Kirti Patel Mrigikund controversy: મહાશિવરાત્રી મેળા દરમિયાન ભવનાથના મૃગીકુંડમાં સ્નાન કરવા મુદ્દે કીર્તિ પટેલ ફરી વિવાદમાં આવી છે. હવે આ મામલે કીર્તિ પટેલે એક વીડિયો નિવેદન જાહેર કરીને સમગ્ર મામલે પોતાનો પક્ષ રજૂ કર્યો છે. આ વીડિયોમાં કીર્તિ પટેલે ઇન્દ્રભારતી બાપુ પર આકરા પ્રહાર કરવા સાથે અને પોલીસની કામગીરી પર પણ સવાલ ઉઠાવ્યા છે.
મૃગીકુંડમાં સ્નાન અને સનાતની અધિકારની વાત
એક વીડિયો પોસ્ટ કરી કીર્તિ પટેલે જણાવ્યું કે, મૃગીકુંડમાં સ્નાન કરતી વખતે તે એકલી નહોતી, પરંતુ અન્ય ભક્તો અને બેન-દીકરીઓ પણ ત્યાં સ્નાન કરી રહી હતી. કીર્તિ પટેલનું કહેવું છે કે ભવનાથ મહાદેવનું મંદિર સરકારના હસ્તક આવે છે અને પોતે એક સ્વતંત્ર નાગરિક હોવાથી દરેક સનાતનીની જેમ તેને પણ સ્નાન કરવાનો અધિકાર છે. કીર્તિ પટેલે સવાલ ઉઠાવ્યો કે, જો કુંડ માત્ર સાધુ-સંતોના સ્નાન માટે જ હોય તો ત્યાં મોટું બોર્ડ લગાવવું જોઈએ.
ઇન્દ્રભારતી બાપુ પર ગંભીર આક્ષેપો
કીર્તિ પટેલે ઇન્દ્રભારતી બાપુ પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે, તેમણે જાહેરમાં તેની ઈજ્જત કાઢી અને તેને કુંડમાંથી બહાર કાઢવામાં આવી. કીર્તિ પટેલ ઇન્દ્રભારતી બાપુના આશ્રમમાં ગેરકાનૂની પ્રવૃત્તિ ચાલતી હોવાનો આક્ષેપ કર્યો અને તે હોટેલ તરીકે ઉપયોગમાં લેવાતો હોવાનું જણાવ્યું. કીર્તિ પટેલે વધુમાં દાવો કર્યો કે ઇન્દ્રભારતી બાપુના કાળા ચિઠ્ઠા 'એપસ્ટીન ફાઈલ' કરતા પણ મોટા છે અને આશ્રમમાં ખરાબ કાર્ય થાય છે. હું હરિહર ભારતી બાપુને પોતાના ગુરુ માનું છું, ઇન્દ્રભારતી બાપુને નહીં.
આ પણ વાંચો: જૂહાપુરામાં નંબર પ્લેટ વિનાના ડમ્પરે મોપેડને ટક્કર મારતા ફંગોળાયેલા યુવકનું કમકમાટીભર્યું મોત
ગૃહમંત્રીને કરી અપીલ અને પોલીસ પર આક્ષેપ
પોતાના પર થયેલી પોલીસ ફરિયાદ અંગે ખુલાસો કરતા કીર્તિ પટેલે કહ્યું કે, તેણે કોઈ પણ મહિલા પીઆઈને મારી નાખવાની ધમકી કે ગાળો આપી નથી. કીર્તિ પટેલે આક્ષેપ કર્યો કે તેના પર ખોટા કેસ કરવામાં આવ્યા છે અને પોલીસ રાત્રે 2 વાગ્યે તેના માતા-પિતા અને બહેનોના ઘરે જઈને તેમને હેરાન કરી રહી છે.
કીર્તિ પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીને અપીલ કરી છે કે તેઓ ઇન્દ્રભારતી બાપુ જેવા લોકો સાથે ફોટા ન પડાવે, કારણ કે આ ફોટાનો દુરુપયોગ કરીને લોકોને ડરાવવામાં આવે છે. પોલીસની કામગીરીની ટીકા કરતા કીર્તિ પટેલે જણાવ્યું કે સુરજ ભુવાજી અને ધારા મર્ડર કેસમાં જો પોલીસે આટલી ઝડપ દાખવી હોત તો એક વર્ષ જેટલો સમય ન લાગ્યો હોત.
