Junagadh: ખંડણી કેસમાં જામીન બાદ કીર્તિ પટેલ ભવનાથ પોલીસ સમક્ષ હાજર, મૃગીકુંડ વિવાદમાં સતત દોઢ કલાક પૂછપરછ કરાઈ

પવિત્ર મૃગીકુંડમાં જ્યાં સાધુ-સંતો જ સ્નાન કરી શકે, ત્યાં કીર્તિ પટેલે સ્નાન કરીને ધાર્મિક લાગણી દુભાવતા પ્રભાસ પાટણના બાપુ બજરંગદાસે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 24 Feb 2026 07:45 PM (IST)Updated: Tue, 24 Feb 2026 07:45 PM (IST)
junagadh-news-kirti-patel-appears-before-bhavnath-police-after-bail-in-extortion-case
HIGHLIGHTS
  • પોલીસ સ્ટેશનની બહાર નીકળતા કીર્તિ પટેલ બોલી હર હર મહાદેવ
  • ખંડણી કેસમાં સંડોવાયેલી દિવ્યાને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળતા અટકાયત

Junagadh: જૂનાગઢ મહાશિવરાત્રિના પર્વ પર ભવનાથના પવિત્ર મૃગીકુંડમાં સ્નાન કરી વિવાદમાં આવેલી સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલની મુશ્કેલીઓમાં આંશિક ઘટાડો થયો છે. રાજસ્થાનથી ધરપકડ બાદ ખંડણી કેસમાં જામીન મળતા જ આજે કીર્તિ પટેલ મૃગીકુંડ વિવાદ મામલે ભવનાથ પોલીસ સમક્ષ હાજર થઈ હતી.

સત્ય સનાતન છે..હર..હર મહાદેવ
મૃગીકુંડમાં પ્રતિબંધ હોવા છતાં સ્નાન કરી ધાર્મિક લાગણી દુભાવવા બદલ નોંધાયેલી ફરિયાદના આધારે આજે કીર્તિ પટેલ પોલીસ સ્ટેશન પહોંચી હતી. પોલીસે અંદાજે દોઢ કલાક સુધી તેની સઘન પૂછપરછ કરી નિવેદન નોંધ્યું હતું.

પોલીસ સ્ટેશનથી બહાર નીકળતી વખતે તેણે મીડિયા સમક્ષ ટૂંકી પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, "સત્ય સનાતન છે અને સનાતન સત્ય છે. હર હર મહાદેવ."

મૃગીકુંડમાં સ્નાનનો વિવાદ
મહાશિવરાત્રિની પરંપરા મુજબ, મૃગીકુંડમાં માત્ર સાધુ-સંતો જ શાહી સ્નાન કરી શકે છે. કીર્તિ પટેલે આ મર્યાદા તોડી સ્નાન કરતા પ્રભાસ પાટણના બજરંગદાસબાપુએ ફરિયાદ નોંધાવી હતી.

આ ઉપરાંત જૂનાગઢના યુટ્યુબર અફઝલ પાસે રૂ. 20 લાખની ખંડણી માંગવા અને જાનથી મારી નાખવાની ધમકી આપવાના કેસમાં પણ કીર્તિ પટેલ ધરપકડ થઈ હતી. જો કે ગત 23 ફેબ્રુઆરીએ કોર્ટે આ કેસમાં તેના જામીન મંજૂર કર્યા હતા.

બીજી તરફ ખંડણી કેસમાં સંડોવાયેલી અન્ય આરોપી દિવ્યા સાવલાણીને હોસ્પિટલમાંથી રજા મળતા જ પોલીસે તેની અટકાયત કરી હતી. તેને કોર્ટમાં રજૂ કરાતા અદાલતે 25 ફેબ્રુઆરી બપોરે 4:30 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.