Mehsana: મહેસાણા જિલ્લાના ખેરાલુ ગ્રામ્યમાં 'લવ જેહાદ'નો એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. જેમાં યુવતીના પરિવારજનોએ હિન્દુ નામ ધારણ કરીને પોતાની દીકરીને ફસાવનારા વિધર્મી યુવકને ગેસ્ટ હાઉસમાંથી રંગેહાથ ઝડપી ઢોરમાર મારી અધમુઓ કરી નાંખ્યો હતો.
આ મામલે યુવતીએ વિધર્મી યુવક વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે, તો બીજી તરફ યુવકના ભાઈએ યુવતીના પરિવારજનો વિરુદ્ધ મારામારીની ફરિયાદ નોંધાવી છે.
મોહમ્મદ જાવેદે રાહુલ પટેલ નામ ધારણ કરીને યુવતીને ફસાવી
ખેરાલુમાં રહેતા મોહમ્મદ જાવેદ સીધીએ પોતાની ઓળખ છુપાવી રાહુલ પટેલનું હિન્દુ નામ ધારણ કરીને ગ્રામ્ય પંથકની એક યુવતીને ફસાવી હતી. આ દરમિયાન આરોપીએ પોતાના મોબાઈલમાં યુવતીના કેટલાક ફોટા પાડી લીધા હતા.
જે બાદ આરોપીએ પોત પ્રકાશ્યું હતુ અને પોતાની સાચી ઓળખ છતી કરીને યુવતીને તેના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરીને બદનામ કરવાની ધમકી આપીને બ્લેકમેઈલ કરવાનું શરૂ કર્યું હતુ.
યુવતીએ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ, તે ગઈકાલે અભ્યાસ અર્થે ખેરાલું આવી હતી. આ સમયે આરોપી યુવક તેને ફોસલાવીને GIDC વિસ્તારમાં આવેલ ગેસ્ટ હાઉસમાં લઈ ગયો હતો. જ્યાં તેની મરજી વિરુદ્ધ આરોપીએ શરીર સબંધ બાંધ્યા હતા.
આ અંગેની જાણ થઈ જતાં યુવતીના પરિવારજનો ગ્રામજનો સાથે ગેસ્ટ હાઉસ પહોંચ્યા હતા. જ્યાં બન્નેને રંગેહાથ પકડ્યા હતા. જે બાદ રોષે ભરાયેલા ટોળાએ આરોપી યુવકને ત્યાં જ બેરહેમીથી ફટકાર્યો હતો. આ મામલે પીડિત યુવતીની ફરિયાદના આધારે ખેરાલુ પોલીસે આરોપી વિરુદ્ધ BNSની કલમ 64(1) અને 351(2) મુજબ ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અજાણ્યા લોકો જાવેદને મારી રહ્યા છે, તું જલ્દી આવ
સામા પક્ષે આરોપીના ભાઈ મોહમ્મદ યાસીને પોતાની ફરિયાદમાં જણાવ્યું કે, મારા મિત્રનો ફોન આવ્યો હતો. જેણે ડેરી પાસે કેટલાક લોકો જાવેદને મારી રહ્યા છે, તો તું જલ્દી આવ કહ્યું હતુ. જેથી તે તાત્કાલિક દોડ્યો હતો. જ્યાં જોયું તો તેના પિતા મળી આવ્યા હતા. જેમણે જણાવ્યું કે, કેટલાક લોકો જાવેદને મારતા-મારતા રિક્ષામાં બેસાડીને લઈ ગયા છે. મેં બચાવવાનો પ્રયાસ કર્યો, તો મને પણ ગડદા પાટુનો માર માર્યો.
થોડીવાર બાદ અજાણ્યા નંબર પરથી મોહમ્મદ યાસીનના પિતાના મોબાઈલમાં ફોન આવ્યો હતો અને તમારો પુત્ર મંદિર પાછળ પડ્યો હોવાનું જણાવ્યું હતુ. આથી પિતા-પુત્ર ખેરાલુ પોલીસ સાથે મંદિર પાછળ પહોંચ્યા, જ્યાં જાવેદન લોહીથી લથપથ હાલતમાં મળી આવ્યો હતો. આથી તાત્કાલિક તેને સારવાર અર્થે વડનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની હાલત ગંભીર હોવાનું માલૂમ પડ્યું છે. આ મામલે પોલીસે મોહમ્મદ યાસીનની ફરિયાદના આધારે અજાણ્યા હુમલાખોર વિરુદ્ધ મારામારીની ફરિયાદ નોંધીને તેમની ધરપકડ માટે તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે.
