Mahisagar News: ગુજરાતના સરહદી વિસ્તારોમાં જ્યાં શિક્ષણ મેળવવા માટે વિદ્યાર્થીઓને માઈલો દૂર ચાલીને જવું પડતું હતું જોકે મહીસાગર જિલ્લામાં વિદ્યાર્થીઓને ઘરેથી શાળાએ જવામાં સરળતા પડે એ માટે બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. લુણાવાડાથી નાનીરાઠ વચ્ચે આજથી બસ સેવા શરૂ કરવામાં આવી છે. લુણાવાડા બસ સ્ટેશન ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલ અને ધારાસભ્ય કુબેરભાઈ ડીંડોર સહિતના મહાનુભાવો દ્વારા આદિજાતિ વિકાસ વિભાગની "બોર્ડર વિલેજ યોજના" હેઠળ બસ સેવાને લીલી ઝંડી આપવામાં આવી હતી.
લુણાવાડા ખાતેથી બસ સેવાનો શુભારંભ
આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા "બોર્ડર વિલેજ યોજના" અંતર્ગત સરહદી ગામોના વિદ્યાર્થીઓને તેમના ઘરેથી જ શાળા સુધી સરળતાથી અપ-ડાઉન કરી શકે તે માટે બસ સેવાનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ પહેલથી બોર્ડર વિસ્તારના વિદ્યાર્થીઓને શિક્ષણ માટે દૂરના સ્થળોએ જવાની મુશ્કેલીમાંથી રાહત મળશે અને તેમનો શૈક્ષણિક વિકાસ વધુ સરળ બનશે.

આ બસ સેવાનું ઉદ્ઘાટન લુણાવાડા બસ સ્ટેશન ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલ, ધારાસભ્ય કુબેરભાઈ ડીંડોર, અગ્રણી દશરથભાઈ સહિત ઉપસ્થિત મહાનુભાવોએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી. આદિજાતિ વિકાસ વિભાગની આ યોજના સરહદી વિસ્તારોમાં શિક્ષણને પ્રોત્સાહન આપવા અને વિદ્યાર્થીઓના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા તરફનું એક મહત્વપૂર્ણ પગલું છે.
બોર્ડર વિલેજ યોજના શું છે
ગુજરાત રાજ્યના મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્રને અડીને આવેલા સરહદી વિસ્તારોમાં આદિવાસી વસ્તીનો વિકાસ ભૌગોલિક પડકારોને કારણે ધીમો રહ્યો છે અને તેઓ મુખ્ય પ્રવાહની અર્થવ્યવસ્થા સાથે જોડાઈ શક્યા નથી. આ સમસ્યાને દૂર કરવા માટે, રાજ્યના 474 સરહદી ગામોની મુશ્કેલીઓ ઓળખવા વિશેષ સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું. જેના પરિણામ સ્વરૂપ, સરકારે 30 એપ્રિલ, 2010ના ઠરાવથી આ સરહદી ગામોમાં મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવાની યોજના શરૂ કરી છે.
આ યોજના હેઠળ આવાસ નિર્માણ માટે સહાય, ઘરેલું વીજળીકરણ, આંતરિક અને મુખ્ય રસ્તાઓનું નિર્માણ, સુરક્ષિત પીવાના પાણીની સુવિધા, ગુણવત્તાયુક્ત શિક્ષણ પર ભાર, આજીવિકા યોજનાઓ દ્વારા આર્થિક ઉત્થાન અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો સહિતની આરોગ્ય માળખાકીય સુવિધાઓ પૂરી પાડીને આ વિસ્તારોના સર્વાંગી વિકાસને વેગ અપાશે.
