VIDEO: અષાઢમાં સોળે કળાએ ખીલી ઉઠ્યો મહીસાગરનો ‘સાત કુંડા ધોધ’, પ્રવાસીઓ ઉમટી પડ્યા; જુઓ આહલાદક આકાશી નજારો

ગોધર તાલુકામાં આવેલો 'સાત કુંડા ધોધ' સંપૂર્ણ ભવ્યતા સાથે ખીલી ઉઠતા પ્રકૃતિપ્રેમીઓ માટે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બની ગયો છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Tue, 28 Jul 2026 03:59 PM (IST)Updated: Tue, 28 Jul 2026 03:59 PM (IST)
mahisagar-satkunda-waterfall-drone-video-monsoon-2026-gujarat-tourism
Mahisagar Satkunda Waterfall

Mahisagar Satkunda Waterfall Drone Video: અષાઢ મહિનાના આગમન અને છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા સતત વરસાદને કારણે મહીસાગર જિલ્લાનું વાતાવરણ ખીલી ઉઠ્યું છે. સમગ્ર ડુંગરાળ વિસ્તાર લીલીછમ હરિયાળીથી છવાઈ ગયો છે. ગોધર તાલુકામાં આવેલો પ્રખ્યાત 'સાત કુંડા ધોધ' સંપૂર્ણ ભવ્યતા સાથે ખીલી ઉઠતા પ્રકૃતિપ્રેમીઓ માટે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બની ગયો છે.

ડ્રોન કેમેરામાં કેદ થયા ધોધના અદભુત દ્રશ્યો

તાજેતરમાં ડ્રોન કેમેરાથી કેદ થયેલા આકાશી દ્રશ્યોમાં સાત કુંડા ધોધની કુદરતી રચના અને રૌદ્ર તેમજ રમણીય સ્વરૂપ સ્પષ્ટપણે જોવા મળ્યું છે. ઊંચા પહાડોની ગોદમાંથી ધસમસતું નિર્મળ પાણી એક પછી એક એમ સાત કુદરતી કુંડમાં સમાઈને ખળખળ વહેતું નીચે ઉતરે છે. ચારેય તરફ ફેલાયેલા લીલાછમ ડુંગરો અને પહાડો પરથી પડતી દૂધ જેવી સફેદ જળધારા સમગ્ર સ્થળને સ્વર્ગ સમાન સુંદરતા બક્ષી રહ્યા છે. આ વીડિયો જોઈને એવી આહલાદક અનુભૂતિ થાય છે કે જાણે કુદરતે પોતાના હાથે કોઈ જીવંત ચિત્ર કોતર્યું હોય.

'ઈકો-ટુરિઝમ સાઈટ' પર સહેલાણી ઉમટ્યા

વન વિભાગ અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા આ સુંદર જગ્યાને 'સાત કુંડા ઈકો-ટુરિઝમ અને ટ્રેકિંગ સાઈટ' તરીકે વિકસાવી છે. હાલ આ સ્થળ પ્રવાસીઓ માટે મુલાકાતનું મુખ્ય કેન્દ્ર બની ગયું છે. ચોમાસાનો ઠંડો પવન, ધોધનો ગર્જનાભર્યો અવાજ અને ચારેકોર પથરાયેલી હરિયાળી મુલાકાતીઓને કુદરતની એકદમ નજીક હોવાનો અનોખો અહેસાસ કરાવે છે. સાત કુંડા ધોધના ડ્રોનથી લેવાયેલા આકાશી વીડિયો લોકોનું વિશેષ ધ્યાન ખેંચી રહ્યા હોવાથી અહીં સહેલાણીઓ ઉમટી રહ્યા છે.

SP સફીન હસને પણ લીધી ધોધની મુલાકાત

ચોમાસાની આ રમણીયતા અને સાત કુંડા ધોધના આકર્ષણ વચ્ચે તાજેતરમાં જિલ્લા પોલીસ અધિક્ષક (SP) સફીન હસન અને તેમના પોલીસ સ્ટાફે પણ આ સ્થળની મુલાકાત લીધી હતી અને પ્રકૃતિના આ અદ્ભુત સૌંદર્યને મન ભરીને નિહાળ્યું હતું.