Morbi: મોરબી જિલ્લાના રંગપર ગામે આવેલી રેબન સિરામિક નામની કંપનીમાં ગેસ લિકેજ બાદ આગ ભડકી હોવાની ઘટના સામે આવી છે. જેમાં સગીર સહિત 5 શ્રમિકો ગંભીર રીતે દાઝી ગયા હોવાનું જાણવા મળ્યું છે. તમામને સારવાર અર્થે રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવ્યા છે. આ અંગે રાજકોટની સિવીલ હોસ્પીટલ પોલીસ ચોકીનાં સ્ટાફે આ ઘટના અંગે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે પાચેયનાં નીવેદન લેવા તજવીજ શરુ કરી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, મોરબી જિલ્લાના રંગપર ગામે જેતપુર રોડ પર આવેલ રેબન સિરામિક નામની કંપનીમાં ગઈકાલે સાંજના સમયે ગેસ લીકેજથી ઓરડીમાં ગેસ ફેલાઈ ગયો હતો. આજે સવારે શ્રમિકોએ ઉઠતાની સાથે જ દિવાસળી પેટાવતા મોટો ભડકો થહતો. જેમાં એક સગીર સહિત પાંચ મજૂરો ગંભીર રીતે દાઝી ગયા હતા.
પ્રાથમિક તપાસમાં દાઝી ગયેલા શ્રમિકોની ઓળખ ઈતવાડી બંગાળી (22), સૂરજ બક્સી (25), અમન બક્સી (23), વિનય બક્સી (17) અને શિવા ભરત (23) તરીકે થઈ છે. જેઓ મૂળ રાજસ્થાનના વતની છે અને છેલ્લા એકાદ વર્ષથી કંપનીની ઓરડીમાં રહી ટાઈલ્સ બનાવવાનું કામ કરી રહ્યા હતા. હાલ તો તમામ શ્રમિકોને રાજકોટ સિવિલ હોસ્પિટલના બર્ન્સ વિભાગમાં ખસેડવામાં આવ્યા છે.
દાઝેલા શ્રમિકોએ જણાવ્યું કે, અમે બધા સૂતા હતા, ત્યારે ઓરડીમાં ગેસ લીકેજ થયો હતો. જેના કારણે આખી ઓરડીમાં ગેસ પ્રસરી ગયો હતો. સવારે ઉઠીને એક શ્રમિકે દીવાસળી પેટાવતા જ ભડકો થયો હતો. જેમાં પાંચ શ્રમિકો મોંઢા અને શરીરના ભાગે ગંભીર રીતે દાઝી ગયા છે.
