Junagadh Mahashivratri 2026: ગિરનારની ગોદમાં આવેલા પવિત્ર ભવનાથ ક્ષેત્રમાં ગત 11 ફેબ્રુઆરીથી શરૂ થયેલો મહાશિવરાત્રીનો મિની કુંભ મેળો આજે તેના અંતિમ અને સૌથી મહત્વના પડાવ પર પહોંચ્યો છે. સમગ્ર જૂનાગઢ અત્યારે 'હર હર મહાદેવ' અને 'જય ગિરનારી'ના નાદથી ગુંજી ઉઠ્યું છે. લાખોની સંખ્યામાં ઉમટેલા શ્રદ્ધાળુઓ અને સાધુ-સંતોના સંગમથી ભવનાથ તળેટીમાં મિની કુંભ જેવો માહોલ સર્જાયો છે.
ઈન્દ્રભારતી બાપુએ શરીરે ભસ્મ ચોળી માથે ફૂલમાળા પહેરી ભવનાથ મંદિરમાં આરતી ઉતારી હતી. વહીવટી તંત્ર , કલેકટર, એસપી, કમિશનર, પ્રાંત અધિકારી ઈન્દ્રભારતી બાપુ, સંપૂર્ણાનંદ બાપુ સહિતના સાધુ સંતોએ મૃગી કુંડની આરતી ઉતારી હતી.
ભવ્ય શાહી રવેડી: આકર્ષણનું કેન્દ્ર
મહાશિવરાત્રીની મધ્યરાત્રિએ નીકળતી શાહી રવેડી આ મેળાનું મુખ્ય આકર્ષણ છે. આજે સાંજે જગદગુરુ મહેન્દ્રાનંદગીરી મહારાજ અને વિવિધ અખાડાઓના મહામંડલેશ્વરોની આગેવાનીમાં નાગા સાધુઓની ભવ્ય રવેડીનો પ્રારંભ થયો હતો.રવેડીમાં નીકળેલા નાગા સાધુઓએ અંગ કસરતના દાવો અને તલવારબાજી તેમજ લાઠીદાવના કરતબો બતાવી શ્રદ્ધાળુઓને મંત્રમુગ્ધ કર્યા હતા.

શંખનાદ, ડમરુ અને ભજનની રમઝટ સાથે નીકળેલી આ રવેડી ભવનાથના મુખ્ય માર્ગો પર ફરી હતી. રવેડીમાં નાગા સાધુઓની સાથે વિદેશી ઝૂમી ઉઠ્યા હતા.
ભારતી આશ્રમના મહંત અને મહામંડલેશ્વર હરિહરાનંદભારતી બાપુનો શાહી રવેડીમાં રથ પણ નીકળ્યો હતો.
મૃગીકુંડનું રહસ્ય અને શાહી સ્નાન
રવેડી ભ્રમણ બાદ મધ્યરાત્રિના ટકોરે તમામ સાધુ-સંતો પવિત્ર મૃગીકુંડમાં શાહી સ્નાન કરશે. મૃગીકુંડ વિશે વર્ષો જૂની પૌરાણિક માન્યતા છે કે-આ કુંડમાં સ્નાન કરવા માટે સ્વયં ભગવાન ભોળાનાથ અદ્રશ્ય સ્વરૂપે પધારે છે. માન્યતા એવી પણ છે કે સ્નાન દરમિયાન અમુક સિદ્ધ સાધુઓ કુંડમાં ડૂબકી મારે છે પરંતુ બહાર આવતા દેખાતા નથી, જેઓ સીધા જ ગિરનારની ગુફાઓમાં અદ્રશ્ય થઈ જતા હોય છે.
આ શાહી સ્નાન બાદ ભગવાન ભવનાથની મહાપૂજા અને મહાઆરતી કરવામાં આવશે, જેની સાથે જ પાંચ દિવસીય મેળાની વિધિવત પૂર્ણાહુતિ જાહેર થશે.

સેલિબ્રિટીઝ અને સોશિયલ મીડિયાનો ક્રેઝ
આ વર્ષે મેળામાં માત્ર શ્રદ્ધાળુઓ જ નહીં, પરંતુ સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર પણ આકર્ષાયા છે. જાણીતા ઈન્ફ્લુએન્સર કીર્તિ પટેલ પણ આજે રવેડીના દર્શન માટે ભવનાથ પહોંચ્યા હતા, જેને જોવા માટે યુવાવર્ગમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત
મેળાના અંતિમ દિવસે લાખોની મેદનીને જોતા જૂનાગઢ પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સીસીટીવી કેમેરા અને ડ્રોન દ્વારા સમગ્ર રવેડી રૂટનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને.
