Mahisagar News: મહીસાગર જિલ્લામાં સંતરામપુરમાં આવેલા બેંક ઓફ બરોડાની શાખામાં 3.55 કરોડના લોન કૌભાંડમાં બેંક મેનેજરની ધરપકડ કરવામાં આવી છે. મહીસાગર પોલીસની તપાસ દરમિયાન ખુલાસો થયો છે કે ખોટા દસ્તાવેજો રજૂ કરીને 35 જેટલા લોકો દ્વારા આ મોટી લોન મેળવી કોભાંડ કરવામાં આવ્યું હતું. પોલીસે માર્ચ 2024માં આ મામલે ફરિયાદ નોંધાવી અને તપાસ શરૂ કરી હતી.
પોલીસ તપાસ દરમિયાન બેંક મેનેજર ભૂપેશ પુરોહિતની સંડોવણી સામે આવી હતી. તેના દ્વારા ડુપ્લીકેટ ડોક્યુમેન્ટ તૈયાર કરીને લોન લેનાર લોકો પાસેથી 12 ટકા કમિશન સ્વીકારી આશરે 38 લાખ રૂપિયા મેળવવામાં આવ્યા હતા. આ કૌભાંડના ખુલાસા બાદ મહીસાગર પોલીસ દ્વારા તત્કાલીન બેંક મેનેજર ભૂપેશ પુરોહિતને ધરપકડ કરવામાં આવી છે.
મહીસાગર જિલ્લા DYSP કમલેશ વસાવાએ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું કે, ખોટી ઓળખ અને ખોટા પુરાવા રજૂ કરી લોન લેવા સહિત 35 લોકોના સંકલિત કૌભાંડના મામલે તપાસ ચાલુ છે. તેઓએ જણાવ્યું કે આ કૌભાંડના તમામ પાસાની ઝીણવટપૂર્ણ તપાસ થશે અને જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
આ બનાવે લોકોમાં હલચલ મચાવી છે કારણ કે બેંક મેનેજર ભૂપેશ પુરોહિતએ પોલીસ સ્ટેશનમાં આવતી વખતે શક્તિ પ્રદર્શિત કરવાની કોશિશ પણ કરી. મીડિયા સમક્ષ તેણે અલગ અલગ વલણ પ્રદર્શિત કરી, પોલીસ તથા નાગરિકોને આચાર્યચકિત કર્યા. છતાં, મહીસાગર પોલીસે નિયમ મુજબના પગલાં લઈને ભૂપેશ પુરોહિતની ધરપકડ કરીને મેડિકલ ચકાસણી બાદ કોર્ટમાં રજુ કરી પોલીસે રિમાન્ડ મેળવ્યા હતા
આરોપીના પોલીસ રિમાન્ડ દરમિયાન લોન કૌભાંડની સંપૂર્ણ રચના અને અન્ય સંડોવાયેલા લોકોની ઓળખ કરવા માટે આગળ વધશે. આ તપાસ અંતે કૌભાંડમાં જોડાયેલા તમામ લોકો સામે કાયદેસર કાર્યવાહી કરાશે.
