 10 કિલો કેસર કેરીના એક બોક્સનો ભાવ અંદાજે રૂ. 1200 થી 1500 ની આસપાસ છે.

By: Mukesh JoshiEdited By: Mukesh Joshi Publish Date: Wed 08 Apr 2026 09:36 AM (IST)Updated: Wed 08 Apr 2026 09:36 AM (IST)
gir-kesar-mango-exports-boom-premium-prices-seen-in-america-723788

Gir Kesar Mango Prices: ગુજરાતની શાન અને સ્વાદના રસિકોની પહેલી પસંદ એવી ગીરની કેસર કેરીની સિઝન અત્યારે પુરબહારમાં ખીલી છે. જૂનાગઢ અને ગીર સોમનાથ પંથકની આ જગવિખ્યાત કેરી માત્ર ભારતમાં જ નહીં, પરંતુ સાત સમંદર પાર વિદેશી બજારોમાં પણ પોતાની મીઠાશ ફેલાવી રહી છે. આશ્ચર્યની વાત એ છે કે જે કેરી ભારતમાં 10 કિલોના ભાવે વેચાય છે, તેની વિદેશમાં 3 કિલોના પેકિંગમાં જંગી ડિમાન્ડ જોવા મળી રહી છે.

નિકાસ માટે ખેડૂતોનું વિક્રમી રજીસ્ટ્રેશન

કેસર કેરીની વૈશ્વિક ખ્યાતિને જોતા સોરઠ પંથકના ખેડૂતો હવે આંતરરાષ્ટ્રીય બજાર તરફ વળ્યા છે. બાગાયત વિભાગના આંકડા મુજબ, વર્ષ 2026માં અત્યાર સુધીમાં જૂનાગઢ અને ગીર સોમનાથના 81 ખેડૂતોએ નિકાસ માટે નોંધણી કરાવી છે. નિકાસ માટેની સરકારી સંસ્થા 'અપેડા' (APEDA) માં અત્યાર સુધીમાં કુલ 175 ખેડૂતોનું રજીસ્ટ્રેશન થઈ ચૂક્યું છે. નોંધનીય છે કે ખેડૂતો હજુ મે મહિનાના અંત સુધી આ માટે રજીસ્ટ્રેશન કરાવી શકશે. અગાઉના વર્ષોની સરખામણીએ ખેડૂતોમાં નિકાસ પ્રત્યે જાગૃતિ વધી છે. 2023માં 400, 2024માં 110 અને 2025માં 60 ખેડૂતોએ નોંધણી કરાવી હતી.

વિદેશમાં કેસરના ભાવ અને ડિમાન્ડ

ભારતીય બજારમાં હાલ 10 કિલો કેસર કેરીના એક બોક્સનો ભાવ અંદાજે રૂ. 1200 થી 1500 ની આસપાસ છે. તેની સરખામણીએ વિદેશી બજારોમાં સ્થિતિ તદ્દન અલગ છે. અમેરિકા (USA), યુ.કે., કેનેડા, ઓસ્ટ્રેલિયા અને કતાર-દોહા જેવા દેશોમાં કેસરની ભારે ડિમાન્ડ છે. વિદેશમાં સરેરાશ 3 કિલો વજન ધરાવતું બોક્સ (જેમાં 9 થી 12 નંગ કેરી હોય છે) અંદાજે 25 થી 30 ડોલરના ભાવે વેચાય છે. સોરઠ ઉપરાંત અમદાવાદ, વડોદરા, સુરત અને મુંબઈના નિકાસ યુનિટો દ્વારા પણ વિદેશમાં કેસર કેરી મોકલવામાં આવે છે.

સોરઠ પંથકમાં કેરીનું ઉત્પાદન અને વાવેતર

બાગાયત અધિકારીની માહિતી મુજબ સોરઠ પંથકમાં કેરીનું વાવેતર ખૂબ જ મોટા પાયે ફેલાયેલું છે:

  • કુલ વાવેતર વિસ્તાર: 29,245 હેક્ટરમાં આંબાના બગીચા આવેલા છે.
  • જિલ્લાવાર વિગત: ગીર સોમનાથમાં 19,183 હેક્ટર, જૂનાગઢમાં 9,510 હેક્ટર અને પોરબંદરમાં 552 હેક્ટરમાં કેસરનું વાવેતર છે.
  • ગત વર્ષનું ઉત્પાદન: ગત વર્ષે પ્રતિ હેક્ટર 7 મેટ્રિક ટન લેખે આશરે 1.97 લાખ મેટ્રિક ટન કેરીનું ઉત્પાદન થયું હતું.
  • રાજ્યભરમાંથી ગયા વર્ષે કુલ 989 મેટ્રિક ટન કેરીની નિકાસ કરવામાં આવી હતી.

જૂનાગઢ યાર્ડમાં આવકની સ્થિતિ

જૂનાગઢ ફૂટ યાર્ડના ઇન્સ્પેકટરે જણાવ્યું હતું કે છેલ્લા 50 દિવસમાં યાર્ડમાં 11,345 કેસર કેરીના બોક્સની આવક થઈ છે. શરૂઆતમાં ઊંચા રહેલા ભાવ હવે આવક વધતા સરેરાશ રૂ. 800 થી 1600 સુધી નોંધાયા છે.

નિકાસમાં APEDA ની ભૂમિકા

ખેડૂતો માટે 'અપેડા' (Agricultural & Processed Food Products Export Development Authority) એક મહત્વનું માધ્યમ સાબિત થઈ રહ્યું છે. આ એક સરકારી એજન્સી છે જે ખેડૂતોના ઉચ્ચ ગુણવત્તાયુક્ત પાકને આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબ વિદેશ મોકલવામાં મદદ કરે છે. જે ખેડૂતોનો પાક એક્સપોર્ટ ક્વોલિટીનો હોય, તેમને અપેડા એપ્રુવ્ડ સેન્ટર પરથી જ વિદેશ મોકલવાની મંજૂરી મળે છે.