Gujarat Rain Report: મોરબીમાં 8.78 ઈંચ વરસાદ ખાબક્યો, ધ્રાંગધ્રા તાલુકામાં પણ જળબંબાકાર; જાણો સાવર્ત્રિક વરસાદી આંકડા

છેલ્લા 24 કલાક દરમિયાન મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ નોંધાયો છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sun, 02 Aug 2026 08:29 AM (IST)Updated: Sun, 02 Aug 2026 08:29 AM (IST)
gujarat-rain-report-1-august-morbi-tankara-receive-highest-rainfall-monsoon-2026
Gujarat Rain Report, 1 August

Gujarat Rain Report, 1 August: ગુજરાત રાજ્યમાં ભારે વરસાદની આગાહી વચ્ચે છેલ્લા 24 કલાક દરમિયાન મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. નોંધાયેલા વરસાદના આંકડા અનુસાર ખાસ કરીને સૌરાષ્ટ્રના મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ નોંધાયો છે. મોરબી તાલુકામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે.

મોરબી જિલ્લો બન્યો વરસાદનું કેન્દ્ર

રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, 1 ઓગસ્ટ સવારે 6:00 વાગ્યાથી 2 ઓગસ્ટ સવારે 6:00 સુધી છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં સૌથી વધુ વરસાદ મોરબી તાલુકામાં 223 મીમી (આશરે 8.78 ઇંચ) નોંધાયો છે. મોરબી જિલ્લાના અન્ય તાલુકાઓની સ્થિતિ પણ સમાન રહી:

  • ટંકારા: 194 મીમી (7.64 ઈંચ)
  • હળવદ: 163 મીમી (6.42 ઈંચ)
  • માળિયા: 122 મીમી (4.8 ઈંચ)
  • વાંકાનેર: 115 મીમી (4.53 ઈંચ)

સુરેન્દ્રનગર અને નર્મદા જિલ્લામાં મેઘમહેર

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકામાં 176 મીમી (6.93 ઇંચ) વરસાદ પડ્યો છે, જેમાં સવારે 10 થી 12 વાગ્યાના માત્ર બે કલાકમાં જ 112 મીમી વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત વઢવાણમાં 157 મીમી (6.18 ઇંચ) વરસાદ નોંધાયો છે. નર્મદા જિલ્લાના તિલકવાડામાં 153 મીમી (6.02 ઇંચ), નાંદોદમાં 124 મીમી અને ગરુડેશ્વરમાં પણ 124 મીમી વરસાદ નોંધાતા નદી-નાળા છલકાયા છે.

સૌથી વધુ વરસાદ વાળા ટોપ 10 તાલુકા

જિલ્લો તાલુકો કુલ વરસાદ (મીમી) કુલ વરસાદ (ઈંચ)
મોરબી મોરબી 223 8.78
મોરબી ટંકારા 194 7.64
સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા 176 6.93
મોરબી હળવદ 163 6.42
સુરેન્દ્રનગર વઢવાણ 157 6.18
નર્મદા તિલકવાડા 153 6.02
નર્મદા નાંદોદ 124 4.88
નર્મદા ગરુડેશ્વર 124 4.88
મોરબી માળિયા 122 4.80
વલસાડ નાનાપોંઢા 116 4.57

દક્ષિણ ગુજરાતમાં પણ નોંધપાત્ર વરસાદ

દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લામાં પણ સારો વરસાદ રહ્યો છે. વલસાડના નાનાપોંઢામાં 116 મીમી અને કપરાડામાં 112 મીમી વરસાદ નોંધાયો છે. ભરૂચ શહેરમાં 107 મીમી અને ઝઘડિયામાં 106 મીમી વરસાદ પડ્યો છે. સુરતના ઉમરપાડામાં 111 મીમી અને ઓલપાડમાં 105 મીમી વરસાદ નોંધાયો છે.

કલાક દીઠ વરસાદની તીવ્રતા નોંધાઈ

આંકડાઓ પર નજર કરીએ તો, અનેક તાલુકાઓમાં ટૂંકા ગાળામાં વધુ વરસાદ પડ્યો છે. સુરેન્દ્રનગરના લખતરમાં સવારે 8 થી 10 વાગ્યા દરમિયાન 90 મીમી વરસાદ પડ્યો હતો. તેવી જ રીતે મોરબીમાં બપોરે 2 થી 4 વાગ્યા દરમિયાન 77 મીમી વરસાદ ખાબક્યો હતો.

રાજ્યના અન્ય મહત્વના શહેરો જેવા કે રાજકોટમાં 73 મીમી, ભુજમાં 66 મીમી અને અમદાવાદ શહેરમાં 10 મીમી વરસાદ નોંધાયો છે. સમગ્ર રાજ્યમાં મેઘરાજાની મહેર થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદની આગાહીના પગલે પ્રશાસન દ્વારા લોકોને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી રહી છે.