UpdatedIST

Mehsana: ઊંઝાના ગોડાઉનમાં રૂ. 3 કરોડના જીરાની ફિલ્મી સ્ટાઈલમાં ચોરીનો ભેદ ઉકેલાયો, હાઈકોર્ટના વકીલ સહિત 5 તસ્કરોની ગેંગ ઝબ્બે

12 ડિસેમ્બરથી 2 જાન્યુઆરી દરમિયાન મોડી રાતે ગોડાઉનના તાળા ડુપ્લિકેટ ચાવીની મદદથી ખોલીને ટ્રકના 8 થી 10 ફેરામાં કરોડોની કિંમતનું જીરું સગેવગે કરી નાંખ્યું હતુ.

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Sun 08 Feb 2026 04:29 PM (IST)Updated: Sun 08 Feb 2026 04:29 PM (IST)
mehsana-crime-news-police-bust-gang-behind-multi-crore-jeera-theft-using-duplicate-keys-688208
HIGHLIGHTS
  • દિલ્હીના ડુપ્લિકેટ ચાવી બનાવતા એક્સપર્ટે ગોડાઉનની ચાવીઓ બનાવી હતી

Mehsana: ઊંઝા સ્થિત ખોડિયાર એસ્ટેટના ગોડાઉનમાં રૂ. 3 કરોડની કિંમતમા જીરાની દિલધડક ચોરીના ગુનાનો ભેદ ઉકેલવામાં આખરે પોલીસને સફળતા મળી ગઈ છે. આ મામલે પોલીસે હાઈકોર્ટના વકીલ સહિત 5 તસ્કરોની ગેંગને ઝડપી પાડીને રૂ. 58.15 લાખની કિંમતનો મુદ્દામાલ રીકવર કર્યો છે.

રાતના અંધારામાં જીરાની બોરીઓ ટ્રકમાં નાંખીને સગેવગે કરી હતી
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ઊંઝા ગંજ બજારના વેપારી રિતેશ શેઠ અને અરવિંદકુમાર શેઠ ઉનાવા હાઈવે પર ખોડિયાર એસ્ટેટેમાં ગોડાઉન ધરાવે છે. ગત 12 ડિસેમ્બરથી 2 જાન્યુઆરી દરમિયાન અજાણ્યા ઈસમોએ મોડી રાતે ગોડાઉનના તાળા ખોલીને રૂ. 3 કરોડથી વધુ કિંમતની જીરાની બોરીઓ ટ્રક મારફતે સગેવગે કરી દેવામાં આવી હતી.

આ મામલે ગત 4 જાન્યુઆરીએ ઉનાવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. જેના આધારે પોલીસ ટેક્નિકલ સર્વેલન્સ અને હોટલના CCTV ફૂટેજના આધારે શંકાસ્પદ ટ્રક ડ્રાઈવર જુમ્મા ખાનની પૂછપરછ કરતાં મોટો ઘટસ્ફોટ થયો છે.

દિલ્હીના ઈસમે ડુપ્લિકેટ ચાવીથી તાળું ખોલી, ગોડાઉનમાંથી જીરાની ચોરી કરી
કરોડોની કિંમતના જીરાની ચોરીમાં હાઈકોર્ટના વકીલ, ડુપ્લિકેટ ચાવી બનાવવાનું કામ કરતાં દિલ્હીના એક્સપર્ટ સહિતની આખી ગેંગ હોવાનું સામે આવ્યું છે. જેમાં દિલ્હીમાં રહેતો અને ચાવી બનાવવામાં એક્સપર્ટે ઈમરાન જમીલે હાઈકોર્ટના વકીલ ઈકરામ મેમણ, દુષ્કર્મના ગુનામાં સંડોવાયેલ સાદિક મેમણ, ગૌરવ પટેલ સહિતના લોકોના નામ ખુલ્યા છે.

જે પૈકી ઈમરાન જમીલે ગોડાઉનના તાળા જોઈને ડુપ્લિકેટ ચાવીઓ બનાવી હતી. જે બાદ સ્થાનિક મદદ માટે ગૌરવ પટેલને પોતાની ગેંગમાં સામેલ કર્યો હતો. ગત 12 ડિસેમ્બરથી આ ગેંગે 2 જાન્યુઆરી સુધીમાં રાતના સમયે ગોડાઉનના તાળા ડુપ્લિકેટ ચાવીથી ખોલીને 8 થી 10 ફેરા ફરીને કરોડોની કિંમતનું જીરૂં સાફ કર્યું હતુ.