Mahisagar: દિવાળી પહેલા જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું હતુ. નવા મંત્રીમંડળમાં જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયાને ચોક્કસ સ્થાન મળશે તેમ લાગતું હતુ, પરંતુ તેમને મંત્રીમંડળમાંથી બાકાત રખાયા હતા. નવા મંત્રીઓની શપથ વિધિ સમારોહમાં ઉપસ્થિત રહેલા જયેશ રાદડિયાએ પોતાને કોઈ નારાજગી ના હોવાનું જણાવ્યું હતુ. જે બાદ હવે તેમણે જાહેર મંચ પરથી પોતાની વ્યથા ઠાલવી હતી.
ગઈકાલે જ મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે પાટીદાર સમાજનો સ્નેહમિલન સમારોહ યોજાઈ ગયો. જેમાં ઉપસ્થિત રહેલા જયેશ રાદડિયાએ આડકતરી રીતે સંદેશો આપતા જણાવ્યું હતું કે, જ્યારે તમારો વિરોધ થાય, તો માનવાનું કે તમે પ્રગતિના પંથે છો.
મંત્રીમંડળના વિસ્તરણ બાદ પ્રથમ વખત જાહેર મંચ પરથી બોલતા જયેશ રાદડિયાએ પાટીદાર સમાજના આગેવાનોને સલાહ આપી હતી કે, સમાજમાં આગળ વધી રહેલા નેતાના ટાંટિયા ના ખેંચશો, પરંતુ તેનો હાથ પકડીને આગળ વધારો. પાટીદાર સમાજને વર્ષો બાદ પણ બીજા સરદાર પટેલ નથી મળ્યા. આ આપણા સમાજની સૌથી મોટી કમનસીબી છે.
આજે સમાજનો આગેવાન મોટો થાય, એટલે વિરોધીઓ તેને પાડવા પ્રયાસો કરે છે. આ વૃતિ સમાજ માટે સારી નથી. જો તમે જરૂરિયાતમંદના ટાંટિયા ખેંચશો, તો સમાજ આગળ નહીં વધે, પરંતુ અહીં ઊંધુ થઈ રહ્યું છે અને ઉપર આવતા વ્યક્તિના પગ ખેંચવા લાગે છે. આજે પણ સમાજને સંગઠિત થવાની હાંકલ કરવી પડે, તો તે સમાજ માટે દુખની વાત છે.
અગાઉ શપથ વિધિ વખતે જયેશ રાદડિયાએ જણાવ્યું હતું કે, હું જ્યારે 30 વર્ષનો હતો, ત્યારે મને આજ ભાજપ સરકારે મંત્રી તરીકેની જવાબદારી સોંપી જ હતી. ભાજપ દ્વારા જે-તે સમયે મને જે જવાબદારી સોંપવામાં આવી હતી, તેને મેં બખુબીથી નિભાવી જ છે. આથી હવે ભાજપ મને જે કામ સોંપે, તે પાર્ટીના કાર્યકર્તા તરીકે નિભાવવાની મારી જવાબદારી છે. મારા માટે પાર્ટી હાઈકમાન્ડનો નિર્ણય શિરોમાન્ય છે.
