Morbi: મોરબી શહેરના લક્ષ્મીપુર રોડ પર સિરામિક ફેક્ટરીના લેબર ક્વાર્ટરમાં લીવ ઇન રિલેશનશીપમાં રહેતા યુવક અને યુવતી વચ્ચે ઉગ્ર ઝઘડ થયો બાદ યુવકે ઢોર માર મારતા યુવતીનું મોત નીપજ્યું હતુ. આ કેસમાં યુવકની ધરપકડ કરવામાં આવી હતી, જ્યાં એ-ડિવિઝન પોલીસની કસ્ટડીમાં તેનું હાર્ટએટેકથી મોત થયું છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, મૂળ મધ્ય પ્રદેશની વતની પૂજાબેન મુવેલ (20) છેલ્લા ત્રણેક મહિાથી લક્ષ્મીપુર ગામ નજીકની સિરામિક ફેક્ટરીના લેબર ક્વાર્ટરમાં પોતાના પ્રેમી નરેન્દ્રસિંહ સાથે લીવ ઈનમાં રહેતી હતી.
મોરબી પોલીસની જનરક્ષક ટીમને સિરામિક ફેક્ટરીના લેબર રૂમમાં યુવતીની લાશ પડી હોવાની જાણ થતાં પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. જ્યાં મૃતક પૂજાના શરીર પર ઈજાના નિશાન જોવા મળ્યા હતા. આ મામલે પૂજાની સાથે લીવ ઈનમાં રહેતા નરેન્દ્રસિંહની પૂછપરછ કરતાં તે ગલ્લાતલ્લા કરવા લાગ્યો હતો.
જો કે પોલીસની ટીમને શંકા જતાં તેની આગવી ઢબે પૂછપરછ કરતાં તે ભાંગી પડ્યો હતો. નરેન્દ્રસિંહે કબૂલાત કરી હતી કે, પૂજા સાથે માથાકૂટ થતાં ઉશ્કેરાઈને તેને લાકડાના ફટકા અને બેલ્ટ વડે ફટકારતા તે ઢળી પડી હતી. આથી પોલીસે હત્યારા નરેન્દ્રસિંહને પકડીને એ-ડિવિઝન પોલીસ મથકની કસ્ટડીમાં રાખ્યો હતો.
જ્યાં પોલીસ લોકઅપમાં સવારના પહોરમાં નરેન્દ્રસિંહને છાતીમાં દુખાવો ઉપડતા તાત્કાલિક મોરબીની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબોએ નરેન્દ્રસિંહને મૃત જાહેર કર્યો હતો. જેથી પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો હતો, જ્યાં તેનું હાર્ટ એટેકથી મોત થયાનું ખુલ્યું છે.
