Mahisagar News: મહિસાગર જિલ્લામાં તાજેતરમાં પડેલા કમોસમી વરસાદ (માવઠા)ને કારણે ખેડૂતોના પાકને થયેલા વ્યાપક નુકસાનની આકારણી માટે ખેતીવાડી વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. જિલ્લા વહીવટી તંત્ર અને ખેતીવાડી વિભાગની ટીમો અસરગ્રસ્ત ગામોમાં ફરીને પાકને થયેલા નુકસાનનો તાગ મેળવી રહી છે. ખેતીવાડી અધિકારીએ જણાવ્યું છેકે, ટૂંક સમયમાં રિપોર્ટ સરકારમાં રજૂ થશે.
આ અંગે માહિતી આપતા જિલ્લા ખેતીવાડી અધિકારી જગદીશ પટેલે જણાવ્યું હતું કે, મહિસાગર જિલ્લામાં ડાંગરનો વિસ્તાર વધુ હોવાથી, ડાંગરના ખેડૂતોની પરિસ્થિતિ ધ્યાનમાં લઈને પ્રાથમિકતાના ધોરણે સર્વે હાથ ધરાયો છે. જિલ્લા કક્ષાએથી કુલ 383 જેટલી ટીમોની રચના કરવામાં આવી છે. આ ટીમો દરેક અસરગ્રસ્ત ગામોમાં જઈને ખરેખર નુકસાન પામેલા દરેક ખેડૂતની માહિતી એકત્રિત કરી રહી છે, જેથી કોઈ પણ અસરગ્રસ્ત બાકી ન રહી જાય.
તેમણે ઉમેર્યું હતું કે, મોટાભાગના ગામોમાં સર્વે પૂર્ણ થઈ ગયો છે અને અત્યાર સુધીમાં 80% થી 85% જેટલો સર્વે પૂર્ણ થયેલ છે, જ્યારે બાકીની કામગીરી આજે પૂર્ણ કરી દેવામાં આવશે. ટૂંક સમયમાં આ સંપૂર્ણ સર્વે રિપોર્ટ રાજ્ય સરકારમાં રજૂ કરવામાં આવશે, જેના આધારે અસરગ્રસ્ત ખેડૂતોને નિયમોનુસાર સહાય ચૂકવવાની કાર્યવાહી ઝડપથી શરૂ થઈ શકશે.
જિલ્લા ખેતીવાડી અધિકારીએ બામરોડા ગામની મુલાકાત લીધી
મહિસાગર જિલ્લામાં કમોસમી વરસાદના કારણે ખેતીના પાકોને થયેલા નુકસાનની આકારણી માટે ખેતીવાડી વિભાગ દ્વારા સર્વેની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. આ કામગીરીની પ્રગતિનું નિરીક્ષણ કરવા માટે અને અસરગ્રસ્ત ખેડૂતોની સ્થિતિ રૂબરૂ જાણવા માટે આજ રોજ જિલ્લા ખેતીવાડી અધિકારી જગદીશ પટેલ દ્વારા ખાનપુર તાલુકાના બામરોડા ગામની મુલાકાત લેવામાં આવી હતી. અધિકારીએ ખેતરોમાં સર્વે ટીમ દ્વારા કરવામાં આવી રહેલી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું અને ખેડૂતો સાથે સીધો સંવાદ સાધીને પાકને થયેલા નુકસાનની વિગતો મેળવી હતી.
