Morbi: મોરબી સિરામિક ઉદ્યોગની પડખે આવ્યું GGL, વૈશ્વિક ઊર્જા કટોકટી વચ્ચે પણ ગેસ સપ્લાય યથાવત; 142 એકમો ફરી ધમધમ્યા

GGL અને રાજ્ય સરકારે ઉદ્યોગોને ગેસ સપ્લાય સુનિશ્ચિત કર્યો છે.

By: Purvalak DabhiEdited By: Purvalak Dabhi Publish Date: Wed 15 Apr 2026 03:28 PM (IST)Updated: Wed 15 Apr 2026 03:40 PM (IST)
ggl-gas-supply-to-morbi-ceramic-industry-amid-global-energy-crisis-728450
HIGHLIGHTS
  • મોરબીના સિરામિક ઉદ્યોગ માટે ખુશખબર
  • ઊર્જા કટોકટી વચ્ચે ગેસ સપ્લાય યથાવત

Morbi Ceramic Industry: વૈશ્વિક ઊર્જા કટોકટી વચ્ચે મોરબીના વિશ્વવિખ્યાત સિરામિક ઉદ્યોગ માટે એક રાહતના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત ગેસ લિમિટેડ (GGL) અને રાજ્ય સરકાર દ્વારા મોરબીના સિરામિક એકમોને ઈંધણની અવિરત જરૂરિયાત પૂરી પાડવા માટે કટિબદ્ધતા દર્શાવવામાં આવી છે. GGL મોરબીમાં પાઈપ્ડ નેચરલ ગેસ (PNG) ના અધિકૃત સપ્લાયર તરીકે કાર્યરત છે, અને તેણે ઉદ્યોગો માટે અત્યાધુનિક વિતરણ નેટવર્ક ઊભું કર્યું છે.

કટોકટી પૂર્વેની સ્થિતિ અને પ્રોપેન પર નિર્ભરતા

GGL દ્વારા જાહેર કરેલા આંકડાઓ અનુસાર, ફેબ્રુઆરી-2026માં કટોકટી શરૂ થઈ તે પહેલાં મોરબીમાં 377 ગ્રાહકો GGL ના પાઈપ્ડ નેચરલ ગેસનો ઉપયોગ કરતા હતા. જ્યારે તેની સામે લગભગ 415 જેટલા ગ્રાહકો IOCL, BPCL અને HPCL જેવી કંપનીઓ દ્વારા અપાતા પ્રોપેન ગેસ પર નિર્ભર હતા.

આ ઉદ્યોગો દૈનિક અંદાજે 5.6 MMSCMD (નેચરલ ગેસ સમકક્ષ) ઈંધણનો વપરાશ કરતા હતા. જેનો અર્થ એ થાય કે તેઓ કુલ જરૂરિયાતનો આશરે 70 ટકા હિસ્સો પ્રોપેન દ્વારા પૂરો થતો હતો.

યુએસ-ઈરાન યુદ્ધની અસર અને ઉદ્યોગો પર સંકટ

માર્ચ-2026 ની શરૂઆતમાં US-ઈરાન યુદ્ધના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે LNG ના પુરવઠામાં મોટો વિક્ષેપ પડ્યો હતો. ભારત સરકારની માર્ગદર્શિકા મુજબ, GGL દ્વારા ગેસ સપ્લાય ઘટાડીને પાછલા છ મહિનાના સરેરાશ વપરાશના 80 ટકા જેટલો જ સીમિત કરવો પડ્યો હતો.

બીજી તરફ, વૈશ્વિક કટોકટી, પ્રોપેન પરના નિયંત્રણો, ઉત્પાદન ખર્ચમાં વધારો અને ફ્રેટ દરો આસમાને પહોંચતા સિરામિક ઉત્પાદકોની મુશ્કેલીઓ વધી ગઈ હતી. જેના પરિણામે માર્ચ મહિનાના મધ્ય ભાગથી અનેક સિરામિક એકમોએ સ્વેચ્છાએ પોતાના પ્લાન્ટ બંધ કરવાની નોબત આવી હતી.

GGL માસ્ટર સ્ટ્રેટેજી: અન્ય દેશોમાંથી ગેસની ખરીદી

આ કપરા સમયમાં ઉદ્યોગોને ટેકો આપવા માટે પ્રોપેનના વિકલ્પ તરીકે કુદરતી ગેસ પૂરો પાડવા અંગે GGL દ્વારા સિરામિક ઉત્પાદકો સાથે સઘન ચર્ચાઓ કરવામાં આવી હતી. એપ્રિલ 2026માં GGL દ્વારા સરકારી ધોરણો મુજબ ગેસ વિતરણ ચાલુ રાખ્યું અને મધ્ય-પૂર્વ સિવાયના અન્ય આંતરરાષ્ટ્રીય બજારોમાંથી તત્કાલીન ભાવે ગેસનો પૂરતો જથ્થો મેળવી ઉદ્યોગની જરૂરિયાત પૂરી કરી છે.

સકારાત્મક પરિણામ: 142 એકમો ફરી ધમધમતા થયા

આંતરરાષ્ટ્રીય બજારમાં LNG નો ભાવ 18થી 20 ડોલર પ્રતિ MMBtu જેટલો ઊંચો હોવા છતાં કંપની ઉદ્યોગોને સહયોગ આપવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. GGL અને મોરબી સિરામિક એસોસિએશનના સંયુક્ત અને સકારાત્મક પ્રયાસોના ફળસ્વરૂપે હાલમાં 142 જેટલા સિરામિક એકમો ફરીથી કાર્યરત થઈ ગયા છે. ભાવ અને પુરવઠાને લગતા પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે GGL ટીમો સતત સિરામિક એસોસિએશન સાથે સંકલન સાધી રહી છે.

GGL કંપની દ્વારા સ્પષ્ટપણે જણાવાયું છે કે, "વર્તમાન પડકારો વચ્ચે GGL મોરબીના સિરામિક ઉદ્યોગની સાથે અડગ રીતે ઊભું છે. પરસ્પર વિશ્વાસ દ્વારા આપણે આ મુશ્કેલીઓ પાર કરી ઉદ્યોગને નવી ઊંચાઈએ લઈ જઈશું."