Mehsana News: મહેસાણા-અમદાવાદ હાઈવે પર આજે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં વહેલી સવારે ચાંદરડા પાટીયા નજીક પુરપાટ પસાર થતી ઈકો કાર પલટી મારી જતાં ડ્રાઈવરનું મોત નીપજ્યું છે, જ્યારે કારમાં સવાર અન્ય 5 લોકો ઈજાગ્રસ્ત થતાં તમામને સારવાર અર્થે મહેસાણા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
અંકલેશ્વરથી 5 મિત્રો ઈકો કાર લઈને રાજસ્થાનના રણુંજા દર્શનક રવા ગયા હતા
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં રહેતા ચિરાગ વસાવા 31 જુલાઈના રોજ પોતાની ઈકો કારમાં 5 મિત્રોની સાથે રણુંજા દર્શન કરવા ગયા હતા. જ્યાં દર્શન કર્યાં બાદ 1 ઓગસ્ટ એટલે કે ગઈકાલે સાંજે તેઓ કાર લઈને અંકલેશ્વર ઘરે પરત ફરી રહ્યા હતા.
આજે સવારે તેમની કાર મહેસાણા-અમદાવાદ હાઈવે પર આવેલ ચાંદરડા પાટીયા નજીકના પેટ્રોલ પંપ સામેથી પસાર થઈ રહી હતી. આ સમયે ગાડીના ડ્રાઈવર ભાવેશ ચૌધરીએ સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. જેથી બેકાબુ બનેલી ઈકો કાર ધડાકાભેર રોડ પર ગુલાટ ખાઈ ગઈ હતી.
આ અકસ્માતના પગલે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. તેમજ અકસ્માતની જાણ થતાં ઘટના સ્થળે આવેલ 108ની એમ્બ્યુલન્સમાં તમામ કારમાં સવાર તમામ લોકોને લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે મહેસાણા સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ કારના ડ્રાઈવર ભાવેશકુમારને મૃત જાહેર કર્યાં હતા.
જ્યારે ચિરાગ વસાવા, ભાવેશ વાસાવા, કિરીટ વસાવા, સંજીતકુમાર રામ અને અરબાઝ પઠાણને ઈજા થતાં તેમની હાલ સિવિલમાં સારવાર ચાલી રહી છે. આ મામલે કારના માલિક ચિરાગ વસાવાની ફરિયાદના આધારે નંદાસણ પોલીસે મૃતક ડ્રાઈવર વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
