Mahisagar: મહીસાગર જિલ્લામાં આવેલ રાજ્યના ત્રીજા સૌથી મોટા કડાણા ડેમમાંથી આજે સવારે પાણી છોડવાનો નિર્ણય લેવાયો હતો. છેલ્લા ચાર દિવસથી જિલ્લામાં વરસી રહેલા કમોસમી વરસાદના કારણે ડેમમાં નોંધપાત્ર આવક થતાં સલામતીના હેતુસર ડેમના બે મુખ્ય દરવાજા બે ફૂટ સુધી ખોલી દેવામાં આવ્યા છે.
આ પગલાથી મહીસાગર નદીમાં આશરે 6,700 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે નદીના પટમાં લાંબા સમય બાદ નવા નીર વહેતા જોવા મળી રહ્યા છે.
શિયાળાની ઋતુમાં સામાન્ય રીતે ડેમના દરવાજા ખોલવાની જરૂર પડતી નથી, પરંતુ આ વખતે અણધાર્યા વરસાદના કારણે પાણીનું સ્તર ઝડપથી વધી ગયું હતું. કડાણા ડેમનું કુલ જળસ્તર 419 ફૂટ છે અને હાલનું લેવલ પણ એ જ સપાટીએ પહોંચી જતા રૂલ લેવલ જાળવવા માટે પાણી છોડવાનો નિર્ણય લેવાયો છે.
અધિકારીઓના જણાવ્યા મુજબ, હાલ ડેમમાં પાણીની આવક અને જાવક બંને 6,700 ક્યુસેકની આસપાસ છે, જેના કારણે સ્થિતિ નિયંત્રણમાં છે. જોકે, ડેમ વિસ્તાર તથા નીચાણવાળા વિસ્તારોમાં તંત્રે સતર્કતા દાખવી છે અને નદીકાંઠે રહેતા લોકો માટે ચેતવણી આપવામાં આવી છે.
અણધાર્યા વરસાદને કારણે મહીસાગર જિલ્લામાં ખેતીને લાભ થવાની શક્યતા છે, પરંતુ નદીકાંઠે આવેલા ગામોમાં સાવચેતી રાખવાની તાકીદ કરવામાં આવી છે. આ ઘટના શિયાળાની શરૂઆતમાં બનેલી એક અસામાન્ય પરિસ્થિતિ તરીકે નોંધાઈ રહી છે, કારણ કે સામાન્ય રીતે આ ઋતુ દરમિયાન ડેમના દરવાજા બંધ રહેતા હોય છે. કડાણા ડેમમાંથી છોડાયેલ પાણીથી મહીસાગર નદી ફરી સજીવન બની છે, જે દૃશ્ય જોવા લોકો મોટી સંખ્યામાં ડેમ અને નદીકાંઠે પહોંચ્યા હતા.
