જૂનાગઢ-મેંદરડા હાઈવે પર ભયાનક અકસ્માત, બાઈક પર સવાર ત્રણ મિત્રોને કારે અડફેટે લીધા; એક યુવકનું દુઃખદ મોત

મૃતક યુવક સાગરે એક દિવસ અગાઉ જ ‘કલ કોઈ મુજકો યાદ કરે...’ ગીત સ્ટેટસમાં મૂક્યું હતું.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sun, 02 Aug 2026 01:36 PM (IST)Updated: Sun, 02 Aug 2026 01:36 PM (IST)
junagadh-mendarda-highway-accident-sagar-nandaniya-death-instagram-status
Symbolic Image

Junagadh-Mendarda Highway Accident: જૂનાગઢ-મેંદરડા હાઈવે પર સોનારડી ગામ પાસે એક અત્યંત કરુણ અને કાળજું કંપાવી દેનારો અકસ્માત સર્જાયો છે. પૂરઝડપે દોડતી એક કારના ચાલકે એક જ બાઈક પર સવાર ત્રણ મિત્રોને ભયાનક રીતે અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં સાગર નંદાણીયા નામના યુવકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય બે મિત્રોને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

અંતિમ સ્ટેટસ સાબિત થયું હકીકત

આ અકસ્માતમાં સૌથી ચોંકાવનારી અને દર્દનાક બાબત એ સામે આવી છે કે, મૃતક સાગરે અકસ્માત થવાના થોડા કલાકો પહેલા જ પોતાના ઈન્સ્ટાગ્રામ આઈડી પર એક દર્દભર્યું ગીત સ્ટેટસમાં મૂક્યું હતું. તેણે પ્રખ્યાત હિન્દી ગીત ‘કલ કોઈ મુજકો યાદ કરે, ક્યું કોઈ મુજકો યાદ કરે’ સ્ટેટસ પર રાખ્યું હતું, જે કલ્પના બહારની રીતે તેની જિંદગીનું અંતિમ સ્ટેટસ સાબિત થયું.

સાગરે માત્ર ગીત જ નહીં, પરંતુ અંગ્રેજીમાં એક ગહન વિચાર પણ શેર કર્યો હતો: "Time's song is a reminder that we all are just a small part of time's endless story." એટલે કે "સમયનું સંગીત આપણને એ યાદ અપાવે છે કે આપણે બધા સમયની અનંત વાર્તાનો એક નાનો હિસ્સો છીએ." કોઈને ખ્યાલ નહોતો કે સમયની વાર્તા કરનાર સાગર માટે આટલી વહેલી સફર પૂરી થઈ જશે.

પરિવાર પર તૂટી પડ્યો દુઃખનો પહાડ

મૃતક સાગર જૂનાગઢના મધુરમ વિસ્તારમાં પાનની કેબિન ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. આ અચાનક થયેલી દુર્ઘટનાથી સમગ્ર પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. સૌથી વધુ હૃદયદ્રાવક વાત એ છે કે, સાગરના માત્ર છ મહિનાના માસૂમ દીકરાએ પિતાની છત્રછાયા ગુમાવી છે. હજુ તો બાળક પિતાને ઓળખતો થાય તે પહેલા જ નિયતિએ તેની પાસેથી પિતાનો સાથ છીનવી લીધો છે.

ઈજાગ્રસ્ત બે મિત્રોની હાલત ગંભીર

અકસ્માત સમયે બાઈક પર સવાર અન્ય બે મિત્રોને પણ ગંભીર ઈજાઓ પહોંચી છે, જેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાને પગલે મધુરમ વિસ્તાર અને હોસ્પિટલનું વાતાવરણ ગમગીન બની ગયું હતું. પોલીસ દ્વારા આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.