Surat: સુરત ગ્રામ્ય જિલ્લા એલસીબી પોલીસની ટીમે પલસાણાના ગંગાધરા ગામની હદમાં નેશનલ એક્સપ્રેસ વે ઉપરથી કન્ટેનરમાં ચોખાની બોરીઓની આડમાં લઈ જવાતો 1.37 કરોડથી વધુનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
સુરત ગ્રામ્ય એલ.સી.બી. પોલીસને બાતમી મળી હતી કે, એક કન્ટેનરમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને ધુલિયાથી સોનગઢ અને બારડોલી થઈ પલસાણા એક્સપ્રેસ હાઈ-વે પરથી વડોદરા તરફ જઈ રહ્યું છે.
આ બાતમીના આધારે ગંગાધરા ગામની હદમાં મુંબઈ વડોદરા એક્સપ્રેસ વે નંબર 4 ઉપર હાઈવે રોડ ઉપર વોચ ગોઠવી કન્ટેનરને અટકાવવામાં આવ્યું હતું. તપાસ કરતા કન્ટેનરમાં ઉપરના ભાગે ચોખાની બોરીઓ ભરી હતી, જેની નીચે વિદેશી દારૂની કુલ 28,716 બાટલીઓ અત્યંત ચાલાકીપૂર્વક છુપાવેલી મળી આવી હતી.
આ કાર્યવાહીમાં પોલીસે રૂ. 1,37,58,000 ની કિંમતનો વિદેશી દારૂ, રૂ. 20,00,000 નું કન્ટેનર, રૂ.80,000 ની કિંમતની ચોખાની 100 બોરીઓ તેમજ મોબાઈલ ફોન અને રોકડ રકમ 1350 મળી કુલ રૂ.1,58,59,350 નો મુદ્દામાલ કબજે કર્યો છે.
પોલીસ દ્વારા સ્થળ પરથી બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં કન્ટેનર ચાલક સુરેન્દ્ર રામપ્રકાશ પ્રજાપત [ઉ.23] અને ક્લીનર પ્રકાશ સુખારામ ખેમાદા [ઉ.૨૮] (બંને રહે. જોધપુર, રાજસ્થાન) નો સમાવેશ થાય છે.
પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં આ દારૂનો જથ્થો મહારાષ્ટ્રથી ભરાવવામાં આવ્યો હોવાનું અને વડોદરા પહોંચાડવાનો હોવાનું ખુલ્યું છે. આ ઘટનામાં પોલીસે વિદેશી દારૂ ભરાવનાર શેઠજી અને વડોદરા ખાતે વિદેશી દારૂનો જથ્થો લેવા આવનાર અજાણ્યો ઇસમ અને કન્ટેનર માલિકને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
