Mahisagar Police: મહીસાગર જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી થઈ રહેલા સાર્વત્રિક અને ભારે વરસાદને પગલે સમગ્ર વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. વરસાદી પાણી ભરાવાને કારણે માર્ગો જળમગ્ન બનતા નાગરિકો અને વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મૂકાયા છે. આવી વિકટ પરિસ્થિતિ વચ્ચે નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા મહીસાગર જિલ્લા પોલીસ તંત્ર સંપૂર્ણપણે એલર્ટ મોડમાં આવી ગયું છે અને જિલ્લા પોલીસ અધિક્ષક સફીન હસને પોતે મેદાનમાં ઉતરીને મોરચો સંભાળ્યો છે.

SP સફીન હસને પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી
જિલ્લા પોલીસ વડા સફીન હસને કોઠંબા વિસ્તારના પૂર અસરગ્રસ્ત અને ભારે પાણી ભરાયેલા વિસ્તારોની રૂબરૂ મુલાકાત લીધી હતી. તેમણે સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્રના અધિકારીઓ સાથે સ્થળ પર સ્થિતિની સમીક્ષા કરી હતી. મુશ્કેલ સમયમાં નાગરિકોની સલામતી જળવાઈ રહે તે માટે તેમણે તમામ જરૂરી તકેદારીના પગલાં ભરવા અધિકારીઓને સ્પષ્ટ સૂચનાઓ આપી હતી.

વરસાદી આફત વચ્ચે પોલીસની માનવતાભરી કામગીરી
આ વરસાદી આફત વચ્ચે પોલીસ જવાનોની માનવતાવાદી કામગીરી વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની હતી. રસ્તાઓ પર પાણી ભરાઈ જવાના કારણે અનેક નાગરિકોના વાહનો અધવચ્ચે બંધ પડી ગયા હતા અને ફસાઈ ગયા હતા. આ સમયે મહીસાગર પોલીસના અધિકારીઓ અને જવાનોએ પોતાની પરવા કર્યા વિના પોતે સ્થળ પર હાજર રહીને મદદનો હાથ લંબાવ્યો હતો. ખાબકેલા પાણી વચ્ચે ઉતરીને પોલીસ જવાનોએ ફસાયેલા વાહનોને ધક્કા મારીને સુરક્ષિત બહાર કાઢ્યા હતા.

પોલીસ વિભાગે નાગરિકોને અપીલ કરી
પોલીસ જવાનોની આ સરાહનીય કામગીરીને કારણે પાણીમાં અટવાયેલા વાહનચાલકો અને સ્થાનિકો મુશ્કેલીમાંથી મુક્ત બન્યા હતા અને તેમણે રાહતનો શ્વાસ લીધો હતો. સ્થાનિક લોકોએ પોલીસની આ ત્વરિત અને માનવતાભરી મદદની ભારે પ્રશંસા કરી હતી. પોલીસ તંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે ભારે વરસાદ દરમિયાન બિનજરૂરી પ્રવાસ ટાળવો અને કટોકટીના સમયે તુરંત જ પોલીસ કંટ્રોલ રૂમનો સંપર્ક કરવો.
